- સાઉદી અરબથી પાકિસ્તાન આવેલા શખ્સમાં એમપોક્સનો વાયરસ મળ્યો
- યુરોપ, એશિયા અને સ્વીડનમાં કેસ નોંધાઈ ચુક્યા છે
- વિશ્વ આરોગ્ય સંસ્થાએ એમપોક્સને લઈ હેલ્થ ઈમરજન્સી જાહેર કરી ચુકી છે
પાકિસ્તાનમાં આ વર્ષે પ્રથમ એમપોક્સનો કેસ સામે આવ્યો છે. તાજેતરમાં સાઉદી અરબથી પરત ફરેલા એક શખ્સમાં આ વાયરસ હોવાનું સામે આવ્યું છે. પાકિસ્તાનના આરોગ્ય મંત્રાલયે આ અંગેની જાણકારી સોશિયલ મીડિયા પર આપી છે. પાકિસ્તાનમાં આવેલા મરદાનના રહેવાસી એક શખ્સ ત્રીજી ઓગસ્ટે પાકિસ્તાન પરત આવ્યો હતો. પેશાવર પહોંચ્યા પછી થોડા સમયમાં તેમાં લક્ષણ જોવા મળ્યા અને તે આ અંગેની તપાસ માટે હોસ્પિટલ પહોંચ્યો ત્યારે આ બીમારીનો ખુલાસો થયો હતો.
આરોગ્ય અધિકારીઓએ તકેદારીના પગલાં લીધા
સાઉદી અરબથી પાકિસ્તાન આવેલા શખ્સમાં એમપોક્સનો વાયરસ મળ્યા પછી આખા પાકિસ્તાનના આરોગ્ય તંત્રમાં હડકંપ મચી ગયો હતો. આરોગ્ય અધિકારીઓએ સાઉદી અરબથી ફલાઈટમાં રહેલા બીજા પ્રવાસીઓ અને સંપર્કમાં રહેલા લોકોની ઓળખ કરી ટ્રેસિંગ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે.
સ્વીડન દેશમાં એમપોક્સનો કેસ મળી આવ્યો
આ દરમિયાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને એમપોક્સના વધતા ખતરાને લઈને ચેતવણી આપી હતી. અગાઉ, આફ્રિકાની બહાર એમપોક્સના પ્રથમ કેસની પુષ્ટિ સ્વીડનમાં પણ થઈ છે. માત્ર એક દિવસ પહેલા, વિશ્વ આરોગ્ય સંસ્થાએ બે વર્ષમાં બીજી વખત આ રોગને વૈશ્વિક જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી હતી. સ્વીડિશ પબ્લિક હેલ્થ એજન્સીના ડાયરેક્ટર જનરલ ઓલિવિયા વિગઝેલે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ચેપગ્રસ્ત વ્યક્તિને આફ્રિકાના એવા ભાગમાં રહેતા હતા જ્યાં આ રોગ વ્યાપક છે.
એમપોક્સના લીધે મોતનો આંકડો કેટલો થયો
મહત્ત્વનું છે કે, એમપોક્સ કોંગો સહિત 13 આફ્રિકન દેશોમાં ઝડપથી પગપેસારો કરી રહ્યો છે. અત્યાર સુધી આ બીમારીથી કુલ 524 લોકોનાં મોત થઈ ગયા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના ડાયરેકટરે ટેડ્રોસ એડનોમ ઘેબ્રેયસસે એમપોક્સના વધતા કેસોને લઈ ઈમરજન્સી સમિતિની બેઠક યોજી હતી. ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સમાં આ વાયરસ અંગે વધુ જાણકારી આપી હતી. વધુમાં તેમને જણાવ્યું કે, છેલ્લા ત્રણ વર્ષમાં આ બીજી વખત એવું બન્યું કે જ્યારે એમપોક્સ ઈમરજન્સી સ્થિતિમાં પહોંચ્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થા આફ્રિકામાં એમપોક્સના પ્રકોપ પર કામ કરી રહ્યું છે.


