ટીમ ઈન્ડિયાના યુવા વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. આજના દિવસે બાંગ્લાદેશ સામે ઈશાને બેટથી પાયમાલી સર્જીને ઈતિહાસ રચી દીધો હતો. જેના કારણે ઈશાને રોહિત શર્મા અને શુભમન ગિલને પાછળ છોડી દીધા હતા. ઈશાનનું આ મોટું પરાક્રમ જોઈને ક્રીઝ પર હાજર વિરાટ કોહલી પણ ઉત્સાહમાં આવી ગયો હતો.
ફટકારી સૌથી ઝડપી બેવડી સદી
આજે એટલે કે 10મી ડિસેમ્બરે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ODI મેચ રમાઈ હતી. આ મેચમાં ઈશાન કિશનનું ધમાકેદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. આ મેચમાં ઈશાન કિશને ODI ક્રિકેટ ઈતિહાસમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારી હતી. આ મેચમાં ઈશાને આ બેવડી સદી માત્ર 126 બોલમાં પૂરી કરી હતી. મેચમાં એકંદરે ઈશાને 210 રનની ઈનિંગ રમી જેમાં 24 ચોગ્ગા અને 10 છગ્ગા સામેલ હતા. આ દરમિયાન વિરાટ કોહલી પણ ઈશાન સાથે ક્રિઝ પર હાજર હતો. કોહલીએ પણ આ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. કોહલીએ 91 બોલમાં 113 રન બનાવ્યા હતા. જેમાં 11 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે.
લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે કિશન
ઈશાન કિશન લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર છે. બીસીસીઆઈની સલાહની અવગણના કરવી ઈશાન માટે મોંઘી પડી, જેના કારણે તેને સેન્ટર કોન્ટ્રાક્ટમાંથી પણ બહાર કરી દેવામાં આવ્યો. ઈશાને ટીમ ઈન્ડિયા માટે તેની છેલ્લી ઈન્ટરનેશનલ મેચ વર્ષ 2023માં રમી હતી.
ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું પ્રદર્શન
ટીમ ઈન્ડિયામાં કમબેક કરવા માટે ઈશાનને ડોમેસ્ટિક ક્રિકેટ રમવાની સલાહ આપવામાં આવી હતી. આ વખતે ડોમેસ્ટિક ક્રિકેટમાં ઈશાનનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. દુલીપ ટ્રોફીથી લઈને રણજી ટ્રોફી સુધી તેણે પોતાના બેટથી સદી ફટકારી હતી. હવે ચાહકોને આશા છે કે ટૂંક સમયમાં ઈશાન ટીમ ઈન્ડિયા માટે રમતા જોવા મળશે.


