- શહેરના જીન કમ્પાઉન્ડમાં રિક્ષાચાલકોએ એકઠા થઈ વિરોધ વ્યકત કરી કલેકટરને આવેદન પાઠવ્યું
- રજૂઆત : ઝાલાવાડમાં જ્યાં સુધી સ્કૂલ વર્ધીનું લાયસન્સ ન અપાય ત્યાં સુધી કાર્યવાહી પર રોક લગાવવા માગણી કરી
- શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે જ RTOએ સામાન્ય ચાલકોની રિક્ષા ડિટેઈન કરી રૂ. 15થી 20 હજારના દંડ ફટકાર્યા હતા
રાજકોટમાં બનેલા અગ્નીકાંડ બાદ બાળકોને સ્કુલે લઈ જતા વાહનોમાં આવા બનાવ ન બને તે માટે શાળા ખુલતાની સાથે જ આરટીઓ અને પોલીસ વિભાગ એકશન મોડમાં આવી ગયુ છે. સુરેન્દ્રનગરમાં શાળા ખુલવાના દિવસે જ તા. 13ના રોજ સ્કુલ બસ, વાન અને રિક્ષા સહિત 13 વાહનો ડિટેઈન કરાયા હતા. અને મસમોટા દંડ ફટકારાયા હતા જેથી રિક્ષાવાળાઓ માટે જરૂરી લાયસન્સ સહિતની કાર્યવાહી માટે સમય આપવાની માંગ સાથે સુરેન્દ્રનગરના 2 હજારથી વધુ સ્કુલ વર્ધીવાળા રિક્ષા ચાલકો શુક્રવારે હડતાળ પાડી દીધી હતી.
જેના લીધે ખાસ કરીને વાલીઓ અને શાળા સંચાલકોને ભારે પરેશાની ભોગવવી પડતા તંત્ર દ્વારા રીક્ષાચાલકોને કાર્યવાહી માટે થોડો સમય આપવાની માંગ કરી હતી. તા. 13 જુનથી રાજયમાં મોટાભાગની સ્કુલો શરૂ થઈ ગઈ છે. ત્યારે રાજકોટ અગ્નીકાંડ બાદ આવી કોઈ દુર્ઘટના ન સર્જાય અને નીર્દોષ બાળકો આગમાં ન હોમાય તે માટે શાળાઓ ખુલતા જ પોલીસ અને આરટીઓ વિભાગ હરકતમાં આવી ગયુ હતુ. તંત્ર દ્વારા સ્કુલ બસ, વાન અને રિક્ષામાં શાળાએ જતા બાળકોની સલામતીને ધ્યાને લઈ કડક ચેકીંગ શરૂ કરાયુ હતુ. જેમાં ગુરૂવારે જ જિલ્લામાં બસ, વાન અને રિક્ષા સહિત 13 વાહનો ડિટેઈન કરી પોલીસ મથકે મુકી દેવાયા હતા. જયારે આ વાહનચાલકોને રૂપીયા 1.40 લાખથી વધુના દંડ ફટકારાયા હતા. ત્યારે તંત્રો સ્કૂલવર્ધીમાં ચાલતા રીક્ષાચાલકોને અગાઉથી કોઇ સુચન,જાણ કર્યા વગર અચાનક થયેલી ચેકીંગ બાદ દંડની કામગીરી બાબતે ખાસ કરીને રિક્ષા ચાલકોમાં રોષ ફેલાયો હતો.સામાન્ય રીક્ષાચાલકોને મોટા દંડ ફટાકારતા તંત્ર સામે નારાજગી વ્યકત કરી હતી અને શુક્રવારે જિલ્લાભરના અંદાજે 2 હજારથી વધુ રિક્ષાચાલકો વીજળીક હડતાલ પર ઉતરી ગયા હતા. સવારના સમયે બાળકોને શાળાએ જવાના સમયે રિક્ષા ન આવતા વાલીઓને પણ હેરાનગતી ભોગવવી પડી હતી. શહેરના ઘર હો તો ઐસા પરીસર પાસે આવેલ જીન કમ્પાઉન્ડમા એકઠા થયેલા રિક્ષાચાલકોએ તંત્ર સામે રોષ વ્યકત કર્યો હતો. ત્યારબાદ વિશાળ સંખ્યામાં રિક્ષા ચાલકો કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. અને જિલ્લા કલેકટરને જયદીપસીંહ પરમાર, કમલેશભાઈ કોટેચા સહિતનાઓની આગેવાનીમાં આવેદનપત્ર આપી પોતાની વ્યથા વર્ણવી હતી. રિક્ષા ચાલકોના જણાવાયા મુજબ તેઓને થોડા દિવસોનો સમય આપવામાં આવે તથા આરટીઓ કચેરીમાં આ બાબતે વધુ બારીઓ ખોલી કાર્યવાહી શરૂ કરાય તેવી માંગ ઉઠી છે. આવેદનપત્ર સ્વીકારી કલેકટરે પણ આરટીઓ અધીકારી સાથે બેઠક કરી પ્રશ્નનો હલ લાવવાની ખાત્રી આપી હતી.
