- ગત સોમવારે 150થી વધુ દબાણ હટાવ્યા બાદ સપ્તાહમાં બીજી વાર દબાણો સામે લાલ આંખ
- એ ડિવિઝન પોલીસ, ટ્રાફિક વિભાગ અને નગરપાલિકાની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું
- રસ્તા પર લારીવાળાઓ સહિત વેપારીઓએ પોતાનો સામાન બહાર રાખતા માર્ગો સાંકડા બની
સુરેન્દ્રનગરના મુખ્ય રસ્તાઓ પર દબાણોનો રાફડો ફાટયો છે. રસ્તા પર લારીવાળાઓ સહિત વેપારીઓએ પોતાનો સામાન બહાર રાખતા માર્ગો સાંકડા બની જતા અવારનવાર ટ્રાફિક જામ થાય છે.
ત્યારે એ ડિવિઝન પોલીસ, ટ્રાફિક શાખા અને પાલિકાએ એક સપ્તાહમાં બીજીવાર શનિવારે સંયુકત ઓપરેશન હાથ ધર્યુ હતુ. અને શહેરના મુખ્ય રસ્તાઓ પરથી 80થી વધુ દબાણો દુર કરાયા હતા.
સુરેન્દ્રનગર શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકનો પ્રશ્ન સળગતો પ્રશ્ન છે. થોડા સમય પહેલા શહેરના વેપારીઓની રજૂઆત બાદ મુખ્ય રસ્તાઓ પર લારીવાળાઓને બગીચા પાસે જગ્યા આપીને ત્યાં ઉભા રખાયા હતા. પરંતુ તંત્રની ઢીલી નીતિ સામે ફરી પરિસ્થિતિ જૈસે થે થઈ ગઈ હતી. અને શહેરમાં ખાસ કરીને પીક અવરમાં ટ્રાફીક જામના દૃશ્યો સર્જાય છે. ત્યારે શહેરમાં ગત સોમવારે જ એ ડીવીઝન પોલીસ, ટ્રાફિક વિભાગ અને નગરપાલિકાની ટીમે સંયુકત ઓપરેશન હાથ ધરી 150થી વધુ દબાણો દુર કર્યા હતા. ત્યારે સપ્તાહમાં બીજી વાર શનિવારે પણ તંત્રે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં એ ડિવિઝન પીઆઈ આર.એમ.સંગાડા, ટ્રાફિક પીએસઆઈ એલ.બી.બગડા, નાગરભાઈ દલવાડી, રાજેન્દ્ર ભરવાડ, અશ્વીનભાઈ સહિતની ટીમ સાથે નગરપાલિકાના મયુરસીંહ, રાહુલ મોરી સહિતનાઓ પ ટ્રેકટર, જેસીબી સહિતના વાહનો સાથે જોડાયા હતા. અને શહેરના ટાવર ચોકથી હેન્ડલુ ચોક, હેન્ડલુમ ચોકથી ટાંકી ચોક, ટાકી ચોકથી મલ્હાર ચોક સુધીના રસ્તાઓ પર અંદાજે 800થી વધુ દબાણો દુર કરાયા હતા. તંત્ર દ્વારા સપ્તાહમાં બીજીવાર દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવતા ખાસ કરીને શહેરના મોટી શાક માર્કેટ રોડ પર લારીવાળાઓમાં દોડધામ મચી હતી અને નાની ગલીઓમાં તેઓ પોતાની લારીઓ લઈને ભાગતા નજરે પડયા હતા. સુરેન્દ્રનગર શહેરમાં દબાણ હટાવ ઝુંબેશથી રસ્તાઓ ખુલ્લા થઈ જતા વેપારીઓ, રાહદારીઓ અને વાહનચાલકોએ રાહતનો દમ લીધો હતો.
સુરેન્દ્રનગર શહેરના રેસ્ટ હાઉસથી પાણીની ટાંકી વાળા રોડ પર કાયદેસરનું કાર સ્ટેન્ડ છે. ત્યારે દબાણ હટાવ ઝુંબેશ દરમીયાન શહેરના પતરાવાળીથી મલ્હાર ચોકના રસ્તે મેળાના મેદાન સામે ગેરકાયદેસર કાર સ્ટેન્ડ ધ્યાને આવ્યુ હતુ. જેમાં એક સાથે પાર્ક કરાયેલ પથી વધુ ઈકો કાર પર તવાઈ બોલાવીને તમામને મેમા અપાયા હતા.


