લેબેનોનમાં ત્રણ દિવસ અગાઉ થયેલા હિઝબુલ્લાના સભ્યોને ટાર્ગેટ બનાવીને કરવામાં આવેલા પેજર્સ વિસ્ફોટોથી પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો છે. હવે આને લઈને એક નવો જ ચકચારી ખુલાસો સામે આવ્યો છે. આ વિસ્ફોટોની સઘન તપાસમાં એક ભારતીય મૂળના વ્યકિતનું નામ સામે આવ્યું છે. આ ભારતીય મૂળની ઓળખ કેરળના વાયનાડથી સંબંધ ધરાવતા રિનસન જોસ તરીકે થઈ છે. જો કે, રિનસન જોસ પાસે હવે નોર્વેની નાગરિકતા છે. લેબેનોનમાં થયેલા પેજર્સ વિસ્ફોટમાં 12 લોકો માર્યા ગયા હતા, અને હજારો ઈજાગ્રસ્ત થયા હતા.
હવે જાણવા મળ્યું છે કે, હિઝબુલ્લાને મોકલેલા પેજર્સને પુરવઠો પુરો પાડનાર બુલ્ગારિયાની કંપની નોર્ટા ગ્લોબલ લિમિટેડ પણ સામેલ હતી. નોર્ટા ગ્લોબલ લિમિટેડ કંપની રિનસ જોસની છે. જેની સ્થાપના રિનસને વર્ષે 2022માં કરી હતી. જો કે, બુલ્ગારિયાની પોલીસે લેબેનોનમાં વિસ્ફોટમાં ફાટેલા પેજર્સનું બુલ્ગારિયામાં નિર્માણ અથવા આયાત-નિકાસથી વાતથી ઈનકાર કરી દીધો છે. બુલ્ગારિયા પોલીસે આ મામલે આગળની તપાસ ચાલુ કરી છે.
બુલ્ગારિયાની કંપનીના માલિક ભારતીય મૂળની વ્યકિત પાસે
પેજર વિસ્ફોટની તપાસમાં જાણવા મળ્યું છે કે, હિઝબુલ્લાને પેજર આપનાર બુલ્ગારિયાની એક ખાનગી કંપની પણ સામેલ હતી. આ બુલ્ગારિયન કંપનીના માલિક ભારતીય મૂળના રિન્સન જોસ પાસે છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, પેજર્સના કથિત રીકે ઈઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદે ત્રણ-ત્રણ ગ્રામ વિસ્ફોટ પ્લાન્ટ કર્યા હતા. હિઝબુલ્લાએ પેજર્સ સપ્લાયની કરાર તાઈવાનની કંપની ગોલ્ડ અપોલોની સાથે કર્યો હતો. જો કે, વિસ્ફોટો પછી ગોલ્ડ અપોલોએ કહ્યું કે, જે એઆર-924 પેજર્સ વિસ્ફોટ થયા, તેનું નિર્માણ હંગેરીની બુડાપેસ્ટમાં આવેલી બીએસી કંપની દ્વારા કરવામાં આવ્યું હતું. ગોલ્ડ એપોલો કંપની તરફથી કહેવાયું છે કે, હંગેરીની કંપની પાસે તેના ઉત્પાદન બનાવવાનું લાયસન્સ છે.
રિનસન જોસ કોણ છે?
કેરળના વાયનાડમાં જન્મેલા રિનસન જોસ થોડાક વર્ષો પહેલા ભણતર માટે નોર્વે ગયા હતા. રિનસને થોડા વર્ષ લંડનમાં પણ પસાર કર્યા અને છેલ્લે નોર્વેની નાગરિકતા લઈ લીધી હતી. રિનસન નોર્વેમાં એક ખાનગી મીડિયા માટે કામ કરી ચુક્યો છે. જો કે, હાલ રિનસન કામને લઈ નોર્વેથી બહાર છે.


