- તેલંગાણાના મુખ્યપ્રધાન રેવંથ રેડ્ડી 89 કેસનો સામનો કરી રહ્યા છે
- પાંચ રાજ્યોમાં નવા બનેલા 92 પ્રધાનો પૈકી માત્ર 11 મહિલા જ પ્રધાન બની શકી છે.
- તેમના દ્વારા દાખલ થયેલા ઉમેદવારીપત્રોના વિશ્લેષણને પગલે આ જાણકારી સામે આવી છે
તાજેતરમાં છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મિઝોરમ, રાજસ્થાન અને તેલંગાણા એમ પાંચ રાજ્યોમાં નવા જ નિમાયેલા કુલ 92 પ્રધાનો પૈકી 33 પ્રધાનો ગંભીર ક્રિમિનલ કેસનો સામનો કરી રહ્યા છે. તેમના દ્વારા દાખલ થયેલા ઉમેદવારીપત્રોના વિશ્લેષણને પગલે આ જાણકારી સામે આવી છે. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં આ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાઇ હતી અને 3 ડિસેમ્બરના રોજ મોટેભાગે ભાજપની તરફેણમાં પરિણામો આવ્યા હતા. ભાજપે તે સાથે જ મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં વિજય મેળવ્યો હતો અને કોંગ્રેસે તેલંગાણામાં ભારત રાષ્ટ્ર સમિતિને શિકસ્ત આપી હતી. ઝોરામ પીપલ્સ મૂવમેન્ટને મિઝોરમમાં જીત મળી હતી. પાંચ રાજ્યોમાં નવા બનેલા 92 પ્રધાનો પૈકી માત્ર 11 મહિલા (11 ટકા) છે.
ફોજદારી રેકોર્ડની વાત કરવામાં આવે તો…
મધ્યપ્રદેશના 31 નવા પ્રધાનો પૈકી 12 (39 ટકા) તેમની સામે ફોજદારી કેસ ધરાવે છે. તે પૈકી ત્રણ પ્રધાનો ગંભીર ફોજદારી કેસ ધરાવે છે. તેમાં ભાજપના મહામંત્રી કૈલાશ વિજયવર્ગીયનો પણ સમાવેશ થાય છે. ત્રણેય સામેના કેસોમાં હત્યા, અપહરણ જેવા કેસોનો સમાવેશ થાય છે.
રાજસ્થાનમાં નવા 25 પ્રધાનો પૈકી 8 પ્રધાનો (32 ટકા) ફોજદારી કેસોનો સામનો કરી રહ્યા છે. તે પૈકી ચાર પ્રધાનો ગંભીર કેસનો સામનો કરી રહ્યા છે.
છત્તીસગઢના નવા 12 પ્રધાનો પૈકી બે પ્રધાનો (17 ટકા) ફોજદારી કેસોનો સામનો કરી રહ્યા છે. તેમાં નાયબ મુખ્યપ્રધાન વિજય શર્મા અને નાણાપ્રધાન ઓમપ્રકાશ ચૌધરીનો સમાવેશ થાય છે. મિઝોરમમાં પણ નવા 12 પ્રધાનો પૈકી બે પ્રધાનો ફોજદારી કેસોનો સામનો કરી રહ્યા છે.
ટકાવારીની દૃષ્ટિએ તેલંગાણા સૌથી ઊંચો આંક ધરાવે છે. અહીં 12 પૈકી 9 (75 ટકા) પ્રધાનો તેમની સામેના ક્રિમિનલ કેસ જાહેર કરી ચૂક્યા છે. તે પૈકી પાંચ નવા પ્રધાનો ગંભીર પ્રકારના ફોજદારી કેસોનો સામનો કરી રહ્યા છે. મુખ્યપ્રધાન રેવંથ રેડ્ડી 89 કેસનો સામનો કરી રહ્યા છે.


