- ત્રણને ગંભીર હાલતમાં ગાંધીનગર સિવિલ ખસેડાયા
- લઠ્ઠાકાંડની આશંકાને લઈ ઉચ્ચ અધિકારીઓના લિહોડા ગામે ધામા
- રખિયાલ પોલીસે દારુના અડ્ડાઓ પર સર્ચ ઓપરેશન કર્યુ
રાજ્યમાં ફરી એક વાર લઠ્ઠાકાંડની આશંકા છે. જેમાં દહેગામના લિહોડા ગામમાં દારુ પીવાથી 2ના મોત થયા છે. તેમજ ત્રણને ગંભીર હાલતમાં ગાંધીનગર સિવિલ ખસેડાયા છે. લઠ્ઠાકાંડની આશંકાને લઈ ઉચ્ચ અધિકારીઓના લિહોડા ગામે ધામા છે. તથા રખિયાલ પોલીસે દારુના અડ્ડાઓ પર સર્ચ ઓપરેશન કર્યું છે.
રેન્જ IG અને જિલ્લા પોલીસવડાએ પણ તપાસ હાથ ધરી
રેન્જ IG અને જિલ્લા પોલીસવડાએ પણ તપાસ હાથ ધરી છે. તેમજ લિહોડા ગામે 108 ની ટીમ પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. ગાંધીનગર પોલીસ વડાનો સ્પષ્ટ દાવો છે કે ગઈકાલની ઘટના છે. તેમજ SPએ જણાવ્યું છે કે ઘટના બાદ સેમ્પલ મોકલવામાં આવ્યા હતા. મીથેનોલની કોઈ જ હાજરી નહી. મૃત્યુ પામનાર વ્યક્તિઓ લાંબા સમયથી દારૂ પીતા હતા. લિહોડા ગામે દારૂ પીવાથી બે વ્યકિતના મોત તેમજ અન્ય ત્રણ લોકોની સ્થિતિ બગડી હોવાની જાણ વાયુ વેગે પ્રસરી હતી અને બીજી તરફ આ અંગેની જાણ પોલીસને થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો છે.
108 વાન પણ લિહોડા ગામે ખડકી દેવામાં આવી
દહેગામ તાલુકાના લ્હોડા ગામે શંકાસ્પદ લઠ્ઠાકાંડ સર્જાયો છે જેમાં ઝેરી દારૂ પીવાથી પનાના મુવાડા ગામના એક વ્યક્તિ તેમજ લિહોડાના એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે ગામના ત્રણ વ્યક્તિઓની હાલત ગંભીર બનતા તેમને 108 વાન દ્વારા ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ બનાવની જાણ રખિયાલ પોલીસને થતા રખિયાલ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી જઈ દારૂના અડ્ડાઓ તેમાં દારૂ પીનારાઓની શોધખોળ અને તેમની તબિયત કેવી છે તેની હિલચાલ માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. બીજી તરફ આ અંગેની જાણ પોલીસના ઉચ્ચ અધિકારીઓને થતા રેન્જ આઈ.જી વિરેન્દ્ર યાદવ તેમજ જિલ્લા પોલીસ વડા રવિ તેજાવાસમ શેટ્ટી પણ લિહોડા ગામે દોડી ગયા હતા બીજી તરફ કોઈ દારૂ પીધેલી વ્યક્તિ શંકાસ્પદ બીમાર હાલતમાં જણાઈ આવે તેમના માટે 108 વાન પણ લિહોડા ગામે ખડકી દેવામાં આવી છે.


