ભારતમાં ભગવાન શિવજીનાં અનેક મંદિર જોવા મળે છે. અલબત્ત, સૌથી પૌરાણિક, પ્રાચીન કે અર્વાચીન મંદિરોમાં પણ ભગવાન શિવજીનાં મંદિરો પહેલી હરોળમાં આવે છે. ભારતના ઉત્તરથી દક્ષિણે અને પૂર્વથી પશ્ચિમે આવેલાં મંદિરોમાં પણ ભગવાન શિવજીનાં મંદિરો વધુ જોવા મળે છે. ભગવાન શિવજીનાં પ્રાચીન મંદિરોમાં ઉત્તરાખંડના ગઢવાલના રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલા તુંગનાથ મંદિરનો સમાવેશ થાય છે. આ મંદિર મહાદેવજીના પાંચ કેદારોમાંથી એક છે. આ મંદિર ચારેય તરફથી બરફથી ઢંકાયેલું જોવા મળે છે. ભારતના સૌથી ઊંચાં શિવમંદિરો પૈકીનું આ મંદિર અંદાજિત ૩680ની ઊંચાઇ પર આવેલું છે. આ મંદિર બે હજાર વર્ષ કરતાં પણ જૂનું છે.
મંદિરનો ઇતિહાસ ભગવાન શ્રીરામ અને પાંડવો સાથે સંકળાયેલો છે
તુંગનાથ મહાદેવનું મંદિર એટલા માટે પણ વધુ પ્રચલિત છે, કારણ કે ભગવાન શ્રીરામે પણ અહીં કેટલોક સમય વિતાવ્યો હતો.
પંચકેદારોમાં દ્વિતીય કેદારના નામે જગપ્રસિદ્ધ આ મંદિરની સ્થાપના કેવી રીતે કરવામાં આવી તેના વિશે સૌ કોઇ ભક્તો જાણતા જ હશે! એક ધાર્મિક માન્યતા પ્રમાણે મહાભારતના યુદ્ધ પછી પાંડવો ખૂબ જ વ્યાકુળ હતા. યુદ્ધને લઇને પાંડવોના મનમાં અનેક વિડંબણાઓ ચાલી રહી હતી, તેથી તેઓ આ વિડંબણાઓને દૂર કરવા મહર્ષિ વ્યાસ પાસે ગયા હતા. આ સમયે મહર્ષિ વ્યાસે જણાવ્યું હતું કે, પોતાના જ ભાઈઓની અને ગુરુઓની હત્યા માટે તમને બ્રહ્મહત્યા અને ભ્રાતહત્યાનો દોષ લાગ્યો હતો. તેમના બ્રહ્મહત્યાના દોષથી મુક્ત થવા માટે ભગવાન મહાદેવજી જ તેમને બચાવી શકે એમ હતા. અંતે વ્યાસ ઋષિની સલાહથી તેઓ ભગવાન શિવજીને મળવા હિમાલય પહોંચી ગયા હતા, પરંતુ શિવજી મહાભારતના યુદ્ધથી નારાજ હતા, તેથી પાંડવોને શિવજી મળી ન શકે માટે શિવજીએ ભેંસનું રૂપ ધારણ કરી લીધું અને પ્રાણીઓના એક ઝુંડમાં પ્રવેશીને દૂર ચાલ્યા ગયા. આ દરમિયાન પ્રાણીઓના ઝુંડે ભીમ પર હુમલો કર્યો, પરંતુ ભીમ વિશાળકાય હોવાથી તેમણે પોતાના પગ ઊંચા ફેલાવી દીધા હતા. પગ ઊંચા ફેલાવવાથી બધાં પ્રાણીઓ નીકળી ગયા, પરંતુ એક ભેંસ ત્યાંથી નીકળી ન શકી, તેથી ભીમને અંદાજ આવી ગયો કે આ જ ભગવાન શિવજી છે, તેથી તેમણે ભેંસની પીઠ પકડી લીધી હતી અને તેને છોડી નહીં.
આખરે ભગવાન શિવજીએ પાંડવોની ભક્તિથી પ્રભાવિત થઇને તેમને બ્રહ્મહત્યા અને ભ્રાતહત્યાના દોષમાંથી મુક્તિ આપી હતી. એક ધાર્મિક માન્યતા એવી પણ છે કે, ભગવાન શિવજીએ પોતાના શરીરનો અલગ અલગ ભાગ ભેંસમાં છોડ્યો હતો. અલબત્ત, કુલ પાંચ ભાગ તેમણે અલગ અલગ છોડ્યા હતા અને આજે તે પાંચ ભાગ પંચકેદાર તરીકે ઓળખાય છે અને તે પાંચેય મંદિરો પૂજાય છે. આ પંચકેદારમાં કેદારનાથ, મદમહેશ્વર, તુંગનાથ, રુદ્રનાથ અને કલ્પનાથનો સમાવેશ થાય છે. તુંગનાથ મહાદેવના મંદિરનું નિર્માણ પણ પાંડવોએ કર્યું હતું.
પુરાણોમાં જણાવ્યા પ્રમાણે ભગવાન શ્રીરામ ભગવાન શિવજીને પોતાના ભગવાન માનીને પૂજતા હતા. લંકાપતિ રાવણનો વધ કરીને તેઓ તુંગનાથથી થોડે દૂર ચંદ્રશિલા પર આવી પહોંચ્યા હતા. ભગવાન શ્રીરામે અહીં કેટલોક સમય વિતાવ્યો હતો. ચંદ્રશિલાની મોટી પહાડીઓ પર તેમણે ધ્યાન ધર્યું હતું.
માતા પાર્વતી પણ તુંગનાથ આવ્યાં હતાં
તુંગનાથની આસપાસ રહેતા સ્થાનિકોના કહેવા પ્રમાણે માતા પાર્વતીજી પણ આ સ્થળે તપસ્યા કરવા આવ્યાં હતાં. અન્ય ધાર્મિક ગ્રંથોમાં પણ માતા પાર્વતી આ સ્થળે કઠોર તપસ્યા કરવા આવ્યાં હોવાનો ઉલ્લેખ છે.
વર્ષમાં અમુક મહિનાઓ
માટે જ આ મંદિર ખૂલે છે
સામાન્ય રીતે આ મંદિર ગરમીની ઋતુમાં ખૂલે છે. એપ્રિલ-મે મહિનાઓમાં વૈશાખ પાંચમે શ્રદ્ધાળુઓ માટે આ મંદિર દર્શનાર્થે ખોલવામાં આવે છે. જોકે, મંદિર ખોલવાની શુભ તિથિ વૈશાખમાં આવતા તહેવારો દરમિયાન બદ્રકેદાર મંદિર સમિતિ દ્વારા નક્કી કરવામાં આવે છે. તેમ છતાં તુંગનાથ મંદિરના કપાટ ખૂલવાની સંભવિત તારીખ 10 મે, 2025 કહેવામાં આવે છે.