- બિલ્વપત્ર ચાર પ્રકારનાં હોય છે. અખંડ બિલ્વપત્ર, ત્રણ પાનવાળું બિલ્વપત્ર, છથી એકવીસ સુધીનાં પાનવાળું બિલ્વપત્ર અને શ્વેત બિલ્વપત્ર
બીલીપત્ર શિવલિંગ ઉપર ચઢાવાય છે. બીલીવૃક્ષના મૂળમાં શિવજીનો વાસ છે, માટે તેના ક્યારાને જળથી ભરપૂર રાખવો. બીલીવૃક્ષનું વ્રતધારીએ પૂજન કરવું અને દીપ પ્રગટાવવો.
બીલીવૃક્ષ સર્વ વૃક્ષોમાં શ્રેષ્ઠ ગણાય છે, કારણ કે તે શિવજીની પૂજાનું માધ્યમ છે. આ વૃક્ષના મૂળમાં વૈશ્વિક વાસ્તવિક ભાવ છે. મધ્યમાં સુખ છે અને તેની ટોચ પર શિવજી છે, જે મંગલ સ્વરૂપે ત્યાં વિરાજે છે. તેના ત્રિદલમાં વેદોનો નિર્દેશ છે, તેમાં ઉચ્ચતર જ્ઞાનભંડાર છે અને થડને વિશે વેદાંતના અર્કની અભિવ્યક્તિ છે.
બિલ્વની ઉત્પત્તિની વિવિધ કથાઓ ઉપલબ્ધ છે, તેમાંની એક ઉલ્લેખનીય છે.
એક વખત દેવી ગિરિજાના કપાળ પર પરસેવાનું બિંદુ હતું. તે લૂછીને જમીન પર નાખ્યું. આ પ્રસ્વેદબિંદુમાંથી ઘેઘૂર વૃક્ષ થયું. એક સમયે ફરતાં ફરતાં દેવીએ તે વૃક્ષ જોયું અને પોતાની સખી `જયા’ને કહ્યું કે, આ વૃક્ષ નિહાળી મારું હૃદય પુલકિત બને છે. જયાએ કહ્યું, `દેવી! આ વૃક્ષ આપના પ્રસ્વેદબિંદુમાંથી પાંગર્યું છે’ અને ગિરિજા દેવીએ આ વૃક્ષનું નામ `બિલ્વ’ રાખ્યું.
બિલ્વવૃક્ષનો મહિમા અપરંપાર છે. એક માન્યતા એવી પ્રવર્તે છે કે, બિલ્વવૃક્ષની ઉત્પત્તિ મહાલક્ષ્મીની તપશ્ચર્યાના પરિણામરૂપ છે. તેના ફળથી આધ્યાત્મિક અજ્ઞાનતા દૂર થાય છે. બીલીનાં ફળની વિશિષ્ટતા એ છે કે, તેના પર કળી કે ફૂલ બેસતાં નથી, પણ સીધાં જ ફળ બેસે છે. કહેવાય છે કે લક્ષ્મીજીનો વાસ બિલ્વવૃક્ષની કુંજોમાં છે. બિલ્વફળ લક્ષ્મીજીની તપશ્ચર્યાનું ફળ છે.
ભગવાન વિષ્ણુએ આ વિશ્વના કલ્યાણ માટે શિવલિંગનું પૂજન કર્યું હતું ત્યારે બિલ્વ લક્ષ્મીજીની હથેળીમાં ઊગેલું! તે `શ્રીવૃક્ષ’ તરીકે ઓળખાયું છે. બીલીનાં ત્રણ પાંદડાં ત્રણ અંગોનું સૂચન કરે છે. તે સૂર્ય, ચંદ્ર અને અગ્નિ-સ્વરૂપ શિવજીનાં ત્રણ નેત્રો છે. તદુપરાંત તે શિવના ત્રિશૂળનો પણ નિર્દેશ કરે છે.
મુનિવર્ય યાજ્ઞવલ્ક્યના મતાનુસાર જો શિવની પૂજા બીલીપત્ર દ્વારા હૃદયની સરળતા, સહજતા અને શુદ્ધિથી એકાગ્રચિત્તે કરવામાં આવે તો તે મનોવાંછિત ફળ આપે છે અને ભક્તની મનોકામના મહેશ્વર પરિપૂર્ણ કરે છે, તેને મુક્તિ પ્રાપ્ત થાય છે.