આમાં અમારો શું વાંક ? રિક્ષા ચાલકોએ ગુરૂવારે RTO દ્વારા થયેલ કાર્યવાહી બાબતે શુક્રવારે હડતાલ પાડી દીધી હતી. અમુક રિક્ષાવાળાઓએ પોતાના વિદ્યાર્થીઓના વાલીઓને અગાઉથી જાણ કરી હતી. પરંતુ મોટાભાગના વાલીઓએ શુક્રવારે સવારે બાળકોને શાળાએ મોકલવા તૈયાર કર્યા હતા અને રિક્ષા ન આવતા ભારે પરેશાની ઉભી થઈ હતી. જેના લીધે કેટલાક વિદ્યાર્થીઓને શાળાએ જ મોકલાયા ન હતા. આ સમગ્ર બાબતે વાલીઓ અને વિદ્યાર્થીઓ અમારો શું વાંક તેમ કહી રહ્યા હતા.
12 વર્ષથી નીચેના બાળકો માટે કોઈ લાયસન્સની જરૂર નથી
એઆરટીઓ પી.કે.પટેલે જણાવ્યુ કે, સ્કુલ વર્ધીની રિક્ષામાં 12 વર્ષથી નીચેના બાળકોને લઈ જવા કોઈ અલગથી લાયસન્સની જરૂર નથી. માત્ર રિક્ષામાં નીયમોનુસાર બંધ બોડી કરવાની રહે છે. જયારે તેઓ 6 બાળકો પણ બેસાડી શકે છે. તેનાથી વધુ બાળકો બેસાડવા કે, બંધ બોડી ન કરવી તે નીયમ વિરૂધ્ધ છે. આ ઉપરાંત ડ્રાઈવર પાસે પણ બાળકોને બેસાડવા તે કાયદાની વિરૂધ્ધ છે. આ બાબતે અમોએ તપાસ કરીને દંડ કર્યા છે. બીજી તરફ 12 વર્ષથી વધુના બાળકોને શાળાએ લાવવા-લઈ જવા માટે જરૂરી લાયસન્સ અને ફીટનેશ માટે અમો ટોકન પધ્ધતીથી કામગીરી કરીશુ.
અમારા બાળકોને શાળાએ મુકવા જઈએ તો પણ દંડ ફટકાર્યો
આ અંગે રિક્ષા ચાલકોએ રોષ સાથે જણાવ્યુ કે, ગુરૂવારે શાળા શરૂ થયાના પ્રથમ દિવસે અમુક રિક્ષા ચાલકો પોતાના બાળકોને રિક્ષામાં બેસાડીને શાળાએ મુકવા ગયા હતા. તેમાં પણ પોલીસ અને આરટીઓએ રિક્ષા ચાલકોને મસ મોટો દંડ આપ્યો છે. તો શું પોતાના બાળકોને શાળાએ મુકવા જવા માટે પણ લાયસન્સ લેવુ પડશે? એવી પણ વ્યથા ઠાલવી હતી.
આરટીઓએ સમય આપવો પડે : શાળા સંચાલક મંડળ
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ઇન્દ્રસિંહ ઝાલાએ જણાવેલ કે 2000 જેટલી રીક્ષાના ચાલકો સરકારી નિયમ મુજબ સ્કૂલ વર્ધી માટે જરૂરી લાયસન્સ મેળવી શકે માટે તંત્ર સમય આપે તો સ્કૂલ સંચાલકો, રીક્ષાચાલકો, વાલીઓ કે વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે.
એક દિવસે એક સાથે તો બધાનું કામ થવાનું નથી !
ઓમ શાંતી સ્કૂલના સી.એમ.પટેલે જણાવેલ કે 2000 થી વધારે સ્કૂલવર્ધીમાં ચાલતા રીક્ષાચાલકો એક સાથે બધા આરટીઓમાં જાય તો એક દિવસે બધાનું કામ થવાનુ નથી. જેથી કામગીરી કરવા માટે બધાને થોડો સમય આપવો જોઇએ.


