વિશ્વમાં ભારત દેશ એક એવો દેશ છે કે જ્યાં અગણિત સંતો, ભક્તો, અવતારી મહાપુરુષોએ જન્મ લીધો છે. જેમાં એક સંત કબીર પણ થઈ ગયા. ગુરુ રવિદાસ, ગરીબદાસ, તુકારામ, મીરાં, રજ્જબ વગેરેને પોતાની વાણીમાં કબીરનો ઉલ્લેખ કર્યો છે. 22-06-2024ને શનિવારના રોજ સંત કબીરની જન્મ જયંતી છે.
સંત કબીર સ્પષ્ટવક્તા, સરળ હૃદયવાળા, નીડર હતા. તેમના જન્મ વિશે વિવિધ દંતકથાઓ છે. સંત કબીરનો જન્મ 1398માં થયેલો. તેમના પિતા નીરુ અને માતા નીમા બંને વણકર હતાં. નાનપણથી જ કબીરનું મન પરમાર્થ તરફ હતું. ગૂઢ તત્ત્વોને સમજવાની, તેની ગહનતા માપવાની અને વિવેચન કરવાની અસાધારણ શક્તિ કબીર ધરાવતા હતા. કબીરે આજીવન કાપડ વણીને પોતાનો તથા પોતાના કુટુંબનો નિર્વાહ કર્યો. પરમાત્મા પાસે તેઓ પોતાના પરિવારના ગુજરાન પૂરતું જ માંગે છે, જેથી ભક્તિમાં વિઘ્ન ન આવે. તેમના શિષ્યોમાં રાજા, નવાબ, શેઠ, ધર્મદાસ, શાહુકારો હોવા છતાં પણ કબીરે કોઈની પાસે ભેટ સ્વીકારી નથી.
સાચા સાધુના ગુણો વિશે કબીર કહે છે કે,
`સાધુ ભૂખા ભાવ કા, ધન કા ભૂખા નાહીં।
ધન કા ભૂખા જો ફિરે, સો તો સાધુ નાહી॥’
કોઈ કોઈ વાર તો તેમને તથા તેમના પરિવારને શેકેલા ચણા ખાઈને ગુજરાન કરવું પડેલ. તેમનું સૌથી મોટું ધન સંતોષધન હતું. સંત કબીરના પરિવારમાં તેમની પત્ની લોઈ, પુત્ર કમાલ અને પુત્રી કમાલી હતાં. લોઈએ કબીર પાસેથી નામદાન લીધેલ.
સંત કબીર એકસો વીસ વરસ ઉપર ઉંમર વટાવી ચૂક્યા હતા. તેમનો અંત સમય નજીક હતો. તેમણે મગહર શહેરમાં પોતાના અંતિમ દિવસો પસાર કરવા નિર્ણય કર્યો. તે વખતે એવી માન્યતા હતી કે કાશીમાં દેહ પડે તો વૈકુંઠ મળે અને મગહરમાં મૃત્યુ થાય તો જીવની અધોગતિ થાય. ઘણાએ કબીરને સમજાવ્યા પણ કબીરે સમજણ આપી કે સંતોએ તો નરક અને સ્વર્ગ બંનેને ઠોકર મારી છે. ગુરુની કૃપાથી હું તો સિંહાસને ચડીને પરમાત્માને મળી ચૂક્યો છું. મગહર પાસે વહેતી અમી નદી વરસાદના બે મહિના સિવાય આખું વરસ સૂકી રહેતી, પણ કબીરના રહેવાથી આ નદીમાં આખું વરસ પાણી વહેતું થયું. કબીરે મગહરમાં દેહ છોડી પુરવાર કર્યું કે, સંસારમાં બધાં સ્થાન સમાન છે, ન બનારસ સ્વર્ગનું દાતા છે કે ન તો મગહર નરકનું કારણ. ઈ.સ. 1518માં કબીર નાશવંત જગત છોડી પરમાત્મામાં લીન થઈ ગયા. તેમના અંતિમસંસ્કાર માટે શિષ્યોમાં મતભેદ પડ્યો. રાજા વીરસિંહ વાઘેલાના નેતૃત્વ હેઠળ હિંદુઓ કબીરના શરીરનો અગ્નિસંસ્કાર કરવા માગતા હતા. જ્યારે નવાબ બિજલીખાન અને બીજા શિષ્યો મૃતદેહને દફનાવવા માંગતા હતા. બંને પક્ષોમાં જબરો વિવાદ થયો. તે સમયે કેટલાક શિષ્યોનું ધ્યાન કબીરના મૃત શરીર તરફ ખેંચાયું. કપડું હટાવતાં મૃતદેહની જગ્યાએ ફૂલોનો ઢગલો હતો. કબીરે કોઈ જાતિ કે ધર્મને મહત્તા ન આપી. મનુષ્યના જીવનમાં જ્ઞાતિ, કુળ, ધર્મ વગેરેના બદલે પ્રભુમિલનના મેળાપને મહત્તમ સ્થાન આપેલું.
કબીરે મનને ચોર કહ્યું છે. કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, ઘૃણા, દ્વેષ, અહંકાર આ બધા ભેગાં થઈ મનુષ્યની આત્મિક પૂંજી લૂંટી લે છે. `તીન લોક ચોરી ભઈ, સબ કા ધન હર લિન્હ। બિના સીસ કા ચોરવા પડા ન કાહુ ચિન્હ॥’