જ્યારે તમે રોગ કહો છો, તો આપણે તેમને બે મૂળભૂત શ્રેણીઓમાં વર્ગીકૃત કરવા પડશે. રોગોનો એક સમૂહ ચેપી હોય છે – તમે તેમનાંથી બહારથી સંક્રમિત થાવ છો. કદાચ તમે એવું કંઇક ખાધું હોય કે જે સારું નહોતું અને ચેપ લાગી ગયો અથવા તો તમે તાવ હોય તેવી કોઈ વ્યક્તિની નજીક ગયા હોવ અને તમને ચેપ લાગી ગયો. તેના માટે, દવાઓ હોય છે.
જે રોગોની વાત તમે કરી રહ્યા છો, તે એવું કંઇક છે જે શરીર બનાવે છે. શરીરની મૂળભૂત ઝંખના જીવિત રહેવાની અને પોતાને સાચવી રાખવાની હોય છે. આ ભૌતિક શરીરમાં ટકી રહેવાની અને પોતાને સારી રીતે રાખવાની એક ખૂબ જ ઊંડી ઝંખના હોય છે. તેમ છતાં, જો તે પોતાની અંદર રોગ પેદા કરી રહ્યું છે, તો શું ખોટું હોઈ શકે? ક્યાંક, અમુક મૂળભૂત બાબતોને સમજ્યા વિના, આપણે વસ્તુઓ વિષે ધારણાઓ બાંધતા રહીએ છીએ.
ચોક્કસ રીતે એક વસ્તુ છે મન. કદાચ તમે સાયકોસોમેટિક (મનોદૈહિક) બીમારીઓ વિષે સાંભળ્યું હશે. જો મન એક ચોક્કસ રીતે કામ કરી રહ્યું હોય તો તે ઊર્જાના કાર્યને અવરોધે છે. આ શરીરમાં જે કંઇ થઈ રહ્યું છે અને જે થઈ ચૂક્યું છે – શરીરને બનાવવા, જાળવવા અને પોષણ આપવાના સંદર્ભમાં, તે મૂળભૂત રીતે તમારા શરીરમાં ઊર્જા કેવી રીતે કાર્ય કરે છે તેના પર નિર્ભર છે. જો કોઈ કારણસર તમારી ઊર્જા બરાબર કામ ન કરે, તો એમ જ એક રોગ ઊભો થઈ શકે છે. જો ઊર્જા બરાબર કામ ન કરે તો, તે કયા પ્રકારના રોગમાં પરિણમશે તે વ્યક્તિની સિસ્ટમની નબળાઈ પર નિર્ભર રહે છે. તે એક વારસાગત પાસું હોઈ શકે છે – શરીરનું કોઈ અંગ અથવા ભાગ, જન્મજાત રીતે નબળો હોઈ શકે છે કેમ કે માતા-પિતા તે રીતે હતા. તો જો બે લોકોમાં એક જ પ્રકારનું અસંતુલન થાય તો, એક વ્યક્તિને અસ્થમા અને બીજાને ડાયબિટીસ થઈ શકે છે, તેમને વારસામાં શું મળ્યું છે, તેના આધાર પર.
તમે કયા પ્રકારના અસંતુલનમાંથી પસાર થાઓ છો, તેમાં પણ કર્મનો ખૂબ જ ઊંડો પ્રભાવ છે. જેને આપણે કર્મ કહીએ છીએ, તે આપણે આપણી અંદર મોટા પ્રમાણમાં એકઠી કરેલી છાપો છે, જે તેમના પોતાના પ્રકારનું સોફ્ટવેર બની ગઈ છે. આ સોફટવેરે અમુક વૃત્તિઓ વિકસાવી છે; તે અમુક ચોક્કસ દિશામાં જવાનો પ્રયત્ન કરે છે. પરંપરાગત રીતે ભારતમાં, આપણે આ વૃત્તિઓને વાસના કહીએ છીએ. વાસનાનો શાબ્દિક અર્થ છે ગંધ. તો તમારામાંથી કયા પ્રકારની ગંધ આવે છે તે તમે કયા પ્રકારનો કચરો ભેગો કર્યો છે એના પર નિર્ભર છે. તમારી પાસે કયા પ્રકારની વાસનાઓ છે તેના આધારે, તમે અમુક ચોક્કસ રીતે આગળ વધવાનું વલણ ધરાવો છો અને દુનિયાના અમુક પાસાંઓ પણ એક ચોક્કસ રીતે તમારી તરફ આવે છે. શું આવું જ થાય એ જરૂરી છે? ના, જો તમે જાગરુક બનો, તો ભલે તમારી ગંધ એક રીતે હોય, તમે બીજી દિશામાં જઈ શકો છો, પણ જો તમે જાગરુક નથી, તો કુદરતી રીતે તમે તમારી વૃત્તિઓ પ્રમાણે ખેંચાઓ છો. શરીરમાં, આવી વૃત્તિઓની એક ચોક્કસ અભિવ્યક્તિ રોગ બની શકે છે. અમુક વૃત્તિઓના કારણે, શરીરના અમુક ભાગોમાં ઊર્જા સરખી રીતે કામ નથી કરતી અને રોગ થઈ શકે છે.
તો આ અમુક રીતો છે જેના વડે તમે તમારી ઊર્જા સિસ્ટમને નુકશાન પહોંચાડી શકો છો. કાં તો તમારી પોતાની કાર્મિક સિસ્ટમ દ્વારા, તમારા કાર્મિક સંગ્રહ દ્વારા અથવા અયોગ્ય આહાર અને બીજા પ્રકારની આદતોના કારણે અથવા જે રીતે તમારું મન કામ કરે છે તેના દ્વારા તમારો સ્ટ્રેસ, ચિંતા અને આ પ્રકારની વસ્તુઓ ઊર્જા પ્રણાલીને ખરાબ કરવામાં ભૂમિકા ભજવી શકે છે.