- અમદાવાદ શહેરમાં થઈ રહ્યું છે માદક પદાર્થોનું વેચાણ
- પોલીસે શાહરૂખ નામના શખ્સને ઝડપી લીધો
- સ્વિફ્ટ કારમાં બહારથી ગાંજો લાવી વેચતો હોવાનો ખુલાસો
અમદાવાદના માધુપુરા વિસ્તારમાંથી ગાંજાના 22 કિલોના જથ્થા સાથે 1 વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. મહત્વનું છે કે આ મામલે માધુપુરા પોલીસે કાર્યવાહી કરી હતી. ઘટનાની માહિતી પ્રમાણે બહારથી ગાંજો લાવીને વેચવામાં આવતો હોવાનો આ મામલે ખુલાસો થયો છે.
ગુજરાતમાં હાલના દિવસોમાં માદક પદાર્થોની ઘૂસણખોરી અને તસ્કરી વધી છે. જેમ જેમ શિયાળો જામતો જાય છે અને ડિસેમ્બર 31 ફર્સ્ટની તારીખ નજીક આવતી જાય છે તેમ તેમ આવી ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સ, એમડી, ગાંજા, દારુ અને અન્ય માદક પદાર્થોની મોટા પાયે ઘૂસણખોરી કરાયાના પ્રયાસો સામે આવ્યા છે પરંતુ ગુજરાત પોલીસ અને સુરક્ષા એજન્સીઓના સતર્ક અને સહિયારા પ્રયાસોથી આ ઘટનાઓને રોકવામાં તંત્રને સફળતા મળી છે. જો કે આવી જ એક ઘટના અમદાવાદમાં પણ નોંધાઈ છે. જ્યાં પોલીસની સતર્કતાથી બહારથી લાવીને શહેરમાં ગાંજો વેચી રહેલા એક યુવાનને પોલીસે ઝડપી પાડ્યો છે. માહિતી પ્રમાણે આ યુવાનનું નામ શાહરૂખ પઠાણ હોવાનું સામે આવ્યું છે.
આ ઘટનાની વધુ વિગતો અનુસાર આ શાહરૂખ નામનો શખ્સ અમદાવાદ શહેરમાં બહારથી ગાંજો લાવીને વેચતો હતો. પોલીસે તેને કુલ 22 કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. તે સ્વિફ્ટ કારમાં ગાંજો લાવીને અમદાવાદમાં વેચતો હોવાનું પણ તપાસમાં ખુલવા પામ્યું છે. પોલીસને તેની પાસેથી ગાંજાની સાથે કુલ 5 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે લેવામાં સફળતા મળી છે. પોલીસે આ શખ્સની અટકાયત કરી હતી.
શાહરૂખ આ ગાંજો ઝફાર નામના એક શખ્સ પાસેથી લાવીને શહેરમાં વેચતો હોવાનો ખુલાસો પણ થવા પામ્યો છે. આ મામલે માધુપુરા પોલીસની તપાસ પર હવે સૌ કોઈની નજર છે. મહત્વનું છે કે માધુપુરા પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને આ ઘટનાની વિશેષ જાણકારીઓ હવે પોલીસ તપાસ પછી જ સામે આવે તેવી શક્યતાઓ છે.


