ભગવાન શ્રીકૃષ્ણનાં અનેક એવાં પૌરાણિક મંદિર છે, જે શ્રીકૃષ્ણના જીવન, તેમની લીલાઓ અને ભક્તિ સાથે જોડાયેલ છે. તેમને ભગવાન વિષ્ણુનો આઠમો અવતાર માનવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણને શ્યામ, ગોપાલ, કેશવ અને વાસુદેવ જેવાં હજારો નામથી ઓળખવામાં આવે છે. ભારતમાં ભગવાન શ્રીકૃષ્ણનાં અનેક મંદિરો આવેલાં છે. તેમની પોતાની આગવી ધાર્મિક વિશેષતા છે. ગુજરાતમાં આવેલા પ્રખ્યાત શ્રીકૃષ્ણ મંદિરની વાત કરીએ તો એમાં દ્વારાકાધીશ, ડાકોરનું રણછોડરાય મંદિર, અરવલ્લીમાં આવેલ શામળાજી મંદિર, સોમનાથમાં ભાલકા તીર્થ વગેરેનો સમાવેશ થાય છે. આ મંદિરો માત્ર ધાર્મિક સ્થાનો નથી, પણ ભારતની ધાર્મિક સંસ્કૃતિ, ઈતિહાસ અને કળાનો જીવંત પરિચય છે. ભારતમાં ભગવાન શ્રીકૃષ્ણનાં અનેક પ્રસિદ્ધ મંદિર છે. આ તમામ મંદિરનું અલગ મહત્ત્વ અને વિશેષતા છે, જે વિશે જાણીએ.
દ્વારકાધીશ મંદિર-મથુરા
મથુરામાં આવેલું સૌથી પ્રખ્યાત કૃષ્ણમંદિરનું સ્થાપત્ય જોવાલાયક છે. આ મંદિરમાં ભગવાન કૃષ્ણની કાળા રંગની મૂર્તિની પૂજા કરવામાં આવે છે. આ મંદિર યમુના નદીના કિનારે જેલની કોટડીની અંદર આવેલું છે, જ્યાં એક સમયે ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો. એવું માનવામાં આવે છે કે આ મંદિરના ઓરડામાં ભગવાન કૃષ્ણ પ્રગટ થયા હતા. આ મંદિરને દ્વારકાધીશ મંદિર પણ કહેવામાં આવે છે. દર વર્ષે લાખો લોકો આ દિવ્ય મંદિરને જોવા માટે મથુરા આવે છે.
શ્રી બાંકે બિહારી મંદિર – વૃંદાવન
ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ મથુરામાં થયો હતો, પરંતુ તેમનું બાળપણ વૃંદાવનમાં પસાર થયું હતું. ભગવાન શ્રીકૃષ્ણને બાંકે બિહારી પણ કહેવામાં આવે છે, તેથી તેમના નામ પરથી આ મંદિરનું નામ શ્રી બાંકે બિહારી રાખવામાં આવ્યું છે. શ્રીકૃષ્ણએ બાળપણમાં વૃંદાવનમાં તમામ ટીખળો અને રાસલીલા કરી હતી. વૃંદાવનમાં ઇસ્કોન મંદિર, પ્રેમમંદિર અને બાંકે બિહારી મંદિર પણ જોવાલાયક છે. જન્માષ્ટમીના અવસર પર કાન્હાના ભક્તોની ભારે ભીડ આ મંદિરોમાં
ઊમટી પડે છે.
જગન્નાથ પુરી – ઓરિસ્સા
ઓરિસ્સાના પુરીમાં આવેલા જગન્નાથ મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણ તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે બિરાજમાન છે. રથયાત્રા દરમિયાન જન્માષ્ટમી કરતાં અહીં વધુ ઉત્સાહ જોવા મળે છે. આ રથયાત્રા ધાર્મિક રીતે ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આ રથયાત્રામાં ભાગ લેવા અને જગન્નાથજીના રથને ખેંચવા માટે વિશ્વભરમાંથી લાખો ભક્તો આવે છે.
દ્વારકાધીશ મંદિર – ગુજરાત
દ્વારકાધીશ મંદિરને ગુજરાતનું સૌથી પ્રસિદ્ધ કૃષ્ણમંદિર માનવામાં આવે છે. આ મંદિરને જગત મંદિર પણ કહેવામાં આવે છે. દ્વારકા શહેરમાં આવેલું દ્વારકાધીશ મંદિર ભારતનાં ચાર ધામોમાંથી એક છે. એવું માનવામાં આવે છે કે આ મંદિર ભગવાન કૃષ્ણના પૌત્ર વજ્રનાભ દ્વારા સ્થાપવામાં આવ્યું હતું. મંદિરના શિખર ઉપર ફરકતી 52 ગજ લાંબી ધજ આજે પણ ભક્તોને આશ્વાસન આપે છે. સમુદ્રના તટે વસેલું આ મંદિર હજારો વર્ષ જૂનું હોવાનું મનાય છે.
