- પાકિસ્તાન રેન્જર્સ અને પોલીસે શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ વિરુદ્ધ હિંસાત્મક કાર્યવાહી કરી
- દેખાવકારો પર એકે 47 સહિતના હથિયારથી ફાયરિંગ, ટિયરગેસ છેડાયો
- પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ અને એકે-47 વડે ફાયરિંગ કરાયા હતા
પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK)માં પાકિસ્તાન દમનકારી નીતિ અપનાવી રહ્યું છે. ટેક્સ, મોંઘવારી અને વીજળીની અછત જેવા મુદ્દાઓ પર પ્રદર્શન કરી રહેલા લોકો પર પાકિસ્તાને જોરદાર લાઠી ચાર્જ કર્યો હતો અને ટિયરગેસના શેલનો મારો કર્યો હતો. શનિવારે પાકિસ્તાનની પોલીસ અને પાકિસ્તાન રેન્જર્સે કાશ્મીરીઓ વિરુદ્ધ આકરી કાર્યવાહી કરી હતી. તેણે પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો હતો અને હવાઇ ફાયરિંગ કર્યુ હતું. દેખાવકારો વિરુદ્ધ એકે-47 વડે ફાયરિંગ કરાયા હતા. ટિયરગેસનો પ્રયોગ કર્યો હતો. પાકિસ્તાની સુરક્ષા દળોના દમનમાં બે દેખાવકારોના મોત થયા હતા અને સંખ્યાબંધ અન્ય ઇજાગ્રસ્ત થયા હતા. સ્થાનિક લોકોની વિરોધ માર્ચને રોકવા માટે આ કાર્યવાહી કરવામાં આવી હતી. પાકિસ્તાન દ્વારા પોતાના કબજા હેઠળના કાશ્મીરના લોકો સાથે ગુલામો જેવું વર્તન કરવામાં આવે છે.અહીં વધતા ટેક્સ, મોંઘવારી અને વીજળીના લોડ શેડિંગ વિરુદ્ધ શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા લોકોને નિશાન બનાવાયા હતા. મીરપુરના દડિયાલ તાલુકામાં દેખાવકારોની શનિવારે માર્ચ કાઢવાની યોજના હતી પરંતુ તે પહેલા જ પાકિસ્તાની પોલીસ તેમની પર કેર બનીને તૂટી પડી હતી.
PoKની વીજળી પાકિસ્તાનના શહેરોને અપાઇ રહી છે
પીઓકેની જનતા રસ્તા પર ઉતરવા આખરે શા માટે મજબૂત થઇ હતી? કારણ કે પાકિસ્તાનની સરકારના દમનકારી નિર્ણયોને કારણે તે કંટાળી ગઇ છે. જે પીઓકેમાં જળવિદ્યુત પ્રોજેક્ટ્સ આવેલા છે તે પ્રોજેક્ટ્સની વીજળી તેમને મળી રહી નથી. તેમની વીજળી પાકિસ્તાનના શહેરોને અપાઇ રહી છે. ઉપરાંત વીજળીના બિલમાં પણ તોતિંગ વધારો કરવામાં આવ્યોછે. જેના કારણે સ્થાનિક લોકો કંટાળી ગયા છે.
પોલીસના વાહનો પર ગુસ્સો ઉતાર્યો
પોલીસે પ્રદર્શનકારીઓ પર હિંસાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે દેખાવકારોએ તેમની પર પથ્થરમારો કર્યો હતો. પોલીસ અને અર્ધલશ્કરી દળો દ્વારા દેખાવકારો વિરુદ્ધ બળપ્રયોગ કરાયો ત્યારે તેમણે પોતાનો ગુસ્સો પોલીસના વાહનો પર ઉતાર્યો હતો.


