- 40 વર્ષીય પ્રમોદ મદારી ગૌતમનું મોત
- એથર મીલ આગમાં અત્યાર સુધી 9 શ્રમિકોના મોત
- હજુ પણ 5 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ
સુરતના સચિન GIDC સ્થિત એથર કેમિકલ મિલમાં આગનો મામલે હજી પણ ઈજાગ્રસ્ત શ્રમિકોના મોતની ઘટના સામે આવી રહી છે. આ વચ્ચે આજે આગમાં ગંભીર રીતે દાઝેલા વધુ એક કામદારનું મોત થયું હોવાની વિગતો સામે આવી છે. છેલ્લા ચાર દિવસથી શ્રમિક સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ હતો જ્યાં તેને અંતિમ શ્વાસ લીધો છે.
સચિન GIDC માં આવેલી એથર કેમિકલ મિલમાં 4 દિવસ અગાઉ બ્લાસ્ટ સાથે આગ લાગી હતી. જેમાં 7 જેટલાં શ્રમિકો હોમાય ગયા હતા. આ પછી બીજા દિવસે કાટમાળ હટાવતાં વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. આ પછી આજે 40 વર્ષીય પ્રમોદ મદારી ગૌતમ નામના શ્રમિકનું મોત થયું છે. પ્રમોદ મદારી ગૌતમ ખાનગી હોસ્પિટલમાં દાખલ હતો.
આ પછી એથર મીલ આગમાં અત્યાર સુધી 8 કામદારોના મોત થયા હતા. જે પછી હવે વધુ એક મોતની ઘટના સામે આવી છે. બાદ GPCBએ એથર ઈન્ડસ્ટ્રીઝને ક્લોઝર નોટિસ ફટકારી હતી. સાથે કંપનીને 50 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આગની દુર્ઘટનામાં નબળી કામગીરી બદલ ઉધના મામલતદાર પાસેથી ચાર્જ છીનવાયો હતો.
GPCB એ ફટકારી છે નોટિસ
એથર કંપનીમાં આગની દુર્ઘટનાની તપાસ માટે કલેક્ટરે કમિટીની રચના કરી હતી. GPCB, ફાયર વિભાગ, ફેક્ટરી ઈન્સ્પેક્ટર, સચિન PI દુર્ઘટનાની તપાસ કરશે. કલેક્ટરે આગની ઘટનાનો તપાસ રિપોર્ટ સાત દિવસમાં સોંપવાના આદેશ આપ્યા હતા. ઉધના મામલતદાર આશિષ નાયક પાસેથી ઈન્ચાર્જ ડિઝાસ્ટરનો ચાર્જ છિનવાયો હતો. નબળી કામગીરી બદલ મામલતદાર પાસેથી ચાર્જ છીનવવામાં આવ્યો છે. આગની ઘટનાની જાણ કલેક્ટરને કરવામાં આવી નહોતી. ઈલેક્શન શાખાના મામલતદાર પ્રતિક જાખડને હવે આ જવાબદારી સોંપાઇ હતી.
મૃતકોને સહાયની જાહેરાત
એથર ઈન્ડસ્ટ્રીઝના અધિકારીઓ કહ્યું હતું કે, અમારા સાત મૃત શ્રમિકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. મૃતકના પરિવારજનોને વ્યક્તિ દીઠ 50 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. સાથે જ પરિવારના સભ્યોને ઈચ્છા હશે તો નોકરી પણ આપવામાં આવશે. મૃતકોના બાળકો માટે અભ્યાસની વ્યવસ્થા પણ કરવામાં આવશે. ઈજા થવાથી કાયમી દિવ્યાંગ થયેલા અને કામ કરવામાં સક્ષમ ન રહેલા શ્રમિકોને 25 લાખ રૂપિયા તેમજ સારવારનો તમામ ખર્ચ કંપની તરફથી આપવામાં આવશે


