- પાંગી-નાલા નેશનલ હાઈવે પર ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો
- કાર કિન્નૌરમાં સતલુજ નદીમાં 200 મીટર ઊંડી પડી
- તમિલનાડુના બે પ્રવાસીઓ કારમાં સવાર હતા
હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લામાં મુસાફરી દરમિયાન સતલજ નદીમાં એક કાર ખાબકી હતી. સતલજ નદીમાં કાર ખાબકી જતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને એક વ્યક્તિ ગુમ થઈ છે તેમજ અન્યને બચાવી લેવામાં આવ્યાં છે. આ ઘટના રવિવારે બપોરે બની હતી જ્યારે ત્રણ લોકો લાહૌલ સ્પિતિના કાઝાનગરથી કિન્નોર જિલ્લામાં જઈ રહ્યાં હતાં.
પાંગી નાલા પાસે નેશનલ હાઈવે 305 પર ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો
નદીમાં ખાબકેલ કારમાં સવાર ત્રણ લોકોમાં તમિલનાડુના બે પ્રવાસીઓ હતાં અને હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિ જિલ્લાનો રહેવાસી ડ્રાઇવર કાર ચલાવી રહ્યો હતો. આ અંગે સૂત્રો પાસેથી માહિતી મળી હતી કે, તેઓ કિન્નૌર જઈ રહ્યાં હતાં ત્યારે, પાંગી નાલા પાસે નેશનલ હાઈવે 305 પર ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો અને કાર કિન્નૌરમાં સતલુજ નદીમાં રોડથી લગભગ 200 મીટર ઊંડી પડી ગઈ હતી. આ ઘટનામાં બે લોકો તણાઈ ગયા હતાં, જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો છે.
ગુમ લોકોને શોધવા સર્ચ ઓપરેશન
રવિવારે અકસ્માતની માહિતી મળતાની સાથે જ રેકોંગ પીઓ પોલીસ, ક્યુઆરટી અને હોમગાર્ડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં અને ઘાયલોને સારવાર માટે રેકોંગ પીઓની પ્રાદેશિક હોસ્પિટલમાં લઈ ગયા હતાં. જ્યારે ગુમ થયેલા લોકોને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. રેસ્ક્યુ ટીમે સતલજના કિનારે અને આસપાસના વિસ્તારોમાં ગુમ થયેલા લોકોની શોધખોળ કરી હતી પરંતુ રવિવારે મોડી સાંજ સુધી તેઓ શોધી શક્યા ન હતા.
સોમવારે સવારે ડ્રાઇવરનો મૃતદેહ મળ્યો
પોલીસે જણાવ્યું હતું કે, જો કે સોમવારે સવારે ડ્રાઇવરનો મૃતદેહ મળ્યો હતો, જે કાઝા વિસ્તારનો રહેવાસી હોવાની માહિતી મળી હતી અને તેનું નામ તેનઝિન હોવાનું જાણવા મળ્યું હતું. ડ્રાઈવરનો મૃતદેહ સ્થળ પર સર્ચ ઓપરેશન કરનાર અધિકારીઓને મળી આવ્યો હતો. આ દરમિયાન ત્રીજા ગુમ વ્યક્તિની શોધખોળ ચાલી રહી છે. આ મામલે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
ફરીથી અકસ્માત ન સર્જાય તેની તકેદારી રાખવામાં આવી રહી
પાંગી – નાલા નેશનલ હાઈ-વે 305 પર અકસ્માત સર્જાતા કાર નદીમાં 200 મીટર ઊંડે ખાબકી જતાં બચાવ કામગીરી ચાલુ છે. આ કામગીરી દરમિયાન નેશનલ હાઈ-વે પર ટ્રાફિક જામ સર્જાયો છે અને વાહનો સાવચેતી પૂર્વક તેમના વાહનો પસાર કરી રહ્યાં છે. રસ્તો સાંકડો હોવાથી ફરીથી અકસ્માત ન સર્જાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે.


