- પાકિસ્તાને દુનિયાને મૂર્ખ બનાવી
- કંગાળ દેશે હથિયારો વેચી ગુજરાન ચલાવ્યું
- યુક્રેનને રશિયા વિરુદ્ધ આપ્યા હથિયાર
હાલમાં પૈસાની કટોકટીનો સામનો કરી રહેલા પાકિસ્તાનની સ્થિતિ દિવસેને દિવસે કથળી જઈ રહી છે. હવે તે પોતાના હથિયારો વેચીને પોતાના ખર્ચાપાણી ચલાવી રહ્યું છે. પાકિસ્તાને ગયા વર્ષે અમેરિકાની બે ખાનગી કંપનીઓ સાથેના શસ્ત્રોના સોદાથી 364 મિલિયન યુએસ ડોલરની કમાણી કરી હોવાનું કહેવાય છે. આ હથિયારો યુક્રેનને સપ્લાય કરવામાં આવ્યા છે.
બે અમેરિકન ખાનગી કંપનીઓ દ્વારા હથિયારો મોકલવામાં આવ્યા હતા
એક મીડિયા રિપોર્ટ અનુસાર, પાકિસ્તાને બે અમેરિકન કંપનીઓ દ્વારા યુક્રેનને હથિયારોની સપ્લાય કરી છે. યુક્રેન આ હથિયારોનો ઉપયોગ રશિયા વિરુદ્ધ કરશે. બીબીસીએ દાવો કર્યો હતો કે બ્રિટિશ લશ્કરી કાર્ગો વિમાને રાવલપિંડીમાં પાકિસ્તાન એરફોર્સ બેઝ નૂરખાનથી સાયપ્રસ અક્રોટિરીમાં બ્રિટિશ સૈન્ય મથક અને પછી યુદ્ધગ્રસ્ત દેશને શસ્ત્રો સપ્લાય કરવા માટે રોમાનિયા સુધી કુલ પાંચ વખત ઉડાન ભરી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાને બે અમેરિકન ખાનગી કંપનીઓ ગ્લોબલ મિલિટ્રી અને નોર્થ્રોપ ગ્રુમેન સાથે બે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. યુએસ ફેડરલ પ્રોક્યોરમેન્ટ ડેટા સિસ્ટમમાંથી મળેલી કોન્ટ્રાક્ટ વિગતો અનુસાર, પાકિસ્તાને બંને અમેરિકન કંપનીઓને 155 એમએમ શેલ્સના વેચાણ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. યુક્રેનને શસ્ત્રો પૂરા પાડવા માટેના આ કરારો 17 ઓગસ્ટ, 2022ના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને તે ખાસ કરીને 155 એમએમ શેલ્સની ખરીદી સાથે સંબંધિત હતા.
પાકિસ્તાને આ રિપોર્ટને નકારી
જો કે, પાકિસ્તાની સરકાર આ વાતનો સતત ઈન્કાર કરી રહી છે કે તેણે રોમાનિયાના પાડોશી યુક્રેનને કોઈ હથિયારો પૂરા પાડ્યા છે. ઇસ્લામાબાદમાં વિદેશ મંત્રાલયે યુક્રેનને શસ્ત્રો અને દારૂગોળાના કોઈપણ વેચાણનો ઇનકાર કરતા કહ્યું કે પાકિસ્તાને આ યુદ્ધમાં તટસ્થ ભૂમિકા ભજવી હતી. યુક્રેન-રશિયા યુદ્ધમાં તેની ભૂમિકા સ્પષ્ટ હતી અને તેણે આ યુદ્ધમાં કોઈ પણ દેશને શસ્ત્રો કે દારૂગોળો પૂરો પાડ્યો નથી.
જ્યારે પાકિસ્તાનની ચોરી દુનિયા સામે આવી ત્યારે તેણે પોતાને બચાવવાનું શરૂ કર્યું. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે યુક્રેનને કોઈપણ પ્રકારના હથિયાર અને દારૂગોળો વેચવાનો ઈન્કાર કર્યો છે. આ સાથે તેમણે કહ્યું કે પાકિસ્તાન બંને દેશો વચ્ચે ‘કડક તટસ્થતા’ની નીતિ જાળવી રહ્યું છે. જો કે, અગાઉ પણ એવા ઘણા સંગઠનો છે જે દાવો કરતા રહ્યા છે કે પાકિસ્તાન યુક્રેનને હથિયારો વેચી રહ્યું છે. જો કે હજુ સુધી કોઈ પુરાવા આપવામાં આવ્યા નથી. પાકિસ્તાની મીડિયાએ આ સમાચારમાં ઉલ્લેખ કર્યો છે કે જે સમયે હથિયાર આપવાની વાત ચાલી રહી હતી તે સમયે પીડીએમ પાર્ટી સત્તામાં હતી, જેણે ઈમરાન પાસેથી સત્તા ખૂંચવી લીધી હતી.
કયા શસ્ત્રો વેચાયા હતા
પાકિસ્તાનના વચગાળાના પીએમ કહેતા રહ્યા છે કે જો યુક્રેનમાંથી કોઈ પાકિસ્તાની હથિયાર મળી આવે તો તે બ્લેક માર્કેટમાંથી જ પહોંચ્યું હશે. જો કે, આ ઘટસ્ફોટથી પાકિસ્તાનના તટસ્થ હોવાના દાવાની પર્દાફાશ થઈ ગઈ છે. રિપોર્ટ અનુસાર, બે અમેરિકન ખાનગી કંપનીઓ ગ્લોબલ મિલિટ્રી અને નોર્થ્રોપ ગ્રુમમેને પાકિસ્તાન સાથે 155 એમએમ તોપના શેલ ખરીદવા માટે કરાર કર્યો હતો. ગ્લોબલ મિલિટ્રી દ્વારા $232 મિલિયનનો કરાર કરવામાં આવ્યો હતો અને $131 મિલિયનનો કરાર અન્ય કંપની દ્વારા કરવામાં આવ્યો હતો.


