– દુનિયાભરમાં સિંગાપોરના લોકો સૌથી વધુ ઓનલાઇન છેતરપિંડીના ભોગ બન્યા
– તમામ કૌભાંડોમાંથી માત્ર ૭ ટકાની જ એજન્સીઓ અને સરકારોને જાણ કરાઇ
Updated: Oct 22nd, 2023
અમદાવાદ : આપણે ડિજિટલ દુનિયા તરફ હરણફાળ ગતિ ભરી રહ્યાં છીએ પરંતુ અનેક ફાયદા છતા અનેક નુકશાન પણ વૈશ્વિક અર્થતંત્રને થઈ રહ્યાં છે. છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન ભારત સહિત સમગ્ર વિશ્વમાં સાયબર સ્કેમ અથવા ઓનલાઈન છેતરપિંડીની ઘટનાઓમાં ભારે વધારો થયો છે. આ અંગે એક ખૂબ જ ડરામણો આંકડો સામે આવ્યો છે. ધ સ્ટ્રેટ્સ ટાઈમ્સે અહેવાલ અનુસાર ઓગસ્ટ ૨૦૨૨થી ઓગસ્ટ ૨૦૨૩ની વચ્ચે લિસ્બન સ્કેમર્સે વૈશ્વિક સ્તરે અંદાજિત ૧.૦૨ અબજ ડોલરની છેતરપિંડી કરી છે.
આ એક વર્ષ દરમિયાન સિંગાપોરના લોકોને સૌથી વધુ નિશાન બનાવવામાં આવ્યા હતા. નોન-પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન ગ્લોબલ એન્ટી-સ્કેમ એલાયન્સ (ગેસા) અને ડેટા સર્વિસ કંપની સ્કેમએડવાઈઝરના અભ્યાસ અનુસાર આ રકમ ૨૦૨૧માં ૫૫.૩ કરોડ યુએસ ડોલર અને ૨૦૨૦ની ૪૭.૮ કરોડ ડોલરની ચોરી કરતા ઘણી વધારે છે. ગેસાએ પોર્ટુગલમાં ગ્લોબલ એન્ટી-સ્કેમ સમિટ વખતે આ આંકડો જાહેર કર્યો હતો.
સિંગાપોર સહિત ૪૩ દેશોના ૪૯,૪૫૯ વ્યક્તિઓના સર્વેક્ષણ બાદ કૌભાંડમાં ચોરાયેલી રકમનો અંદાજ કાઢવામાં આવ્યો હતો, એમ અહેવાલમાં જણાવાયું હતું. સર્વેેમાં ભાગ લેનારાઓને પૂછવામાં આવ્યું હતું કે તેઓએ કયા પ્રકારનાં કૌભાંડોનો સામનો કરવો પડયો અને છેતરપિંડી કરનારાઓને કારણે તેઓએ કેટલી રકમ ગુમાવી. આ પછી આ અભ્યાસમાં દેશની વસ્તીના આધારે ડેટાનો અંદાજ કાઢવામાં આવ્યો હતો.
‘સ્ટ્રેેટ્સ ટાઈમ્સ દ્વારા ટાંકવામાં આવેલા રિપોર્ટ અનુસાર છેલ્લા રિપોર્ટિંગ વર્ષમાં નુકસાનમાં થયેલા વધારાને સમજાવતા કહ્યું કે તમામ કૌભાંડોમાંથી માત્ર ૭ ટકા જ કાયદા અમલીકરણ એજન્સીઓ અને સરકારોને જાણ કરવામાં આવે છે તેથી આ આંકડાઓ માત્ર ઉપરછલ્લા જ છે.
આ રિસર્ચમાં બહાર આવ્યું કે સિંગાપોરના લોકોએ ઓનલાઈન સ્કેમમાં સૌથી વધુ રકમ ગુમાવી છે. સિંગાપોરના લોકોને કુલ ૪૦૩૧ ડોલરનું નુકસાન થયું છે.
સિંગાપોર પછી સ્વિટ્ઝલર્લેન્ડ ૩૭૬૭ યુએસ ડોલરના નુકસાન સાથે આ યાદીમાં બીજા સ્થાને છે, જ્યારે ઓસ્ટ્રિયા ૩૪૮૪ અમેરિકન ડોલરના નુકસાન સાથે ત્રીજા સ્થાને છે. અગાઉ ફેબુ્રઆરીમાં સિંગાપોર પોલીસ ફાર્ર્સના ડેટા દર્શાવે છે કે સિંગાપોરમાં પીડિતોએ ૨૦૨૨માં કુલ ૬૬.૦૭ કરોડ ડોલર ગુમાવ્યા હતા, જે ૨૦૨૧ના ૬૩.૨ કરોડ ડોલરથી વધુ છે.