5 એપ્રિલ, 2025ના રોજ બે ઓવલ ખાતે ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી અને અંતિમ વનડે મેચમાં મોહમ્મદ રિઝવાનની આગેવાની હેઠળની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે પાકિસ્તાની ક્રિકેટર ખુશદિલ શાહ પોતાનો સંયમ જાળવી શક્યો નહીં અને ચાહકોના એક જૂથ પર હુમલો કરી દીધો. મેચ જોવા માટે સ્થળ પર હાજર ચાહકોના એક વર્ગ પ્રત્યે ખુશાલના આક્રમક વર્તન પાછળનું કારણ સ્પષ્ટ નથી.
ખુશદિલ શાહને માર્યો ટોણો
એવું જોવા મળ્યું કે ચાહકો ન્યુઝીલેન્ડ પ્રવાસ દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ ટીમના પ્રદર્શન પર ખુશદિલ શાહને ટોણા મારી રહ્યા હતા. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 અને T20 વર્લ્ડ કપ 2024માંથી વહેલા બહાર થયા બાદ પાંચ મેચની T20I શ્રેણી 1-4થી અને ત્રણ મેચની ODI શ્રેણી 0-3થી હારી ગયા બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમને ભૂતપૂર્વ ક્રિકેટરો અને પરિવાર તરફથી ભારે ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. 30 વર્ષીય ખેલાડી ગુસ્સે થઈ ગયો અને ભીડમાં રહેલા ચાહકો પર હુમલો કરી દીધો. જોકે સપોર્ટ સ્ટાફના અન્ય સભ્યો તાત્કાલિક પહોંચ્યા અને પરિસ્થિતિ વધુ વણસે તે પહેલાં ખુશદિલને લઈ ગયા હતા.
પીસીબીનું નિવેદન આવ્યુ સામે
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ પણ એક સત્તાવાર નિવેદન જાહેર કરીને કહ્યું છે કે વિદેશી દર્શકોએ ખેલાડીઓ પ્રત્યે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. નિવેદન મુજબ, પાકિસ્તાન વિરોધી નારા સાંભળ્યા પછી ખુશદિલે પિત્તો ગુમાવ્યો હતો. PCB એ કહ્યું કે પાકિસ્તાન ક્રિકેટ ટીમ મેનેજમેન્ટ વિદેશી દર્શકો દ્વારા રાષ્ટ્રીય ખેલાડીઓ પ્રત્યે અપશબ્દોના ઉપયોગની સખત નિંદા કરે છે. આજે મેચ દરમિયાન વિદેશી દર્શકોએ મેદાન પર હાજર ક્રિકેટરો પ્રત્યે અયોગ્ય ટિપ્પણીઓ કરી હતી.
તેઓના જણાવ્યા મુજબ જ્યારે પાકિસ્તાન વિરોધી નારા લગાવવામાં આવ્યા, ત્યારે ક્રિકેટર ખુશદિલ શાહે દરમિયાનગીરી કરી અને દર્શકોને આમ ન કરવા વિનંતી કરી. જવાબમાં, અફઘાન દર્શકોએ વધુ અયોગ્ય ભાષાનો ઉપયોગ કરીને પરિસ્થિતિને વધુ ખરાબ કરી. પાકિસ્તાની ટીમની ફરિયાદ બાદ, સ્ટેડિયમ સત્તાવાળાઓએ દરમિયાનગીરી કરી અને બે બેકાબૂ દર્શકોને બહાર કાઢી દીધો હોવાનું પીસીબીએ નિવેદનમાં જણાવ્યું.


