વાનર અને રિંછને ઠંડક માટે બરફગોલા અપાય છે, વાઘ તળાવમાં પડયા રહે છે : વન્યપ્રાણીઓ ઉનાળામાં ભોજન ઘટાડે છે, એકમાત્ર મગરમચ્છો આ સમયે વધુ સક્રિય થાય છે, શિકાર પણ વધારે કરે છે
ઉનાળાની શરૂઆતમાં જ રાજકોટ જાણે આગનો ગોળો બની ગયુ હોય તેમ ધોમ તપતા ધોમધખતા તાપમાં પ્રદ્યુમનપાર્ક ઝૂના પ્રાણીઓ આકુળ વ્યાકુળ બની ગયા છે. હીટવેવની આ લપેટમાંથી પ્રાણીઓને રક્ષણ આપવા માટે ઝૂ સુપ્રિ.ડો.હીરપરાએ અનેકવિધ પ્રકારે આયોજન કર્યુ છે. માસાહારી સિવાયના જે પ્રાણીઓ છે તેના માટે વિવિધ ફ્રુટના કટકા કરીને જમાવેલી ખાસ પ્રકારની બનાવેલી આઇસ ગુલ્ફી આપવામા આવે છે. જ્યારે સિંહ, વાઘ, દીપડા જેવા મોટા પ્રાણીઓના પીંજરામાં કુંડ બનાવાયા છે તે સતત પાણીથી ભરેલા રાખવા ઉપરાંત પીંજરાની અંદર અલગ અલગ જગ્યાએ ડ્રીપ ઇરીગેશનથી પાણીની ફોગીંગ સિસ્ટમ ગોઠવવામા આવી છે.
શહેરમાં વરસતી અગનવર્ષામાં આગામી દિવસોમાં દિવસોમાં હીટવેવ ૪૫ ડીગ્રીએ રેડ એલર્ટ સુધી પહોંચી શકે તેવી આગાહી હવામાન ખાતાએ કરેલી છે. હાલ તો બે દિવસથી તાપમાનમાં થોડી રાહત છે.
આભમાંથી વરસતી આ આગથી બચવા માટે માણસ તો કોઇપણ ઠેકાણુ ગોતી લે છે. એરકન્ડીશન ઓફિસ કે ઘરમાં પુરાઇ રહે, બહાર નીકળવુ હોય તો ખુદની કારમાં એસી ચાલુ કરી દે. યા તો બપોરે ૧ થી ૪ ઘરમાં પણ પુરાઇ રહે. પરંતુ મુંગા જનાવર ખુલ્લામાં ફૂંકાતી લૂ વચ્ચે ક્યાં જાય? આવી જ હાલત વચ્ચે રાજકોટ પ્રદ્યુમનપાર્ક ઝૂના પ્રાણીઓને લૂ અને હીટવેવથી રક્ષણ આપવા માટે ઝૂ સુપ્રિ. ડો.હરપરાએ તાબડતોબ પગલાં લીધા છે.
વાંદરા અને રીંછ જેવા જે પ્રાણીઓ ફ્રુટ ખાય છે તેઓમાં ગરમીના ઘટી જતી રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે વિવિધ ફ્રુટના કટકા કરીને ખાસ જમાવેલા મોટા આઇસ પીસ(ફ્રુટ ગુલ્ફી) આપવામા આવે છે. જલ્દીની ઓગળે નહીં એવી રીતે મુકેલી આ મોટી ફ્રુટ ગુલ્ફી વાંદરા અને રીંછ સફાચટ કરી નાખે છે.
જ્યારે સિંહ, વાઘ, દીપડા, રીંછ જેવા મોટા અને માસાહારી પ્રાણીઓના પીંજરામાં મોટા કુંડ બનાવવામા આવ્યા છે. કુંડ સતત પાણીથી ભરેલા રાખવામા આવે છે. બપોર દરમિયાન પ્રાણીઓ માટાભાગે પાણીના કુંડમાં જ પડ્યા રહે છે. આ ઉપરાંત આસપાસનું વાતાવરણ ઠંડુગાર રાખવા માટે પીંજરાની અંદર ડ્રીપ ઇરીગેશન સિસ્ટમ મુકવામા આવી છે. અલગ અલગ સ્થળે તેના પોઇન્ટ મુકાયા છે તેમાથી સતત પાણીનો ફોગીંગ(સ્પ્રીંકલ છંટકાવ) થયા કરે છે. જ્યારે હરણ અને પક્ષીઓના પીંજરામાં ગરમીથી રક્ષણ આપે તેવા ઘાસના પુડા મુકવામા આવ્યા છે.
પીવાના પાણીના કુંડમાં ORS, રોગપ્રતિકારક શકિતના વીટામીનનું મિશ્રણ
ગરમી અને લૂથી પ્રાણીઓને ઝાડા થઇ શકે છે. આ ઉપરાંત ડી-હાઇડ્રેશન એટલે કે શરીરમાંથી પાણીનું પ્રમાણ ઓછુ થવાથી હીટવેવની સીધી અસર થાય છે. તેનાથી રક્ષણ આપવા માટે પાણીના કુંડમાં ઓ.આર.એસ. અને ઇલેક્ટ્રો પાવડર નાખવામા આવે છે. આ ઉપરાંત માસાહારી પ્રાણીઓના ખોરાકમાં વિવિધ વીટામીન મિશ્રણ કરવામા આવે છે.
સિંહ, વાઘ, દીપડાનો ખોરાક ૧૦ ટકા ઘટી ગયો
ઉનાળાના દિવસોમાં સિંહ, વાઘ અને દીપડાનો ખોરાક સામાન્ય દિવસો કરતા ૧૦ ટકા ઘટી જાય છે. જ્યારે મગર જેવા સરી સૃપ પ્રાણી-જનાવરને વામ બ્લડેડ કહેવાય છે. તેમા ઉલ્ટુ હોય છે. ઉનાળામાં ખોરાક વધી જાય છે અને શિયાળામાં ઘટી જાય છે.


