- ઝઘડિયામાં વર્ષો જુનુ ઝાડ પડતા યુવકનું મોત
- ગોવાલી ગામે ઝાડ પડતા 2 લોકો થયા ઈજાગ્રસ્ત
- 2 ઈજાગ્રસ્તોમાંથી 1નું સારવાર દરમિયાન મોત
ભરૂચના ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે વર્ષો જુનું પીપળાનુ વૃક્ષ પડતા એકનુ મોત તો બે વ્યકિત ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ ખસેડાયા હતા.ઝાડ પડતા આસપાસના સ્થાનિકો ભેગા થયા હતા.તો બીજી તરફ 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડાયા હતા.ઘટનાની જાણ થતા ફાયર વિભાગે ઝાડ કાપીને દૂર કર્યુ હતું.
10 જૂને ભરૂચમાં ઝાડ પડવાથી મોત
ભરૂચ જતા સમયે માર્ગમાં એક મોટુ ઝાડ વરસાદ અને વાવાઝોડાને લીધે ગાડી તથા રિક્ષા પર પડી ગયું હતું. આના પરિણામે બંને વાહનોમાં બેઠેલા 4 લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. આ દુર્ઘટના જલારામ મંદિર પાસે સાંજે 4 વાગ્યાની આસપાસ બની હતી. આ સમયે ગાડીની અંદર કૂલ 5 લોકો સવારી કરી રહ્યા હતા જ્યારે રિક્ષામાં પણ એક મહિલા સવાર હોવાની વિગતો મળી હતી.
19 જૂને વાપીમાં ઝાડ પડયુ
વાપીમાં વરસાદી માહોલ વચ્ચે ચલા વિસ્તારમાં આવેલ તિરૂપતિ પ્લાઝા બિલ્ડીંગની સામે પાર્ક કરેલ એક કાર ઉપર ઝાડ તૂટી પડયુ હતુ. ઝાડ પડતા જ લોકો સ્થળ ઉપર દોડી આવ્યા હતા. સદનસીબે કારમાં કોઇ હાજર ન હોય તેઓનો આબાદ બચાવ થયો હતો. પરંતુ ઝાડ પડવાથી કારનો ઉપરનો ભાગ દબાઇ જતા નુકસાન થયુ હતુ.
19 જૂને વડોદરામાં ઝાડ પડયુ
વડોદરા શહેરના સોમા તળાવ, ડભોઇ વાઘોડિયા રીંગરોડ, પ્રતાપ નગર સહિતના વિસ્તારમાં ચોમાસાના આગમનની છડી પોકારવાના ઇરાદે અમી છાંટા પણ પડયા હતા. દરમિયાનમાં સવારે ભારે પવનને કારણે કેટલીક જગ્યાએ વૃક્ષો પણ પડી ગયા હોવાના બનાવ બન્યા છે જેમાં સયાજી બાગ પાસે એક તુટિંગ વૃક્ષ તૂટી પડતા ફાયર બ્રિગેડના જવાનોએ તેને હટાવવાની કામગીરી કરી હતી.


