કાર્નિવલ પાર્ટી પ્લોટમાં ૪.૨3 લાખની ચીલ ઝડપ : શ્યામ પાર્ટી પ્લોટમાં કારના કાચ તોડી ૧.૧૬ લાખની ચોરી
રાજકોટની શહેરની આસપાસ ચોરી અને લૂંટના બનાવો વધી રહ્યા છે. તેવામાં નવા વિકસી રહેલા મવડી-કણકોટ રોડ ઉપર કેટલાય પાર્ટી પ્લોટ આવ્યા છે. લગ્નગાળો હોય તે દરમિયાન અહિં અનેક લોકો લગ્નપ્રસંગમાં આવતા હોય છે. શહેરની બારોબાર વિસ્તાર આવ્યો હોય તેનો ફાયદો ઉઠાની ચોર લૂંટારાઓ બેફામ બન્યા છે. છેલ્લા 10 દિવસમાં જ લાખોની ચોરીના બે બનાવ બન્યા છે.
મવડી-કણકોટ રોડ પર આવેલા પાર્ટી પ્લોટ નજીક લગ્ન પ્રસંગમાં આવેલી મહિલાના ગળામાંથી પગપાળા આવેલો શખ્સ રૂ.૪.૨3 લાખની કિંમતનો સોનાનો લાંબો હાર ઝૂંટવી ભાગી ગયાની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. લોધીકાના ચીભડા ગામે રહેતા હંસાબેન દિલીપભાઇ વસોયા (ઉ.વ.3૯)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગત તા.૪ના રોજ તેના મોટા સસરાના પુત્ર તનસુખભાઇ વસોયાની પુત્રીઓના લગ્નમાં તે પતિ સાથે કાર્નિવલ પાર્ટી પ્લોટમાં આવ્યા હતા. રાત્રે ૧૧:3૦ વાગ્યે પ્રસંગે પૂરો થયા બાદ દેરાણી મનિષાબેન સાથે પાર્ટી પ્લોટની બહાર નીકળી પોતાની ફોર વ્હીલર તરફ જવા રોડ ક્રોસ કરતા હતા ત્યારે પાછળથી અજાણ્યો શખ્સ પગપાળા ઘસી આવ્યો હતો. તે શખ્સે તેની સામે આવી તેના ગળામાંથી સોનાનો હાર ખેંચી લીધો હતો. ત્યારબાદ જાણ થતા તેના પતિ સહિતના પરિવારજનોએ તે શખ્સને શોધવાની કોશિષ કરી હતી પરંતુ મળ્યો ન હતો. આખરે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. હારનું વજન ૭૦ ગ્રામનું હતું. તાલુકા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
અન્ય એક બનાવમાં કણકોટ-મવડી રોડ પર આવેલા પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગમાં ગયેલા યુવકની કારના કાચ તોડી ગઠીયાઓ દ્વારા ૧.૧૬ લાખની મતા ચોરી કરી ગયાની તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. શાપરમાં રહેતા અને ત્યાં જ આવેલ ઘનશ્યામ એન્જીનિયરીંગ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતા પ્રશાંત મુકેશભાઇ કોરાટ (ઉ.વ.૨૭)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગત તા.૨૬નાં રોજ તેના કૌટુંબીક મોટાભાઇની પુત્રી જેન્સીબેનના લગ્ન પ્રસંગે શ્યામ પાર્ટી પ્લોટમાં ગયો હતો. ત્યાં પાર્કિંગના એન્ટ્રી ગેઇટની બાજુમાં કાર પાર્ક કરી હતી. રાત્રે દોઢેક વાગ્યે પ્રસંગ પૂરો કરી ઘરે જવા માટે કાર પાસે આવીને જોયુ તો ડાબી સાઇડના પાછળનો કાચ તૂટેલો હતો. જે તે વખતે પ્રસંગમાં રોકાયેલા હોવાથી તત્કાલ ફરિયાદ કરી શકયા ન હતા. ગઇકાલે તાલુકા પોલીસ મથકમાં જઇ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હવે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આગળ ધપાવી છે.