યુરોપિયન દેશ સર્બિયાની સંસદમાં વિપક્ષી સાંસદોએ ભારે હોબાળો મચાવ્યો છે. વિપક્ષી સાંસદોએ સંસદમાં એક પછી એક અનેક સ્મોક ગ્રેનેડ અને ટીયર ગેસના શેલ છોડ્યા અને તેના કારણે સંસદીય સત્રમાં ભારે અરાજકતા ફેલાઈ ગઈ છે. સંસદમાં પણ ઝપાઝપી જોવા મળી છે.
સરકારની નીતિઓના વિરોધમાં બબાલ
સંસદીય સત્રના લાઈવ ટેલિવિઝન પ્રસારણમાં દર્શાવવામાં આવ્યું હતું કે સરકારી નીતિઓના વિરોધમાં મંગળવારે સર્બિયન વિપક્ષના ધારાસભ્યોએ સંસદની અંદર સ્મોક ગ્રેનેડ અને ટીયર ગેસ ફેંક્યા હતા. આ પછી સમગ્ર સંસદમાં કાળો અને ગુલાબી ધુમાડો ફેલાઈ ગયો. સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓને વિપક્ષી સાંસદો પણ ટેકો આપી રહ્યા હતા.
વિપક્ષે સંસદમાં કયા મુદ્દા પર મચાવ્યો હોબાળો?
4 મહિના પહેલા, સર્બિયામાં એક રેલ્વે સ્ટેશનની છત તૂટી પડતાં 15 લોકોના મોત થયા હતા. આ પછી, સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો શરૂ થયા જે હવે સરકાર માટે સૌથી મોટો ખતરો બની ગયા છે. વિધાનસભા સત્રમાં સર્બિયન પ્રોગ્રેસિવ પાર્ટીના નેતૃત્વ હેઠળના શાસક ગઠબંધને સત્રના કાર્યસૂચિને મંજૂરી આપી, ત્યારબાદ કેટલાક વિપક્ષી નેતાઓ તેમની બેઠકો પરથી ઉભા થયા અને સંસદના સ્પીકર તરફ દોડ્યા. આ દરમિયાન સુરક્ષા ગાર્ડ્સ સાથે ઝપાઝપી જોવા મળી હતી. આ દરમિયાન કેટલાક વિપક્ષી સાંસદોએ સ્મોક ગ્રેનેડ અને ટીયર ગેસના શેલ ફેંક્યા હતા. લાઈવ પ્રસારણમાં સંસદ ભવનની અંદર કાળો અને ગુલાબી ધુમાડો નીકળતો જોવા મળ્યો.
SNS પાર્ટીના જાસ્મિના ઓબ્રાડોવિકને સ્ટ્રોક આવ્યો
સ્પીકર એના બ્રનાબિકે જણાવ્યું હતું કે 2 સાંસદ ઘાયલ થયા છે, જેમાંથી એક, SNS પાર્ટીના જાસ્મિના ઓબ્રાડોવિકને સ્ટ્રોક આવ્યો હતો અને તેમની હાલત ગંભીર છે. “સંસદ કામ કરવાનું ચાલુ રાખશે અને સર્બિયાનું રક્ષણ કરશે,” તેમણે સત્રમાં કહ્યું. મંગળવારે, સર્બિયન સંસદ દેશની યુનિવર્સિટીઓ માટે ભંડોળ વધારવાનો કાયદો પસાર કરવાની હતી. સર્બિયામાં વિદ્યાર્થીઓ ડિસેમ્બરથી આ કાયદાની માગણી સાથે વિરોધ કરી રહ્યા છે. દેશના વડાપ્રધાન મિલોસ વુસેવિકના રાજીનામા પર પણ સંસદમાં ચર્ચા થવાની હતી, પરંતુ શાસક ગઠબંધને આવા ઘણા મુદ્દાઓ સત્રના એજન્ડામાં મૂક્યા, જેનાથી વિપક્ષ ખૂબ નારાજ થયો.


