- મતદારો રજૂઆત કરતા રહ્યા
- લોકપ્રતિનિધિ માટે રોડ સુધરી ગયો
- સેક્ટર-21માં પણ ચારેક જગ્યાએ રોડ પર પેચવર્કના કામ થયાં, સફાઈને સઘન કરી
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ધોળાકૂવા ખાતે નવનિર્મિત પ્રાથમિક શાળાનું 27મીએ કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર સાંસદના હસ્તે લોકાર્પણ કરવામાં આવનાર છે. અમીત શાહ આ શાળાનું રૂબરૂ સ્થળ પર જઈ લોકાર્પણ કરવાના હોવાને લઈને અંદાજે દોઢ કીમીનો રોડ રીસર્ફેશ કરવામાં આવ્યો છે.
ધોળાકૂવા, સેક્ટર-21 તથા પેથાપુરમાં હાલમાં તૈયારીઓની આખરી ધમાલ ચાલી રહી છે. લોકાર્પણ કરવા માટે અમીત શાહ ધોળાકુવા સ્કુલ જવાના હોવાથી તેમને સહેજપણ ઝાટકો ના લાગે તે બાબતનું ખ્યાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. જે માર્ગે તેઓ ધોળાકૂવા સ્કુલ પહોંચશે તે સમગ્ર દોઢ કીમી રોડને નવેસરથી મ્યુનિ તંત્ર દ્વારા રીસર્ફેશ કરવામાં આવ્યો છે. ગાંધીનગર સાંસદ તથા કેન્દ્રીય મંત્રીનો કાફલો રોડ માર્ગે ધોળાકૂવા જવાનો છે. આ રોડને રીપેર કરવા માટે છેલ્લા ઘણા સમયથી લોકો રજુઆત કરી રહ્યા હતા. પરંતુ હવે જનતાના પ્રતિનિધી આ માર્ગ પરથી જવાના હોવાથી રોડને નવોનક્કોર બનાવી દેવાયો છે. 27મીએ જ્યારે અમીત શાહ આ રોડ પરથી પસાર થશે ત્યારે તેમને પણ ખબર પડી જશે કે આ રોડ તેમના માટે સુંદર મજાનો બનાવવામાં આવ્યો છે. અન્યથા આ રોડનો ઉપયોગ કરનારા તેમના મતદારોને અત્યારસુધીમાં કેટલી તકલીફો વેઠવી પડી હશે તેનો અંદાજ ચોક્કસથી આવી જશે. ધોળાકૂવાથી સર્કિટહાઉસ થઈને તેઓ સે-21ની લાયબ્રેરી પહોંચશે. અહીં તેઓ સે-21ની લાયબ્રેરીનું લોકાર્પણ કરશે. અમીત શાહ આવવાના હોવાથી અહીંપણ ગટરની લાઈન નાંખવા માટે થઈને રોડને ચારેક જગ્યાએથી વચ્ચેથી આડો ખોદી નંખાયો છે. જેનું વ્યવસ્થિત પુરાણ કરી આ ચારેય જગ્યાએ પેચવર્ક કરી દેવાયું છે. પેથાપુર ખાતે પણ જ્યાં જ્યાં રોડ પર ખાડા પડી ગયા હતા તેનું રીપેરીંગ કરવા ઉપરાંત સફાઈને સઘન બનાવવામાં આવી છે. મંત્રી અને સાંસદ અમીત શાહની ગાડીને ક્યાંય રસ્તા પર અટવાય નહી અને સડસડાટ નીકળી જાય તે તમામ બાબતનું ધ્યાન રાખવાની કોશિશ કરવામાં આવી છે. અત્યારે કોર્પોરેશનના અધિકારીઓના બ્લડપ્રેશર હાય હશે, કારણકે ઉપરથી સતત સૂચનાઓ આપવામાં આવી રહી છે. 27મીના મંગળવારના પ્રોગ્રામને લઈને કોર્પોરેશન, ગુડા, જિ.કલેક્ટર , ફોરેસ્ટ, જિલ્લા પંચાયત, પાટનગર યોજના તમામ વિભાગના અધિકારીઓ-કર્મીઓ છેલ્લા સપ્તાહથી આયોજનમાં વ્યસ્ત છે. આજે રવિવારે રજાના દિવસે પણ કચેરીઓ ચાલુ રહી હતી. કર્મચારીઓએ આજેપણ રજાના દિવસે ફરજ પર હાજરી આપી હતી.


