આસાધુ અને સંતોની વ્યાખ્યા હું કર્યા કરું પછી એમ કહું કે આ થોડા સંકેતો છે, ઈશારા છે, બાકી સાધુ-સંતોનેય ક્યાં જાણી શકાય છે? મેં તો સંતની વ્યાખ્યા આવી સમજી છે કે, એક એવી વ્યક્તિને સંત જાણવી, જેને કોઈ તંત ન હોય. તંત ન કરે એ સંત. પોતાનો સિદ્ધાંત સામાવાળો ન સ્વીકારે તો ચૂપ થઈ જાય!
સિદ્ધાંતો માટે મારામારી શું કામ? હશે, શંકરાચાર્યના કાળમાં શાસ્ત્રાર્થો થતા હશે; હવે કળિયુગ છે, શાસ્ત્રોનીય કંઈ બહુ જરૂર નથી. માણસને પોતાની નિજતામાં જીવવા દો. તંત ન કરે એ સંત. તંત શું કામ?
બીજું, જેનો અંત ન આવે એ સંત. શરીર તો જાય, પણ એની સ્મૃતિ ઈશ્વરને પણ રહી જાય. જેની વિચારધારા અનંત છે એ સંત છે. એ કદાચ વિરક્ત પરંપરામાં કે ગાદી પરંપરામાં આવતા હોય તો મહંત બને, પરંતુ સંતપણું ભૂલે નહીં એનું નામ સંત. `મહંત’ શબ્દ શંકરાચાર્યે આપેલો છે; ખરાબ નથી, પણ સંતપણું ભૂલવું ન જોઈએ. ત્રીજું, જેને કોઈ અંગત ન હોય એને સંત ગણવો. કોઈ એમ ન કહી શકે અમે ક્લોઝ છીએ. મને સુરેશભાઈ દલાલે એમ પૂછેલું, બાપુ, તમારે સૌથી વધુ ક્લોઝ કોણ? મેં સુરેશભાઈને કીધેલું કે મારે કોઈ ક્લોઝ નથી, મારી પાસે બધાના `ક્લોઝઅપ’ છે! સાધુને કોણ નજીક, કોણ દૂર? તો જેને કોઈ અંગત ન હોય અને છતાં બધાને એમ લાગે કે એ મારા અંગત છે. ભગવાન રામ ચૌદ વર્ષ પછી અયોધ્યા આવ્યા અને અયોધ્યાના લોકો ચૌદ વર્ષના વિયોગમાં હતા અને પ્રભુને એમ થયું કે મારા બધાને અંગત રીતે મળવું પડશે; એટલે `અમિત રૂપ પ્રગટે તેહિ કાલા.’ જે માણસની જેવી ઈચ્છા, એવું પ્રભુએ રૂપ લીધું અને જ્યારે ભગવાન એ બધાને મળે છે ત્યારે દરેકને એવો અનુભવ થયો કે સૌથી પહેલાં ભગવાન મને જ મળ્યા છે! આનું નામ છે પરમાત્માનું તત્ત્વ, જેને કોઈ અંગત નથી. એવો કોઈ સાધુ તમને જડી જાય કે તમે બરાબર એને પરખો કે આ માણસને કોઈ અંગત નથી, આનું એક પ્રામાણિક ડિસ્ટન્સ છે, ત્યારે સમજવાનું કે એ તત્ત્વ રામ છે. હજી એક વ્યાખ્યા, જેને કોઈ પંગત ન હોય એ સંત. અહીંયાં `પંગત’નો અર્થ છે, જેનું પોતાનું કોઈ ગ્રૂપ નથી, જેણે કોઈ મંડળ ઊભું કર્યું નથી; કારણ કે આ નાનાં-નાનાં ગ્રૂપ રચવાથી કેટલું વિઘટન થતું જાય છે સમાજમાં!
એરપોર્ટ ઉપર એક વખત એક ભાઈએ મને પૂછેલું, તમારું કોઈ ગ્રૂપ જ નથી? મેં કહેલું, મારું કોઈ ગ્રૂપ જ નથી. હું હરિનામ લઉં છું. બોલાવે ત્યાં જાઉં, મારા બ્લડનું ગ્રૂપ `ઓ’ છે અને એમ ડોક્ટરો પાસેથી સાંભળ્યું છે કે `ઓ’ ગ્રૂપ જેનું હોયને એ બધામાં ચાલે! આપણે બધામાં ચાલીએ! મને બધા ગમે. હું જ્યાં-જ્યાં સત્ય હોય એને સ્વીકારું. એટલા માટે હું જાહેરમાં કહું છું, મારે કોઈ ચેલો નથી, હું કોઈનો ગુરુ નથી; મારે આખી દુનિયામાં લાખો શ્રોતાઓ છે. મારે જો કંઠીઓ બાંધવી હોત તો કદાચ બધાને ઓવરટેક કર્યા હોત! ગુરુ થવાની કેટલી મોટી જવાબદારી છે! આપણે તો જેની પાસેથી સત્ય-પ્રેમ-કરુણા શીખ્યા હોઈએ, એનું બાનું ન લજવાય એટલું જ ધ્યાન રાખીને જીવી લેવાનું હોય. આ માર્ગ ભીડનો નથી, એકલાનો માર્ગ છે. આ લોકના સાગર મહીં કોઈ નાવથી તરશો નહીં, દુનિયા તણા દોરંગના ધોખા કદી ધરશો નહીં.
તો હું સંતની વ્યાખ્યા કરતો હતો કે આવા સંત, જેને કોઈની સાથે તંત નથી; જેની વિચારધારા અનંત છે; જે મહંત હોવા છતાં સંતત્વને ભૂલ્યા નથી; જેને જીવનમાં કોઈ અંગત નથી અને જેને કોઈ પંગત નથી. આવા માણસો `અલખ’ હોય છે, પૂરેપૂરા ઓળખી શકાતા નથી. જે વ્યક્તિત્વ આવું `અલખ’ હોય એને `રામ’ ગણવો. એ જ રામ બ્રહ્મ છે, એ જ રામ પરમાર્થ છે, એ જ રામ અવિગત છે, એ જ રામ અલખ છે, એ જ રામ અનાદિ છે, એ જ રામ અનુપા છે. આ રામનું વૈશ્વિકરૂપ છે અને વેદાંતનું એક વાક્ય છે, `અહં બ્રહ્માસ્મિ.’ `હું જ બ્રહ્મ છું.’ `હું જ રામ છું’ એમ વેદાંતના શિખરે પહોંચેલા મહાપુરુષો કહેતા હોય છે.