બીલીપત્રો કેટલીક વખત અપ્રાપ્ય હોય છે. ભાવિક ભક્તો કે વ્રતીને પૂજન કરવા માટે બીલીપત્રો આપવામાં પણ મોટું પુણ્ય મળે છે. બિલ્વવૃક્ષ અનેક રીતે શુભ ફળ આપનારું વૃક્ષ છે. આથી બીલીપત્રોનો મહિમા બહુ જ મોટો છે.
બીલીપત્રો દ્વારા ભગવાન શંકરનું પૂજન કરાય છે.
બીલીપત્ર મસ્તકે ધરનારને યમનો ભય રહેતો નથી.
બિલ્વવૃક્ષના મૂળમાં શિવ-પાર્વતીનો, થડમાં દેવી દાક્ષાયણીનો, શાખાઓમાં મહેશ્વરી, પત્રોમાં પાર્વતીજી, ફળમાં કાત્યાયની અને છાલમાં ગૌરીનો વાસ છે.
બિલ્વવૃક્ષનું ફળ ઔષધિઓમાં ઉત્તમ ગુણકારક ગણાય છે અને યજ્ઞમાં પણ હોમવામાં આવે છે.
શ્રાવણ માસમાં ભગવાન શિવશંકરની પૂજાનું વિશેષ મહત્ત્વ છે. તેમના પૂજનમાં ઘણી બધી સામગ્રીઓ વપરાય છે. દૂધ, પાણી, તલ, મગ એવી કંઈકેટલીય વસ્તુઓથી તેમને પ્રસન્ન કરવામાં આવે છે, પરંતુ બીલીપત્ર ભગવાન શંકરની પૂજામાં વિશેષ મહત્ત્વ ધરાવે છે. ભગવાન શંકરને બીલીપત્ર અર્પણ કરવાથી દરેક પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે અને કેટલાય જન્મોનાં પાપમાંથી મુક્તિ મળે છે. વ્યક્તિની સઘળી ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને અંતે તેને મોક્ષ પ્રાપ્ત થાય છે. ભગવાન શંકરને બીલી કેટલાં પસંદ છે તે વાતનો અંદાજ અતિ પ્રચલિત પારધી અને ભગવાન શંકરની કથા પરથી આવે છે.
શિકારની શોધમાં તે બિલ્વના ઝાડ પર છુપાઈને બેઠો હતો અને અજાણતાં જ તેણે ઝાડ પરથી પાન તોડીને નીચે નાખ્યાં અને તે પાન ઝાડ નીચે રહેલા શિવલિંગ પર પડ્યાં.
આખી રાત જાગરણ થયું અને શિવજીને બિલ્વ પણ ચઢતાં રહ્યાં. અંતે અજાણતા થયેલી પૂજાથી ભગવાન શંકર તેના પર પ્રસન્ન થયા.
બિલ્વના પ્રકાર
ભગવાન શિવને પ્રસન્ન કરનારા બિલ્વપત્ર ચાર પ્રકારનાં હોય છે. અખંડ બિલ્વપત્ર, ત્રણ પાનવાળું બિલ્વપત્ર, છથી એકવીસ સુધીનાં પાનવાળું બિલ્વપત્ર અને શ્વેત બિલ્વપત્ર. આ બધા જ પ્રકારનાં બિલ્વપત્રનું પોતપોતાનું આગવું મહત્ત્વ છે.
અખંડ બિલ્વપત્ર
અખંડ બિલ્વપત્રનું સંપૂર્ણ વિવરણ બિલ્વાષ્ટકમાં છે. તે પ્રમાણે `અખંડ બિલ્વપત્રમ્ નંદકેશ્વરં સિદ્ધર્થ લક્ષ્મી’ અર્થાત્ તે સ્વયં લક્ષ્મી સિદ્ધ છે. એકમુખી રુદ્રાક્ષ સમાન જ તેનું મહત્ત્વ છે. તે વાસ્તુદોષનું નિવારણ પણ કરે છે. તેને ગલ્લામાં મૂકીને તેનું દરરોજ પૂજન કરવાથી વ્યાપારમાં સારો વિકાસ થાય છે.
