વડાપ્રધાન, કાયદા મંત્રી, ગૃહ મંત્રી સમક્ષ પૂર્વ લીગલ સેલ પિયુષ શાહના પત્ર બાદ લેવાયા પગલા
તાજેતરમાં તમામ અરજદારોને નોટરી આપી દેવાતા અને અગાઉ પસંદ થયેલાઓનું લીસ્ટ રદ કરાતા વચેટીયાઓ ખુલ્લા પડી ગયા
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વકીલોને નોટરીનું સર્ટીફિકેટ આપવા માટે પસંદગી તો સરકાર દ્વારા થાય છે. પરંતુ રાજકોટમાં બની બેઠેલા ભાજપના પૂર્વ નેતા અને વકીલ સંગઠન સાથે જોડાયેલા એક નેતા અને તેની સિન્ડીકેટે ૪૦ જેટલા નોટરી પાસેથી અંદાજે સવા થી દોઢ કરોડ રૂપિયો કટકી તરીકે પાર્ટીના નામે ખંખેર્યો હોવાનું કહેવાય છે. રૂપાણી સરકારમાં જેના પડયા બોલ ઝીલાતા હતા તેવા એક નીકટના નેતા અને તેની ઓફિસના સાથીદાર સુધી આ કૌભાંડની સાંકળ પહોંચે છે. આ કૌભાંડ અંગે રાજકોટની લીગલ શાખાના પૂર્વ કન્વીનર પિયુષ શાહે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, ગૃહ મંત્રી અમિતભાઇ શાહ તથા કાયદા મંત્રી રીજુજીને મેઇલ દ્વારા ફરિયાદ કરી હતી. જે અનુસંધાને વડાપ્રધાન સહિતના આગેવાનોએ પાર્ટીના નામે સામાન્ય વકીલો પાસેથી આવો ભ્રષ્ટાચાર ન ચલાવી લેવાનું સખત સ્ટેન્ડ લઇ જરૂરી સુચના આપી હતી.
જે અનુસંધાને સમગ્ર રાજયમાંથી ૨૦૦ જેટલા નોટરીઓને તાજેતરમાં અને અગાઉ પસંદ કરવામાં આવ્યા હતા તે તમામ લીસ્ટ રદ કરવાથી જેમણે પૈસા દીધા હોય તે લોકો જાગ્યા હતાં. બીજી બાજુ સરકારે આમાં કોઇપણ સ્તરે ભ્રષ્ટાચાર નથી થતો તે સંદેશો આપવા માટે અરજી કરનારા તમામને નાના-મોટા વકીલોને નોટરી માટે યોગ્ય ગણી તેમને નોટરી આપવા મંજુરી આપી દીધી હતી.
આ મંજુરી આપી દીધા બાદ રાજકોટમાંથી અંદાજે ૪૦ જેટલા વકીલોએ જેમની સાથે વહિવટ કર્યો હતો તેમની પાસે પૈસા પાછા માંગવા માથાકુટ કરી હતી. પહેલા તો મસાણે ગયેલા લાકડા પાછા ન આવે તે રીતે નેતાએ તમામ લાભાર્થીઓને તમે સિલેકટ થઇ ગયા છો એટલે કોઇ પૈસા પાછા આપવાના થતા નથી તેવુ જણાવ્યું હતું. પરંતુ તેમના પુરાવાઓ પૈસા આપનારે અન્યત્ર રજુ કરતાં હવે પ્રેસર આવ્યું છે. ઘીના ઠામમાં ઘી પાછુ નાંખી દેવા માટે ધમપછાડા શરૂ થયા છે.
જાણકારોના જણાવ્યા મુજબ જે ૪૦ જેટલા લોકો પાસેથી વ્યકિતગત રીતે રૂ.અઢી લાખ થી પાંચ લાખ સુધીની રકમ કટકટાવવામાં આવી છે તેનો પૂરો હિસાબ કરવામાં આવે તો સવા કરોડથી દોઢ કરોડ સુધીની રકમ થાય છે. લોધાવડ ચોકના આ નેતાના વચેટીયાએ આ પૈસાથી ગાડી ખરીદી હોવાનું પણ વકીલ આલમમાં ચર્ચાય છે.
ગુજરાત બાર કાઉન્સિલ કડક હાથે કામ લેશે
જો લેખીત ફરિયાદ મળશે તો કૌભાંડકાર સામે પોલીસ કેસ સહિતના પગલા લેવાની તૈયારી : જે.જે.પટેલ
ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન અને ગુજરાત ભાજપ લીગલ સેલના ચેરમેન જે.જે.પટેલે રાજકોટમાં વકીલો સાથે નોટરી બાબતે થયેલા કૌભાંડની ફરિયાદો અંગે કડક પગલા લેવાની ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું છે કે રાજકોટ બાર કાઉન્સિલના લીગલ સેલ દ્વારા અમોને જે ફરિયાદ મળી છે. તે ફરિયાદમાં ભોગ બનનાર કોઇ વ્યકિત કે વકિલ લેખીત ફરિયાદ કરશે તો ગુજરાત બાર કાઉન્સિલ આ અંગે કલ્પનામાં ન હોય તેવા કડક પગલા લઇ શકે છે. કથિત આરોપી સામે પોલીસ ફરિયાદ સહિતના પગલા લેવાની અમારી તૈયારી છે.


