ભારતના “ઓપરેશન સિંદૂર” પછી, પાકિસ્તાને 11 મે 2025 સુધી પંજાબ પ્રાંતમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. મુખ્યમંત્રી મરિયમ નવાઝે કટોકટી જાહેર કરી છે. પાકિસ્તાન સરકારમાં ભારતનો ડર સ્પષ્ટપણે દેખાઇ રહ્યો છે. પાકિસ્તાનના આકાશમાં ભારતીય ડ્રોન ઉડતા જોઇને મરિયમ નવાઝની સરકારે તુરંત આ પગલું ભર્યુ હતુ. ભારતે લાહોરમાં પાકિસ્તાનની રડાર સિસ્ટમનો નાશ કર્યો હતો.
શાળાઓ અને કોલેજો બંધ રાખવા આદેશ
“ઓપરેશન સિંદૂર” શરૂ કર્યાના બીજા દિવસે, એટલે કે બુધવારે રાત્રે, ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાને મુશ્કેલીમાં મૂકી દીધી હતી. લાહોરમાં પાકિસ્તાન આર્મીની રડાર સિસ્ટમનો નાશ કરવામાં આવ્યો હતો. ભારતની કાર્યવાહીથી ડરી ગયેલા પાકિસ્તાનના પંજાબ પ્રાંતની સરકારે સમગ્ર રાજ્ય માટે એક માર્ગદર્શિકા જાહેર કરી છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં વધતા તણાવ અને સુરક્ષા ચિંતાઓને ધ્યાનમાં રાખીને 11 મે 2025 સુધી તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરની લશ્કરી પ્રવૃત્તિઓ અને તણાવ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી મરિયમ નવાઝ એક્શન મોડમાં
હાલમાં પાકિસ્તાનમાં શાહબાઝ શરીફની ગઠબંધન સરકાર છે, જ્યારે પંજાબમાં તેમના મોટા ભાઈ નવાઝ શરીફની પુત્રી મરિયમ નવાઝ મુખ્યમંત્રી છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી મરિયમ નવાઝે રાજ્યમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી છે અને તમામ શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. આ સમય દરમિયાન, હોસ્પિટલો અને સુરક્ષા દળોને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે, અને નાગરિક સંરક્ષણ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. જોકે, આ સમયગાળા પછી સંસ્થાઓ ખોલવા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. સલામતી સુનિશ્ચિત કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે, પરંતુ તેનાથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં અનિશ્ચિતતાનું વાતાવરણ સર્જાયું છે.
લાહોરમાં સેનાએ રડાર સિસ્ટમનો નાશ કર્યો
ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે ગઈકાલે રાત્રે ભારતે લાહોરમાં પાકિસ્તાનની રડાર સિસ્ટમનો નાશ કર્યો. ભારતીય ડ્રોન પાકિસ્તાનના ક્ષેત્રમાં ઘૂસી ગયા અને પસંદગીપૂર્વક પાકિસ્તાની રડારનો નાશ કર્યો. ગઈકાલે રાત્રે, આસીમ મુનીરની સેનાએ ભારતમાં કુલ 15 લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. રશિયાની S-400 વાયુ સંરક્ષણ પ્રણાલીની મદદથી આ હુમલાઓને નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા. એક પણ પાકિસ્તાની મિસાઇલ ભારતીય ભૂમિ પર પડી શકી નહીં. આકાશમાં જ બધાનો નાશ થયો.


