એનિમલ વેલફેર બોર્ડ દ્વારા દાખલ કરેલ અરજીમાં કોર્ટનો હુકમ
ઉત્તરાયણ દરમિયાન પતંગ ઉડાવવાથી થતી માનવ તથા પશુ-પક્ષીઓની ઇજાઓ અને મૃત્યુના વધતા બનાવોને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટે માંજા બાબતે મહત્વપૂર્ણ અને કડક માર્ગદર્શિકા જાહેર કરી છે. ચાઇનીઝ, નાયલોન અને કાચપાયેલી દોરી પરના પ્રતિબંધને લઈને દાખલ કરાયેલી રિટ અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે હવે પતંગના દોરા પર કોટિંગ માટે વપરાતો કાચનો પાવડર 10 ટકા કરતાં વધુ ન હોવો જોઈએ.
હાઈકોર્ટના આ હુકમના અનુસંધાને રાજ્ય સરકાર દ્વારા પણ વિવિધ પરિપત્રો અને સૂચનાઓ જાહેર કરવામાં આવી છે, જે મુજબ બજારમાં વેચાતી કોટન દોરી સંપૂર્ણપણે પરંપરાગત પદ્ધતિથી તૈયાર કરેલી હોવી જોઈએ અને તેમાં ઉપયોગમાં લેવાતા તમામ ઘટકો કુદરતી તથા બાયોડિગ્રેડેબલ હોવા ફરજિયાત રહેશે.
આ સમગ્ર મામલો ગુજરાત એનિમલ વેલફેર બોર્ડના સભ્ય તથા અહિંસા મહાસંઘ, એનિમલ વેલફેર ફાઉન્ડેશન અને ગ્રાઉન્ડ રિયાલિટી ફાઉન્ડેશનના ટ્રસ્ટી પંકજ બુચ દ્વારા દાખલ કરાયેલી જાહેરહિત અરજી (PIL) પરથી સામે આવ્યો છે. અરજદાર તરફથી એડવોકેટ નિમિષ એમ. કાપડિયાએ કોર્ટમાં રજૂઆત કરી હતી.


