બે વર્ષથી પેમેન્ટ ન થતાં હોસ્પિટલોના સંચાલકોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું
ગુજરાતમાં પ્રાઇવેટ, ટ્રસ્ટ અને કોર્પોરેટ હોસ્પિટલમાં PMJAY હેઠળ સારવાર કરવામાં આવે છે. જેમાં આ તમામ હોસ્પિટલોનું છેલ્લા 2 વર્ષથી પેમેન્ટ બાકી છે. જેને લઇને રાજકોટની હોસ્પિટલના સંચાલકો દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી અને પેમેન્ટ ચૂકવવા માંગ કરી હતી. 300 હોસ્પિટલના છેલ્લા બે વર્ષના આશરે રૂ.3૭૦ કરોડથી વધુના પેમેન્ટ બાકી છે તેવું હોસ્પિટલ સંચાલકોએ જણાવ્યું હતું.
આવેદનમાં રજુઆત હતી કે આજે જયારે આયુષ્માન ભારત યોજનાનો લાભ લઇ લાખો જરૂરીયાતમંદ દર્દીઓ પ્રાઇવેટ ટ્રસ્ટ તેમજ કોર્પોરેટ કક્ષાની હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે. આયુષ્માન યોજનાનો લાભ છેવાડાના માણસોને મળી રહે અને આ યોજના દ્વારા આરોગ્ય ક્ષેત્રે ગુજરાતને મોડલ સ્ટેટ બનાવી શકાય તે હેતુસર યોજનાની સફળતામાં ચાવીરૂપ ભાગ ભજવનારા પ્રાઇવેટ, ટ્રસ્ટ તેમજ કોર્પોરેટ કક્ષાની હોસ્પિટલને પડતી નાણાકીય તકલીફોનું નિરાકરણ આવે તે જરૂરી છે. જયારે ડોકટર, પ્રાઇવેટ, ટ્રસ્ટ તેમજ કોર્પોરેટ કક્ષાની હોસ્પિટલ દ્વારા જરૂરીયાતમંદ દર્દીઓની ઉત્તમ સારવાર આપવામાં આવી રહી હોય ત્યારે તેઓને સમયસર પેમેન્ટનું ચુકવણુ થાય તે જરૂરી છે. હોસ્પિટલને સમયસર પેમેન્ટની ચુકવણી ન થતી હોવાથી નિભાવ કરવામાં મુશ્કેલીઓ પડી રહી છે.
આ યોજના અંતર્ગત તમામ હોસ્પિટલને એમઓયુ પ્રમાણે સારવાર કર્યા બાદ કલેમ મુકયાના ૧પ દિવસમાં પેમેન્ટ આપવાનું હોય છે. તેના બદલે હોસ્પિટલને વર્કના ૨૦ ટકા સુધીનું જ પેમેન્ટ મળતું હોવાથી સ્ટાફની સેલેરી ચુકવવામાં પણ હોસ્પિટલને મુશ્કેલી પડી રહી છે. સ્ટાફને સેલેરી તેમજ નિભાવ ખર્ચના અભાવે હોસ્પિટલને બંધ કરવાની નોબત આવી શકે તેમ છે. જયારથી નવી વીમાકંપનીને પીએમજેએવાયનું કામ સરકાર તરફથી આપવામાં આવ્યું છે ત્યારથી પ્રી-ઓથોરાઇઝેશન વખતે પરમિશન આપ્યા બાદ છેલ્લે પેમેન્ટ વખતે સંપૂર્ણ સારવાર આપ્યા છતાં વિવિધ કારણોસર અથવા કોઇપણ જાતના કારણો વિના કલેમ રિજેકશન કે ડીડકશન કરવામાં આવે છે. હોસ્પિટલમાં ખોટી રીતે વારંવાર ઓડીટ કરવું, વર્ષોથી જે ઇન્કલુડીંગ પેકેજ કે જેના વગર સારવાર શકય નથી તેવી દવાની રકમ કાપી લેવી, પોતાની રીતે પેમેન્ટ કાપવું, પેકેજ સિવાયના ઇન્વેસ્ટિગેશન ખોટી રીતે માગવા જેવી કનડગત કરવી આમ વાત બની ગઇ છે.
જૂની વીમા કંપની ઓરિએન્ટલ ઇનસ્યોરનસ કંપની તરફથી છેલ્લા ઘણા સમયથી પોલીસી બેથી સાત સુધીનું જ ખૂબ જ મોટા પ્રમાણમાં બાકી નીકળતું હોસ્પિટલનું પેમેન્ટ કરવામાં આવ્યું નથી.