– ઓવરડયૂ લોન્સ સાથેના બોરોઅરોને ધિરાણમાં વધારો થઈ રહ્યાની પણ નોંધ
– અનસિકયોર્ડ લોન નબળી પડવાના જોખમમાં વધારો
Updated: Oct 14th, 2023
મુંબઈ : ભારતની અનસિકયોર્ડ લોન્સ નબળી પડવાના જોખમમાં વધારો થઈ રહ્યો છે કારણ કે વીતી ગયેલી મુદત (ઓવરડયૂ) સાથેની લોન્સ ધરાવતા બોરોઅરોને ધિરાણમાં વધારો થઈ રહ્યો છે, એમ યુબીએસ દ્વારા એક રિપોર્ટમાં જણાવાયું છે. ભારતીય પરિવારોમાં કોરોના સંબંધિત દબાણો હળવા થઈ ગયા હોવાથી દેશના ધિરાણદારોના પોર્ટફોલિઓમાં અનસિકયોર્ડ લોન્સની માત્રા તાજેતરના સમયમાં વધી ગઈ છે.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા પણ દેશની બેન્કો તથા નોન બેન્કિંગ ફાઈનાન્સિઅલ કંપનીઓ (એનબીએફસીસ)ને અનસોકયોર્ડ લોન્સના ધિરાણમાં તકેદારી રાખવા અવારનવાર સૂચના આપતી રહે છે. ભારતની બેન્કો માટે યુબીએસ તટસ્થ મત ધરાવે છે અને અનસિકયોર્ડ લોન્સ માટે નિયમનકારી ધોરણો વધુ સખત બનવાની શકયતા વધી ગઈ હોવાનું માને છે.
રિટેલ બોરોઅરોના દેવાના બોજમાં વધારા સાથે જોખમી રૂપરેખા સાથેના બોરોઅરોના લોન્સનો હિસ્સો વધી ગયો છે, એમ પોતાના અભ્યાસને ટાંકીને યુબીએસ દ્વારા એક રિપોર્ટમાં જણાવાયું છે. ગયા વર્ષના ૨૫ ઓગસ્ટના અંતે ક્રેડિટ કાર્ડસ પેટે બેન્કોએ બાકી લેવાની નીકળતી રકમનો આંક જે રૂપિયા ૧.૬૮ લાખ કરોડ હતો તે વર્તમાન વર્ષના ૨૫ ઓગસ્ટ સુધીમાં વધી રૂપિયા ૨.૧૮ લાખ કરોડ પર પહોંચી ગયો હતો, એમ રિઝર્વ બેન્કના આંકડામા ંતાજેતરમાં જણાવાયું હતું. આજ ગાળામાં વ્યક્તિગત લોન્સની રકમમાં પણ ૨૬ ટકા વધારો થયો હતો.
ઓવરડયૂ લોન્સ સાથેના બોરોઅરોને લોન્સનો હિસ્સો જે નાણાં વર્ષ ૨૦૧૮-૧૯માં ૧૨ ટકા હતો તે નાણાં વર્ષ ૨૦૨૨-૨૩માં વધી ૨૩ ટકા પર પહોંચી ગયો હતો. એક કરતા વધુ રિટેલ લોન્સ ધરાવતા બોરોઅરોની સંખ્યા જે નાણાં વર્ષ ૨૦૧૭-૧૮માં ૩.૯૦ ટકા વધી હતી તે ગયા નાણાં વર્ષમાં ૯.૩૦ ટકા વધી હોવાનું પણ રિપોર્ટમાં જણાવાયું છે.
પોતાના કવરેજ હેઠળની ભારતીય બેન્કોના ધિરાણ ખર્ચમાં વર્તમાન નાણાં વર્ષમાં ૫-૧૦ બેઝિસ પોઈન્ટસનો વધારો થવાની પણ યુબીએસ દ્વારા ધારણાં મૂકવામાં આવી છે.