- રૂ.55માં મળતી ભોજનની થાળીનો ભાવ વધારીને રૂ.70 કરી દેવાયો
- નવા ભાવ વધારાથી એક વિદ્યાર્થી પર ભોજનનો વધુ રૂ.900નું ભારણ પડશે
- વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ દ્વારા પણ ભાવ વધારો પરત ખેંચવાની માગ
શહેરની એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજની મેસમાં જમવાની થાળીના ભાવમાં સીધો 27 ટકાનો વધારો ઝિંકાતા વિદ્યાર્થીઓમાં આક્રોશ ફેલાયો છે. કોેલેજની મેસમાં રૂ.55માં મળતી થાળીનો ભાવ રાતોરાત રૂ.70 કરી દેવાયો છે. ભોજનની થાળીમાં કરેલા ભાવ વધારાને લઈ વિદ્યાર્થીઓ દ્વારા કોલેજના પ્રિન્સીપાલને પણ આ અંગે રજૂઆત કરાઈ છે. બીજી તરફ વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ દ્વારા પણ ભાવ વધારો પરત ખેંચવાની માગ ઉઠી છે. ભાવ વધારાના કારણે એક વિદ્યાર્થી પર ભોજનનો વધુ રૂ.900નું ભારણ પડશે.આ અંગે હોસ્ટેલ અને મેસ વિભાગના કો-ઓર્ડીનેટરને પૂછતા તેમણે જણાવ્યુ હતુ કે, દર વર્ષે રૂ.5નો વધારો કરાય છે. કોલેજના વિદ્યાર્થીઓ માટે રૂ.60 કરાયા છે, જોકે બહારથી આવતા વિદ્યાર્થીઓ માટે રૂ.70 કરાયાં છે.
એલ.ડી. એન્જિનિયરીંગ કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે રહેવા અને જમવાની સુવિધા કોલેજ કેમ્પસમાં જ કરવામાં આવેલી છે. કોલેજ કેમ્પસમાં આવેલી મેસમાં રૂ.55 આપી વિદ્યાર્થીઓ જમતા હતા, જેમાં અચાનક જ દિવાળી વેકેશન બાદ થાળીના ભાવ વધારીને રૂ. 70 કરી દેવાતા વિદ્યાર્થીઓની હાલત કફોડી બની છે. ઓછા ખર્ચમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે જમાવાની થાળીનો ભાવ વધતા આર્થિક ભારણ વધ્યું છે. ભોજનની થાળીના ભાવમાં રૂ.15નો વધારો કરી દેવાતા દિવસમાં બે વખત જમવા માટે વિદ્યાર્થીઓએ રૂ. 30 વધારે ચુકવવા પડે તેમ છે. આ જ રીતે એક માસમાં રૂ. 900 વધુ ચુકવણું કરવું પડે તેમ હોય ગરીબ વિદ્યાર્થીઓ પર આર્થિક ભારણ વધશે. હાલમાં બંને સમય મેસમાં જમતા વિદ્યાર્થીઓને માસિક રૂ. 3300 જેટલો ખર્ચ થાય છે, જે નવા વધારો જોતા રૂ.4,200 ચુકવવા પડશે. બહારગામથી સામાન્ય પરિવારમાંથી આવતા વિદ્યાર્થીઓને આ વધારાના પગલે આર્થિક ભારણ વધે તેમ હોઈ આ મુદ્દે NSUI દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. કોન્ટ્રાક્ટર દ્વારા જમાવાની થાળી જે રૂ. 55મા મળતી હતી તે વધારીને રૂ. 70ની કરી દેતા તાકીદે આ વધારો પરત ખેંચવા માટે રજૂઆત કરવામાં આવી છે. તાકીદે વધારો પરત ખેંચવામાં નહીં આવે તો આંદોલનની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
6 વર્ષમાં અંદાજે 75 ટકા જેટલો વધારો ઝીંકાયો
વિદ્યાર્થીઓ પાસેથી મળતી વિગતો મુજબ, કોલેજ કેમ્પસsની આ મેસમાં વર્ષ-2018થી લઈને વર્ષ-2020 સુધીમાં ભોજનની થાળીનાં રૂ.45 લેવામાં આવતા હતા, એ પહેલા એનાથી પણ ઓછા અંદાજે રૂ.40 લેવામાં આવતા હતા. આમ વર્ષ-2018 પહેલાની સરખામણી કરવામાં આવે તો છેલ્લા 6 વર્ષમાં જ ભોજનની સાદી થાળીના ભાવમાં 75 ટકા જેટલો માતબર ભાવ વધારો ઝિંકવામાં આવ્યો.


