પ્રશાંતમનસમ હ્રેન યોગિનમ સુખમુત્તમમ II
ઉપૈતિ શાંતરજસમ બ્રહ્મ્ભૂતમકલ્મષમ II 6/27 II
અર્થ : જેનું મન મારામાં સ્થિર થયું છે તેવા યોગીને શ્રેષ્ઠ સુખ મળે છે. તે બ્રહ્મરૂપ થયેલો હોવાથી જીવનમુક્ત રહે છે અને તેનું મન અતિ શાંત હોય છે. તેના વિકારો શમી ગયા હોય છે અને તે પાપમુક્ત થાય છે.
ભગવાન કહે છે જેનું મન તેમનામાં સ્થિર થયું છે તેને શ્રેષ્ઠ સુખ મળે છે. અહીં ત્રણ શબ્દ વપરાયા છે. યોગી, શ્રેષ્ઠ અને સુખ. અને ચોથું મનનું સ્થિર થવું. અગાઉ પણ આપણે ઘણી ચર્ચા કરી છે કે મનુષ્યનું મન જ સર્વ દુ:ખ કે સુખનું કારણ છે. મોટા ભાગે બધા લોકો દુ:ખી હોવાનું જ જણાવે છે. એટલે એમ કહીએ કે મન જ સર્વ દુ:ખી લોકોનું કારણ છે તો એ ખોટું નહીં કહેવાય. મન સ્થિર થઇ જાય પછી ભગવાન એ માણસને યોગી ગણે છે. જોયું? જેવું તમારું મન સ્થિર થયું કે તરત જ તમે યોગી. આનો બીજો અર્થ એ પણ થાય છે કે જો યોગી થવું હોય તો મનને સ્થિર કરતાં શીખી જાવ. મન સ્થિર એટલે તમે યોગી. આમ મન સ્થિર થાય એટલે તમે યોગી બનો છો, પણ તરત જ ભગવાન પાછા કહે છે કે એ યોગીને પાછું સુખ પણ શ્રેષ્ઠ મળે છે. ઇષ્ટ એટલે ઉત્તમ. સુખ ઘણાંબધાં હોય, પણ એ બધામાં જે ઉત્તમ હોય તેને જ શ્રેષ્ઠ સુખ કહેવાય. સુખની પાછી દરેક વ્યક્તિની વ્યાખ્યા અલગ અલગ હોય છે. કોઇને શારીરિક સુખ જોઇએ, કોઇને ભૌતિક સુખ જોઇએ છે. આવો યોગી બ્રહ્મરૂપ બની ગયો હોય છે. યોગી શાંત હોવાને લીધે મન પણ શાંત રહે છે અને તેની ઉપર પ્રભુની ઉત્તમ કૃપા વરસતી જ રહે છે.
યુંજન એવં સદા આત્માનમ યોગી વિગતકલ્મષ: II
સુખેન બ્રહ્મસંસ્પર્શમ અત્યંતમ સુખમ અશ્નુતે II6/28II
અર્થ : આમ ચિત્તને સદા યોગનિષ્ઠ કરતો યોગી પાપરહિત થઈ સહેલાઈથી પરબ્રહ્મના અનુભવરૂપ અનંત સુખનો અનુભવ કરે છે.
જે વ્યક્તિ પોતાના ચિત્તને સદાને માટે યોગમાં નિષ્ઠ કરે છે તે પાપરહિત બની શકે છે, કેમ કે તેમ થવાથી તેના દ્વારા ભૂલેચૂકે પણ પાપ થતું જ નથી. તમે તમારું મન એકમાત્ર પ્રભુમાં સ્થિર કરી રાખો એટલે તમે પાપરહિત બની જવાના અને પાપરહિત બનવાથી તમને બ્રહ્મનો સ્પર્શ થાય છે જે પરમ સુખનો સહેલાઈથી અનુભવ કરાવે છે. અહીં ચિત્તને સદા યોગમાં નિષ્ઠ કરવું મહત્ત્વનું છે, તો ચિત્તને યોગમાં નિષ્ઠ કઈ રીતે કરી શકાય તે વિચારવું મહત્ત્વનું છે. બાળક જ્યારે કોઈ પણ રમત રમતું હોય છે ત્યારે તે રમતમાં જીત મેળવવા તે તેના ચિત્તને જે રીતે તે રમતના દાવમાં જ પરોવી દે છે તે બાબત ચિત્તને યોગમાં નિષ્ઠ કરવાસમાન છે. પનિહારી અગાઉના જમાનામાં માથે પાણીની હેલ મૂકીને સડસડાટ ચાલી જતી તે બાબત પણ ચિત્તને હેલમાં નિષ્ઠ કરવાસમાન છે. તીરંદાજ અવાજ સાંભળીને શિકાર કરે છે તે બાબત પણ તેના ચિત્તને શિકાર તરફથી આવતા અવાજમાં કેન્દ્રિત કરવાસમાન છે. જો આમ થાય તો જ બાળક રમત જીતી શકે છે, પનિહારી માથે મૂકેલા પાણીથી ભરેલા બેડાને હાથ અડકાડ્યા વિના સરળતાથી ચાલી શકે છે અને શિકારી પણ અવાજની દિશામાં બાણ છોડીને પોતાનો શિકાર મેળવી શકે છે. જો આ ઉદાહરણો આપણે સમજી શકીએ તો તો આપણે આપણા ચિત્તને સદા યોગમાં નિષ્ઠ કરીને બ્રહ્મના સ્પર્શ દ્વારા મળતા પરમ સુખને ચોક્કસ પામી શકીશું.