- હાર્દિકની ગેરહાજરીમાં રાહુલને ઉપસુકાની બનાવાયો
- રિપ્લેસમેન્ટ તરીકે બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાને ટીમમાં સામેલ
- પ્રસિદ્ધ રવિવારે સાઉથ આફ્રિકા સામે રમાનારી મેચ માટે ઉપલબ્ધ રહેશે
વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરી રહેલી ભારતીય ટીમને મોટો ફટકો પડયો છે. ઓલરાઉન્ડર હાર્દિક પંડયા ઘૂંટણની ઈજાના કારણે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. તેના રિપ્લેસમેન્ટ તરીકે યુવા પેસ બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. પ્રસિદ્ધ રવિવારે સાઉથ આફ્રિકા સામે રમાનારી મેચ માટે ઉપલબ્ધ રહેશે. હાર્દિકને 19મી ઓક્ટોબરે પૂણે ખાતે બાંગ્લાદેશ સામેની મેચમાં ફોલો થ્રૂમાં બોલ રોકવાના પ્રયાસમાં ઈજા થઊ હતી. તેને ઓવરની વચ્ચે જ મેદાન છોડવું પડયું હતું.
ઈજા થયા બાદ હાર્દિક સીધો બેંગ્લોર સ્થિત એનસીએમાં ગયો હતો જ્યાં તે રિહેબિલિટેશનમાંથી પસાર થઈ રહ્યો છે. બોર્ડના એક અધિકારીએ અગાઉ એવી માહિતી આપી હતી કે હાર્દિક દિવાળીના દિવસે બેંગ્લોર ખાતે નેધરલેન્ડ્સ સામેની મેચ રમી શકે છે. વર્લ્ડ કપ ઇવેન્ટની ટેક્નિકલ સમિતિએ ભારતને રિપ્લેસમેન્ટ માટેની મંજૂરી આપી દીધી છે. બુમરાહ, શમી તથા સિરાજની હાજરી હોવાના કારણે પ્રસિદ્ધને વર્લ્ડ કપમાં રમવા મળે તેવી નહિવત્ સંભાવના છે. હાર્દિક કેટલા સમયમાં રિકવરી કરી શકશે તેની કોઈ માહિતી મળી નથી.