પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેનો તણાવ વધ્યો છે. શુક્રવારની મોડી રાત્રે બંને સેનાઓ વચ્ચે ગોળીબાર થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ અનુસાર, આ ગોળીબારમાં બંને તરફે જાનમાલનું નુકસાન થયું છે. આ ઘટના બાદ બે મહિનાથી ચાલી રહેલા યુદ્ધ વિરામ પર અનેક સવાલો ઉભા થયા છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન એકબીજા પર યુદ્ધ વિરામનો ભંગ કરવાનો આરોપ લગાવી રહ્યા છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, ગોળીબાર પાકિસ્તાન-અફઘાનિસ્તાન બોર્ડર પર આવેલા ચમન અને સ્પિન બોલદક વિસ્તારમાં થયો છે. પકિસ્તાની પોલીસ અધિકારી મોહમ્મદ સાદિકે દાવો કર્યો છે કે, ફાયરિંગની શરૂઆત અફઘાનિસ્તાન દ્વારા કરવામાં આવી હતી. જે બાદ પાકિસ્તાનની સેનાએ જવાબમાં ગોળીબાર કર્યો હતો. બીજી તરફ તાલિબાનના પ્રવક્તા જબીહુલ્લાહ મુજાહિદે જણાવ્યું હતું કે, પહેલા પાકિસ્તાનની સેના દ્વારા ગોળીબાર શરૂ કરવામાં આવ્યો હતો. જે કારણે તાલિબાન સેનાને જવાબી કાર્યવાહીના ભાગરૂપે ગોળીબાર કરવો પડ્યો હતો.
એકબીજા પર આક્ષેપો
CNNના અહેવાલમાં જણાવ્યા અનુસાર, અફઘાન સરહદ પોલીસના પ્રવક્તા અબિદુલ્લાહ ફારૂકીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાની દળોએ સૌપ્રથમ હેન્ડ ગ્રેનેડ ફેંક્યો હતો, જેના જવાબમાં અફઘાન સૈનિકોને કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. અફઘાનિસ્તાન હજુ પણ સંઘર્ષ વિરામનું પાલન કરવા કટિબદ્ધ છે. બીજી તરફ, પાકિસ્તાને આરોપ મૂક્યો છે કે, અફઘાન તાલિબાને કોઈપણ ઉશ્કેરણી વિના ગોળીબાર શરૂ કર્યો હતો. પાકિસ્તાની સેનાએ દેશની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણ સતર્કતા જાળવી રાખી હોવાનો દાવો કર્યો છે.
ભૂતકાળની અથડામણો બાદ વધી રહ્યો છે અવિશ્વાસ
ઓક્ટોબરમાં બંને દેશો વચ્ચે થયેલી જીવલેણ અથડામણોમાં ડઝનબંધ સૈનિકો અને નાગરિકો માર્યા ગયા હતા અને સેંકડો ઘાયલ થયા હતા. આ ઘટનાઓ બાદ, કતારની મધ્યસ્થીથી ઓક્ટોબરમાં સંઘર્ષ વિરામ લાગુ કરવામાં આવ્યો હતો, જેનાથી થોડો શાંતિનો માહોલ સર્જાયો હતો. જોકે, ઇસ્તંબુલમાં યોજાયેલી શાંતિ વાટાઘાટો પણ કોઈ નક્કર સમજૂતી પર પહોંચી શકી ન હતી, જેના કારણે સરહદ પરનો તણાવ સતત યથાવત છે.
પાકિસ્તાનની મુખ્ય ચિંતા શું છે?
પાકિસ્તાન લાંબા સમયથી પાકિસ્તાન તાલિબાન (TTP)ને સરહદી આતંકવાદી હુમલાઓ માટે જવાબદાર ઠેરવે છે. TTP ભલે અફઘાન તાલિબાનથી અલગ હોય, પરંતુ તે તેની સાથે મજબૂત ગઠબંધન ધરાવે છે. પાકિસ્તાનનો મુખ્ય આરોપ છે કે, 2021માં અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તા પર પાછા ફર્યા પછી, મોટી સંખ્યામાં TTP લડવૈયાઓએ અફઘાનિસ્તાનમાં શરણ લીધી છે, જેનાથી પાકિસ્તાનની આંતરિક સુરક્ષા માટેના પડકારો ઘણા વધી ગયા છે.


