વડોદરાના ભાયલી વિસ્તારમાં આવેલી ‘સોપાન-55’ નામની કન્સ્ટ્રક્શન સાઈટ પર એક અત્યંત હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. અહીં બિલ્ડરના ડ્રાઈવરની ઘોર બેદરકારીને કારણે માસૂમ બાળકીનું કાર નીચે આવી જવાથી કરૂણ મોત નીપજ્યું છે. મળતી માહિતી મુજબ, સાઈટ પર કામ ચાલતું હતું ત્યારે રિવર્સમાં અથવા આગળ લેતી વખતે ડ્રાઈવરે ધ્યાન આપ્યું ન હતું અને કારનું ટાયર બાળકી પર ફરી વળ્યું હતું. આ ગંભીર દુર્ઘટનામાં માસૂમ બાળકીએ ઘટનાસ્થળે જ દમ તોડ્યો હતો, જેના પગલે પરિવારમાં ભારે આક્રંદ મચી ગયો છે.
પોલીસ ફરિયાદ નોંધાઈ
આ ઘટના અંગે બાળકીના પિતાએ ડ્રાઈવર વિરુદ્ધ બેદરકારીથી વાહન ચલાવી મૃત્યુ નીપજાવવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવી છે. શ્રમિક પરિવાર સાઈટ પર મજૂરી કરી ગુજરાન ચલાવતો હતો, ત્યારે આ અકસ્માતે તેમની ખુશીઓ છીનવી લીધી છે. પોલીસે ગુનો નોંધીને ડ્રાઈવરની અટકાયત કરવાની તજવીજ હાથ ધરી છે અને સોપાન-55 સાઈટ પર સુરક્ષાના નિયમોનું પાલન થતું હતું કે નહીં તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે. માસૂમ દીકરીના મોતે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાવી દીધી છે.
આ પણ વાંચો : Mahisagar News : બાલાસિનોરમાં કમળાના કેસ વધતા હાહાકાર, 324 કેસ અને 2 મોતના સમાચારથી લોકોમાં ફફડાટ