ઉડુપી શ્રીકૃષ્ણ મઠ મંદિર – કર્ણાટક
શ્રીકૃષ્ણ મઠ મંદિર ભગવાન કૃષ્ણનાં પ્રસિદ્ધ મંદિરોમાંનું એક છે. આ મંદિરની સ્થાપના 13મી સદીમાં વૈષ્ણવ સંત શ્રી માધવાચાર્ય દ્વારા કરવામાં આવી હતી. આ મંદિરની બારીના નવાં છિદ્રોમાંથી ભક્તો ભગવાન કૃષ્ણનાં દર્શન કરે છે. આ બારીને ચમત્કારિક બારી માનવામાં આવે છે. દર વર્ષે અહીં ભક્તોનો ઘસારો રહે છે. ભક્તોને દર્શન માટે ત્રણથી ચાર કલાક રાહ જોવી પડે છે.
વિઠોબા મંદિર – મહારાષ્ટ્ર
પંઢરપુરનું વિઠોબા મંદિર મહારાષ્ટ્રમાં ભીમા નદીના કિનારે શોલાપુરમાં આવેલું છે. આ મંદિરમાં વિઠોબાના રૂપમાં ભગવાન કૃષ્ણની પૂજા કરવામાં આવે છે.
જુગલકિશોર મંદિર
મથુરા વૃંદાવનમાં આવેલું જુગલકિશોર મંદિર ઘણું પૌરાણિક મંદિર છે. રેતીના લાલ પથ્થરથી સમગ્ર બાંધકામ કરવામાં આવ્યું છે, જે ખૂબ જ દિવ્ય લાગે છે. આ મંદિરનું બીજું નામ કેશીઘાટ મંદિર છે. ભક્તો માટે આ બહુ પ્રખ્યાત મંદિર છે.
નાથદ્વારા – રાજસ્થાન
વૈષ્ણવોના યાત્રાધામ તરીકે પ્રખ્યાત નાથદ્વારા મંદિર રાજસ્થાનમાં ઉદેપુરમાં આવેલું છે. નાથદ્વારામાં ભગવાન કૃષ્ણની શ્રીનાથજી તરીકે પૂજા થાય છે. વૈષ્ણવ સંપ્રદાયનું આ મોટું તીર્થ છે. નાથદ્વારાનું એક અલગ જ માહાત્મ્ય છે. ભગવાન શ્રીકૃષ્ણનાં મંદિરો ફક્ત દેશમાં જ છે એવું નથી, વિદેશમાં પણ તેઓ પૂજાય છે. નેપાળ, બેલ્જિયમ, યુકે, ન્યૂયોર્ક, લંડન, સિડની, દક્ષિણ આફ્રિકા, રશિયા અને દુબઇ જેવા દેશોમાં પણ ભગવાન કૃષ્ણનાં મંદિરો આવેલાં છે. – દેવલ થોરિયા
એ વાત જગતમાં જાહેર છે…
ગોકુળમાં ગાયો ચારી હતી એ વાત જગતમાં જાહેર છે.
મનમોહન તારું નામ હતું, એ વાત જગતમાં જાહેર છે.
મથુરાની જેલમાં જન્મ્યા હતા, ગોકુળની ગલીઓમાં ઉછર્યા હતા.
મટકીનાં માખણ ચોર્યાં હતાં, તે વાત જગતમાં જાહેર છે.
મામા-માસીને માર્યાં તમે, કાલીય નાગને નાથ્યો તમે,
કુબજાનું ચંદન લીધું તમે, એ વાત જગતમાં જાહેર છે.
વનરાવન રાસ રચાવ્યો તમે, ગોપીએ હૈયે વસાવ્યો તને,
બંસીનો નાદ સુણાવ્યો તમે, એ વાત જગતમાં જાહેર છે.
કદંબની ડાળે છુપાયા તમે, ગોપીનાં વસ્ત્રો ઉપાડ્યાં તમે,
માટીનું ઢેફું ખાધું તમે, એ વાત જગતમાં જાહેર છે.
સુદર્શન ચક્ર
આ કૃષ્ણનું દિવ્ય શસ્ત્ર છે. ભગવાન કૃષ્ણને ચક્રધારી તરીકે પણ ઓળખવામાં આવે છે. સુદર્શન ચક્ર સમય, મન અને બ્રહ્માંડનું પ્રતીક છે. સુદર્શન ચક્ર અન્યાય અને દુષ્ટતા નાશ કરવાનું કામ કરે છે. સુદર્શન ચક્ર ધર્મની રક્ષા અને દુષ્ટોનો સંહાર કરવાની શક્તિ ધરાવે છે. સુદર્શન ચક્રનો મહિમા અપરંપાર છે.