- ખેતરમાં કામ કરતી વખતે ભારતીયો મિસાઇલ હુમલાની લપેટમાં આવ્યા
- મૃતક અને બે અન્ય ઈજાગ્રસ્તો ભારતના કેરળ રાજ્યના રહેવાસી હોવાનો ખુલાસો
- મિસાઇલ હુમલામાં ભારતીય નાગરિકના મોત મુદ્દે ઇઝરાયેલે દુઃખ વ્યક્ત કર્યું છે
હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે લેબેનોન તરફથી છોડવામાં આવેલી એન્ટિ ટેન્ક મિસાઇલના હુમલામાં એક ભારતીયનું મોત થયું છે જ્યારે બે અન્ય ઈજાગ્રસ્ત થયા છે. આ હુમલો ઇઝરાયેલની ઉત્તર સરહદ પર કરવામાં આવ્યો હતો. અહેવાલો અનુસાર ત્રણેય ભારતીયો કેરળના રહેવાસી છે. આ હુમલો સોમવારે સવારે લગભગ 11 વાગ્યાના સુમારે ગેલીલ વિસ્તારમાં થયો હતો. અહેવાલો અનુસાર આ મિસાઇલો કોઈ ખેતરમાં ખાબકી હતી, જેમાં કામ કરી રહેલા લોકો મિસાઇલના દાયરામાં આવી ગયા હતા. હુમલામાં માર્યા ગયેલા ભારતીયની ઓળખ કેરળના કોલ્લમના રહેવાસી પટનીબિન મેક્સવેલ તરીકે થઈ છે. ઈજાગ્રસ્તોની ઓલખ બુશ જોસેફ જ્યોર્જ અને પૉલ મેલ્વિન તરીકે થઈ છે. સત્તાવાર સૂત્રોના અનુસાર મિસાઇલ હુમલામાં દાઝી જવાને કારણે જ્યોર્જને નજીકની બેલિનસન હોસ્પિટલમાં દાખલ કરાવાયો હતો. જ્યાં તેની સર્જરી કરાવાઈ હતી. હાલ તેને ઓબ્ઝર્વેશન હેઠળ રખાયો છે. મેલ્વિનને હળવી ઈજા થઈ હતી જેને જિવ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
ઇઝરાયેલ સરકારે દુઃખ વ્યક્ત કર્યું :
મિસાઇલ હુમલામાં ભારતીય નાગરિકના મોત મુદ્દે ઇઝરાયેલે દુઃખ વ્યક્ત કર્યું છે. ઇઝરાયેલ સરકારે એક્સ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, સોમવારે શાંતિપૂર્વક ખેતીકામ કરી રહેલા શ્રામિકો પર આતંકવાદી સંગઠન હિઝબુલ્લાના કાયરતાપૂર્ણ હુમલામાં એક ભારતીયનું મોત અને બે અન્ય ઈજાગ્રસ્ત થવાને કારણે તે સ્તબ્ધ અને દુઃખી છે. ઇઝરાયેલ સરકારે પીડિત પરિવારો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરતા કહ્યું હતું કે ઈજાગ્રસ્તોની સારવાર કરવામાં આવી રહી છે.


