મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતેના ઓવરબ્રિજ પર ત્રણ દિવસ અગાઉ થયેલા એક કથિત માર્ગ અકસ્માતનો મામલો હવે હત્યાના ગુનામાં પરિણમ્યો છે. પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો છે કે આ ઘટના માત્ર એક અકસ્માત નહોતી, પરંતુ ઇરાદાપૂર્વક ટક્કર મારીને હત્યા કરવામાં આવી હતી. ત્રણ દિવસ પહેલા ઊંઝા ઓવરબ્રિજ પર એક ઈકો સ્પોર્ટ્સ કારે એક મહિલાને ટક્કર મારી હતી, જેમાં લવીના નામની આ મહિલાનું કરૂણ મોત નીપજ્યું હતું. શરૂઆતમાં આ ઘટનાને માર્ગ અકસ્માત તરીકે જોવામાં આવી હતી, પરંતુ હવે મૃતક મહિલાના પતિએ ઊંઝા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદના આધારે સમગ્ર મામલાનો ભેદ ઉકેલાયો છે.
ઊંઝા અકસ્માતમાં હત્યાનો ભેદ ખુલ્યો
પ્રાપ્ત માહિતી મુજબ, ઘટનાના દિવસે મૃતક લવીના તેના મિત્ર સુથાર કુમારપાલ સાથે ઊંઝા ઓવરબ્રિજ ઉપર એક્ટિવા પાર્ક કરીને બેઠી હતી. તે સમયે પવન રાજગોર નામના વ્યક્તિએ પોતાની કાર (ઈકો સ્પોર્ટ્સ) પૂરઝડપે અને ઇરાદાપૂર્વક લવીનાને ટક્કર મારી હતી. કારની ટક્કર એટલી જોરદાર હતી કે લવીના ઓવરબ્રિજ પરથી નીચે પટકાઈ હતી અને તેને ગંભીર ઈજા થવાથી તેનું મોત નીપજ્યું હતું.
ત્રણ દિવસ અગાઉ કારે મહિલાને ટક્કર મારી
મૃતક લવીનાના પતિએ પવન રાજગોર નામના વ્યક્તિ વિરુદ્ધ ઊંઝા પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે હવે પવન રાજગોરની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે ઓવરબ્રિજ પર થયેલું આ મૃત્યુ અકસ્માત નહોતું, પરંતુ અંગત અદાવત કે અન્ય કોઈ કારણોસર કરવામાં આવેલી હત્યા હતી. પોલીસ હવે આ હત્યા પાછળનો ચોક્કસ ઈરાદો અને કારણ જાણવા માટે પવન રાજગોરની ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહી છે.


