- દિવાળી પહેલા આંગણવાડી બહેનોનો વિરોધ
- સરકાર સામે ઊભું થઈ શકે છે નવું આંદોલન
- આંગણવાડી બહેનોએ સરકારની સામે મોરચો માંડ્યો
દિવાળી પહેલા સરકારની સામે વધુ એક નવું આંદોલન ઊભું થઈ શકે એવી શક્યતાઓ ઉભરી છે. ખાસ કરીને આ વખતે આંગણવાડી બહેનોએ સરકારની સામે મોરચો માંડ્યો છે. તેમણે વધતી જતી મોંઘવારીને કારણરૂપ ગણાવી પગારવધારાની માગણી કરી છે. આ મામલે મોડાસામાં આંગણવાડી બહેનોએ ગરબા રમીને સરકારનો વિરોધ કર્યો હતો.
દિવાળી પહેલા સરકારને વધુ એક વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. આ વખતે આંગણવાડી મહિલા કાર્યકર્તાઓ પગારવધારાની માગણીને લઈને સરકારની સામે પડી છે. ખાસ કરીને જોઈએ તો ટૂંકા પગારમાં ઘર ચલાવવામાં પરિવારને મદદ કરવી આવી મહિલાઓ માટે ખૂબ જ અઘરી બાબત છે ત્યારે દિવાળી જેવા તહેવારોમાં તો મોંઘવારી વધતા વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. અરવલ્લી જિલ્લાના મોડાસામાં આંગણવાડી મહિલાઓએ સરકારનો વિરોધ કર્યો છે. મોડાસામાં પગાર વધારા અને પડતર માંગણીઓને લઈ સ્થાનિક મોડાસા અને ધનસુરા તાલુકાના આંગણવાડી કાર્યકરોએ ગરબા યોજ્યા હતા. ગરબા સાથે થાળી વેલણ વગાડીને સરકારને જગાડવા અને પોતાની બાબતોને લઈને ધ્યાન દોરવા માટે આવી અનોખી રીતે આ વિરોધ કરવામાં આવ્યો હતો.
મહત્વનું છે કે આંગણવાડી કેન્દ્રની મહિલાઓએ દિવાળીના તહેવારોમાં મોંઘવારીને લઈને પોતાનો રોષ ઠાલવીને પગાર વધારાની માગણી કરી હતી. જિલ્લાના ધનસુરા અને મોડાસા તાલુકાની આંગણવાડી કેન્દ્રોની કાર્યકર અને તેડાગર બહેનોએ પડતર માંગણીઓને લઈ તેને સંતોષવા સરકાર સમક્ષ માગણી કરી છે. ઉલ્લેખનીય છે કે આ મામલે મોડાસા શહેરમાં આવેલા સાંઈ મંદિરે મહિલાઓએ એકઠા થઈને વિરોધ નોંધાવતા ગરબા રમ્યા હતા.
આમ ગરબા રમીને કર્મચારી મહિલાઓએ સરકાર પોતાની પડતર માંગણીઓને પૂર્ણ કરે અને પગાર વધારો કરે એ માટેની માંગ કરી હતી. મોંઘવારીના કારણને આગળ ધરીને સરકારને આ મામલે રજૂઆત કરવામાં આવી હતી. મહિલા કાર્યકરોએ ગરબા રમવા સાથે વેલણથી થાળી વગાડીને પોતાનો રોષ ઠાલવ્યો હતો. સ્થાનિક આંગણવાડી કાર્યકરો દ્વારા જિલ્લા ક્લેકટર સહિક અધિકારીઓ અને ઉચ્ચ કક્ષાએ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.


