- પાકિસ્તાનમાં મિનિ ટ્રક રોડ પરથી સરકી ખાડામાં ખાબકતા સર્જાયો અકસ્માત
- ભીષણ અકસ્માતમાં પાંચ બાળકો સહિત એક જ પરિવારનાં સભ્યો કાળનો કોળિયો બન્યો
- પાકિસ્તાનના ખૈબરપખ્તૂનખ્વામાં માર્ગો બિસ્માર હોવાથી સતત સર્જાય છે અકસ્માત
પાડોશી દેશ પાકિસ્તાનમાં આવેલા પંજાબ પ્રાંતમાં ગત રોજ એક મિનિ ટ્રક રોડ પરથી સરકી ખાડામાં પડી જતા કુલ પાંચ બાળકો સહિત એક જ પરિવારના 13 લોકોનાં મોત થયા છે. આ ગોઝારા અકસ્માતમાં નવ અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે. રૅસ્ક્યૂ ટીમ દ્વારા ઘટનાસ્થળે બચાવ કામગીરીમાં જોતરાઈ હતી. અધિકારીઓએ દુર્ઘટનાને લઈ આ અંગેની જાણકારી આપી હતી.અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોનાં ટોળાં એકઠાં થયાં હતાં. જો કે સ્થાનિક લોકોએ અકસ્માતને લઈ મદદની કામગીરી હાથ ધરી હતી.
પંજાબ આવતી ટ્રક ખૈબર પખ્તૂનખ્વાથી આવી હતી
મળતી માહિતી અનુસાર, પાકિસ્તાનમાં સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માત માટે મિનિ ટ્રક ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના બન્નુ જિલ્લાથી આવી પંજાબ તરફ જઈ રહી હતી. આ ભીષણ અકસ્માત લાહોરથી આશરે 250 કિલોમીટર અંતરિયાળ ખુશાબના પેંચ પીર વિસ્તારમાં થયો હતો. આ ગોઝારો અકસ્માત એ સમયે સર્જાયો જ્યારે રોડ પર એક વળાંક પર મિનિ ટ્રક રોડથી સરકી સીધી ખાડામાં સીધી ખાબકી હતી.
ગોઝારા અકસ્માતનું નિમિત્ત આ હતું
એક સરકારી અધિકારીએ જણાવ્યું કે પાંચ બાળકો સહિત 13 લોકોનાં ઘટનાસ્થળે મોત થયા હતા. નવ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં તેમની સ્થિતિ ગંભીર કહેવામાં આવી રહી છે. કેટલાક નજરે જોનારે જણાવ્યું કે મિનિ ટ્રક પૂરપાટ વેગે જઈ રહી હતી તે દરમ્યાન ડ્રાયવરે સ્ટેરિંગ પરથી સંપૂર્ણ કાબૂ ગુમાવી દીધો હતો. જેથી મિનિ ટ્રક રોડ પાસેના ખાડામાં ખાબકી હતી.
સીએમ મરિયમ નવાઝે દુ:ખ વ્યક્ત કર્યું
પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુખ્યપ્રધાન મરિયમ નવાઝે અકસ્માતમાં થયેલા મોત પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. ત્યારબાદ નવાઝે અધિકારીઓને નિર્દેશ આપ્યો હતો કે દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારી સારવાર મળી રહે તે માટે સતત ટીમ ખડેપગે હાજર રહી સ્થિતિ પર નજર રાખે.


