લેબેનોનમાં પેજરમાં થયેલા વિસ્ફોટમાં અત્યાર સુધી 11 લોકોનાં મોત થઈ ચુક્યા છે. જ્યારે 400 હજાર કરતાં વધુ લોકો ઈજાગ્રસ્ત છે. ઘાયલોમાં લેબેનોનમાં ઈરાનના રાજદૂત પણ સામેલ છે. પેજર્સને હેક કરી બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. આ પેજર્સનો વપરાશ હિઝબુલ્લાના લડવૈયા કરે છે. આ બ્લાસ્ટ પાછળ ઈઝરાયલનો હાથ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જ્યારે હુમલા પછી હિઝબુલ્લાનું નિવેદન જાહેર કરી કહ્યું છે કે આ હુમલા પાછળ કોનો હાથ છે. જો કે, અત્યાર સુધી ઈઝરાયલને આને લઈ કંઈ પ્રતિક્રિયા નથી આવી.
ઘણા રિપોર્ટસનું માનવામાં આવે તો ઈઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદે લેબેનોનના જૂથ હિઝબુલ્લાને ટાર્ગેટ બનાવવા માટે પેજરની સાથે ચેડાં કર્યા હતા. આ પેજરમાં પાંચ મહિના પહેલા નિર્માતા કંપનીઓને સાંઠગાંઠ કરી વિસ્ફોટ ફિટ કરી દેવામાં આવ્યો હતો. લેબેનોનામાં મંગળવારે અચાનક ઘર, માર્ગો, બજારમાં લોકોના ખિસ્સામાં વિસ્ફોટ થવા લાગ્યા હતા. એક કલાક સુધી લેબેનોનથી લઈ સીરિયા સુધી સતત વિસ્ફોટ થયા હતા. આ હુમલાને હિઝબુલ્લાના કમ્યુનિકેશન સિસ્ટમ પર સૌથી મોટો હુમલો કહેવામાં આવી રહ્યો છે.
સીરિયામાં પણ થયા વિસ્ફોટ
મળતી માહિતી પ્રમાણે, લેબેનોન સિવાય પણ સીરિયાના ઘણા વિસ્તારોમાં પેજર ફાટવાના મામલા સામે આવ્યા છે. સીરિયામાં 100 કરતાં વધુ બનાવ બન્યા છે. આમાં સાત લોકોનાં મોત થયા હતા. જ્યારે ઘણા લોકો ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડવાની નોબત આવી હતી. આ બ્લાસ્ટમાં હિઝબુલ્લાના એક સાંસદના પુત્રનું પણ મોત થયું છે. દીકરાના મોત પછી હિઝબુલ્લા સાંસદે કહ્યું કે, આ લેબેનોન વિરુદ્ધ ઈઝરાયલની નવી લડાઈ યોગ્ય સમય આવતા આનો બદલો લેશે.
હિઝબુલ્લા પેજર શા માટે વાપરે છે?
મળતી માહિતી અનુસાર, ગત વર્ષે સાતમી ઑકટોબરે ઈઝરાયલ પર થયેલા આતંકવાદી હુમલા પછી હિઝબુલ્લાના સભ્યોએ મોટા સ્તરે પેજર્સનો ઉપયોગ શરૂ કરી દીધો હતો, જેથી ઈઝરાયની ગુપ્તચર સંસ્થા મોસાદ તેને ટ્રેક ન કરી શકે.
જાણો પેજર શું છે?
પેજર એક વાયરલેસ ડિવાઈસ હોય છે. જેને બીપરના નામથી ઓળખવામાં આવે છે. પેજરનો પ્રથમવાર ઉપયોગ અમેરિકાના ન્યૂયોર્કમાં થયો હતો. ત્યારે પેજરથી 40 કિલોમીટરની રેંજમાં મેસેજ મોકલી શકાતો હતો. વર્ષ-1980 પછી આનો ઉપયોગ આખા વિશ્વમાં થવા લાગ્યો હતો. વર્ષ-2000 પછી વોકી-ટોકી અને મોબાઈલ ફોનનો ઉપયોગ વધી જતા કાળક્રમે પેજરનો વપરાશ સદંતર ઘટી ગયો હતો.