ત્રણ પાનવાળું બિલ્વપત્ર
બિલ્વાષ્ટકમાં ત્રણ પાનવાળા બિલ્વપત્ર માટે પણ લખાયું છે. `ત્રિદલં ત્રિગુણાકારં ત્રિનેત્રં ચ ત્રિધાયુતમ્ ત્રિજન્મપાપ સંહારં એક બિલ્વપત્ર શિવાર્પણમ્’ તેનો અર્થ એ છે કે આ બિલ્વપત્ર ત્રણ ગુણોથી યુક્ત હોવાને કારણે તે ભગવાન ત્રિકાલેશ્વરને પ્રિય છે. આ બિલ્વની સાથે જો તેમને એક ધતૂરાનું ફૂલ અર્પણ કરવામાં આવે તો તેના ફળમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થાય છે. ત્રણ પાનવાળું બિલ્વપત્ર શિવજીને અર્પણ કરવાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. મોટા ભાગના લોકો શિવજીને ત્રણ પાનવાળું બિલ્વપત્ર ચઢાવે છે.
છથી લઈને એકવીસ પાનવાળું બિલ્વપત્ર
જે રીતે રુદ્રાક્ષ અનેક મુખવાળા હોય છે તે જ પ્રમાણે ત્રણ પાનવાળાં બિલ્વપત્ર પણ છથી લઈને એકવીસ પાનવાળાં હોય છે. આવાં બિલ્વપત્ર ભાગ્યે જ કોઈ ચઢાવે છે, કારણ કે તે નેપાળમાં વધુ મળી આવે છે.
શ્વેત બિલ્વપત્ર
જેવી રીતે શ્વેત પથ્થર, શ્વેત સાપ, શ્વેત નેત્ર વગેરે હોય છે, બરાબર તે જ રીતે શ્વેત બિલ્વપત્ર પણ હોય છે. આ પ્રકારનું બિલ્વપત્ર એ પ્રકૃતિની એક અણમોલ દેણ છે. શ્વેત બિલ્વનાં પાન શ્વેત બિલ્વનાં વૃક્ષ પર જ મળે છે. તેના પર લીલાં પાન હોતાં નથી. આ બિલ્વપત્ર ભગવાન શંકરને અર્પણ કરવાનું મહત્ત્વ વિશેષ છે. તે સર્વ મનોકામનાઓને પૂર્ણ કરનારું હોય છે.
બિલ્વાષ્ટકમ્
ત્રિદલં ત્રિગુણાકારં ત્રિનેત્રં ચ ત્રિયાધમ્।
ત્રિજન્મ પાપ સંહાર એક બિલ્વં શિવાર્પણમ્॥
ત્રિશાખૈ: બિલ્વત્રૈશ્ચ હસછિદ્વૈ:
કોમલૈ: શુભૈ।
શિવપૂજા કરિષ્યામિ એક બિલ્વં શિવાર્પણમ્॥
અખંડ બિલ્વ પત્રેણ પૂજિતે નાન્દિકેશ્વર।
શુદ્ધન્તિ સર્વ પાપેભ્યો એક બિલ્વં
શિવાર્પણમ્॥
શાલગ્રામ શિલાયેકાં વિપ્રાણાં જાતુ અર્પયેત।
દન્તકોટિ સહસ્ત્રાણિ વાજપેય શંતાની ચ॥
કૌટિકન્યા મહાદાનં એક બિલ્વં શિવાર્પણમ્।
લકષ્મ્યા સ્તનત ઉત્પન્નં
મહાદેવસ્ય ચ પ્રિયમ્॥
બિલ્વવૃક્ષં પ્રયચ્છામિ એક બિલ્વં
શિવાર્પણમ્।
દર્શનં બિલ્વવૃક્ષસ્ય સ્પર્શનં પાપનાશમ્॥
અઘોર પાપ સંહારે એક બિલ્વં શિવાર્પણમ્।
મૂલતો બ્રહ્મરૂપાય મધ્યતો વિષ્ણુ રૂપિણે।
અગ્રત: શિવરૂપાય એક બિલ્વં શિવાર્પણમ્॥