- ઘણા કેસોમાં ED દ્વારા દરોડા અને નેતાઓ સામે કાર્યવાહી
- જાણો કોના કાર્યકાળ દરમિયાન કેટલા નેતાઓ સામે કાર્યાવહી કરાઇ
- UPA-1 અને મોદી સરકાર દરમિયાન EDની કાર્યવાહીના ચોંકાવનારા આંકડા
છેલ્લા કેટલાય સમયથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એક્શન મોડમાં છે. ઘણા કેસોમાં ED દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે અને નેતાઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. સોમવારે 29 જાન્યુઆરીના રોજ EDએ RJD પ્રમુખ લાલુ પ્રસાદ યાદવની કથિત નોકરી માટે જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ કરી હતી, જ્યારે મંગળવારે 30 જાન્યુઆરીના રોજ તેમના પુત્ર અને બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવને આ જ કેસની પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા.
સોમવારે જ, કોલકાતામાં શાહજહાં શેખની રાશન વિતરણ કૌભાંડમાં ED પૂછપરછ કરવા માંગતી હતી પરંતુ TMC નેતા અધિકારીઓ સમક્ષ હાજર થયા ન હતા.
તો, કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસમાં ED બુધવારે 31 જાન્યુઆરીના રોજ રાંચીમાં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની પૂછપરછ કરવામાં આવશે. સોમવારે EDએ સોરેનના દિલ્હીના નિવાસસ્થાને કલાકો સુધી ધામા નાખ્યા અને પરિસરની તપાસ કરી હતી. તેમના નિવાસસ્થાનની તલાશી લીધા બાદ, EDએ 36 લાખ રૂપિયા, એક BMW SUV અને કેટલાક કથિત ગુનાહિત દસ્તાવેજો જપ્ત કર્યા છે.
મંગળવારે ED એ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ના ‘ખિચડી કૌભાંડ’ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં શિવસેના (UBT) નેતા અને સાંસદ સંજય રાઉતના નાના ભાઈ સંદીપ રાઉતની પૂછપરછ કરી.
વિરોધ પક્ષોનો આરોપ છે કે કેન્દ્ર સરકાર લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરીને વિરોધીઓને નિશાન બનાવી રહી છે. દરમિયાન, અગાઉની યુપીએ 1ની પૂર્વ સરકાર અને હાલની ભાજપ સરકાર દરમિયાન EDની તપાસના ડેટાને લઈને પણ ચર્ચા થઈ રહી છે. ચાલો જાણીએ કે કોણ કેટલું રહ્યું છે EDના રડાર પર…
કોના કાર્યકાળમાં કેટલી કાર્યવાહી?
2004થી 2014 દરમિયાન યુપીએ-1 સરકાર દરમિયાન EDએ 112 દરોડા પાડ્યા હતા. જ્યારે 2014 થી 2022 વચ્ચે મોદી સરકાર દરમિયાન EDએ 3010 દરોડા પાડ્યા હતા. 2004 થી 2014 સુધી મનમોહન સિંહ સરકારમાં 26 નેતાઓ સામે ED એ તપાસ કરી રહી હતી, જેમાંથી 14 નેતાઓ વિપક્ષમાં હતા.
તો, 2014 થી 2022 વચ્ચે મોદી સરકાર દરમિયાન, EDએ 121 નેતાઓની તપાસ કરી, જેમાંથી 115 નેતાઓ વિપક્ષના છે. મહમોહન સરકારના 10 વર્ષમાં વિપક્ષી નેતાઓ પર EDની પકડ 54 ટકા હતી, જ્યારે મોદી સરકારમાં 2022 સુધીમાં વિપક્ષી નેતાઓ પર 95 ટકા હતી. EDએ મોદી સરકારમાં 2014 થી 2022 દરમિયાન જે 115 વિપક્ષી નેતાઓ વિરુદ્ધ તપાસ કરી હતી, તેમાં ટોચના ત્રણ કોંગ્રેસ, TMC અને NCPના નેતાઓ છે.
મનમોહન સરકાર દરમિયાન EDએ 5,346 કરોડ રૂપિયા જપ્ત કર્યા હતા, જ્યારે મોદી સરકાર દરમિયાન 2014 થી 2022 દરમિયાન તપાસ એજન્સીએ 99,356 કરોડ રૂપિયા જપ્ત કર્યા હતા.
ભાજપમાં જોડાયા બાદ આ નેતાઓ સામે ન થઈ કાર્યવાહી
ભાજપમાં જોડાયા બાદ કેટલાક નેતાઓ સામે વધુ કાર્યવાહી કરવામાં આવી નથી. ઉદાહરણ તરીકે, જ્યારે કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણે શિવસેના અને કોંગ્રેસમાં હતા ત્યારે તેમની સામે અવિઘ્ના હાઉસિંગ કૌભાંડ કેસમાં તપાસ ચાલી રહી હતી. તેમના ભાજપમાં જોડાયા બાદ આગળ કોઈ કાર્યવાહી જોવા મળી નથી.
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા અગાઉ કોંગ્રેસમાં હતા. ગુવાહાટી વોટર સપ્લાય પ્રોજેક્ટ કેસમાં તેમની સામે તપાસ ચાલી રહી હતી. પરંતુ ભાજપમાં જોડાયા બાદ તેમની સામે આગળ કોઈ કાર્યવાહી થઈ ન હતી. જ્યારે શુભેન્દુ અધિકારી ટીએમસીમાં હતા ત્યારે તેમની સામે નારદા સ્ટિંગ કેસમાં તપાસ ચાલી રહી હતી. તેમના ભાજપમાં જોડાયા બાદ આગળ કોઈ કાર્યવાહી જોવા મળી નથી.


