- પાકિસ્તાનમાં ભૂકંપ આવ્યા બાદ લોકો ડરના માર્યા ઘરબહાર નીકળ્યા હતાં
- ઈરાન પછી પાકિસ્તાનમાં પણ ધરતીકંપના જોરદાર આંચકા અનુભવાયા
- ભૂકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાનના દક્ષિણ-પૂર્વમાં 98 કિલોમીટર ઊંડાઈએ નોંધાયું
ઈરાન પછી હવે પાડોશી દેશ પાકિસ્તાનની ધરતી પણ ભૂકંપના જોરદાર આંચકાથી ધ્રૂજી ઉઠી છે. રાજધાની ઈસ્લામાબાદ સહિત પાકિસ્તાનના ઘણા વિસ્તારમાં બુધવારે 4.7 રિકટર સ્કેલ પર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આનાથી લોકો ડરીને પોતાના ઘરની બહાર નીકળી ગયા હતા. તેમજ ઘરની અંદર ફરીથી નહોતા ગયા અને રસ્તામાં સમય પસાર કરતા જોવા મળ્યા હતા.
જો કે અત્યાર સુધી જાનહાનિ કે નુકસાનના કોઈ અહેવાલ નથી. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર અનુસાર ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં 98 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. મળતી માહિતી અનુસાર, ભૂકંપના આંચકા ઈસ્લામાબાદ, રાવલપિંડી, પેશાવર, મલકંદ, સ્વાત, ઉત્તરી વજીરિસ્તાન, ચારસદ્દા અને સ્વાબી સહિતના ઘણા વિસ્તારોમાં અનુભવાયો હતો. પાકિસ્તાનમાં ઘણીવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. કારણ કે પાકિસ્તાન ઈન્ડિયન અને યુરેનેશિયન ટેક્ટોનિક પ્લેટની સરહદ પર આવેલું છે. દક્ષિણ એશિયાનો એક મોટો હિસ્સો ભૂકંપની દ્રષ્ટિએ સક્રિય છે. કારણ કે, ઈન્ડિયન ટેક્ટોનિક પ્લેટ ઉત્તરની અને યુરેશિયન પ્લેટથી અથડાય છે.
આ મહિનામાં અનેકવાર આંચકા આવ્યા છે
આ મહિનાની શરૂઆતમાં કરાચીના કેટલાક ભાગોમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. 2 મેના રોજ ગડપ, કટોહર અને મલીર જિલ્લાના નજીકના વિસ્તારો સહિત પાકિસ્તાનના ઘણા ભાગોમાં 2.3ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. 13 માર્ચે પંજાબ અને ખૈબર-પખ્તૂનખ્વા પ્રાંતના વિવિધ વિસ્તારોમાં 5.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. પાકિસ્તાનમાં 2005માં આવેલા 7.4ની તીવ્રતાના ઘાતક ભૂકંપમાં 74,000થી વધુ લોકો માર્યા ગયા હતા. આજે જ ઈરાનમાં જોરદાર ભૂકંપ આવ્યો હતો, જેમાં 4 લોકોનાં મોત થયા હતા. તેની તીવ્રતા 4.9 હતી.


