- રોગનાં લક્ષણો દેખાવાનાં પાંચ દિવસમાં થાય છે મૃત્યુ
- નેગલેરિયા ફાઉલેરી ચેપને કારણે 11 એ ગુમાવ્યા જીવ
- પાણી નાકમાં પ્રવેશી શકે એવી પ્રવૃત્તિઓ ટાળવાની સલાહ
પાકિસ્તાનનાં સિંધ પ્રાંતના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ બ્રેઈન ઈટિંગ અમીબા તરીકે ઓળખાતા નેગલેરિયા ફાઉલેરી અમીબાએ કરાચીમાં વધુ એક દર્દીનો જીવ લીધો છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ કરાચીના રહેવાસીનું મોત નેગલેરિયાના કારણે થયું હતું. આ દર્દી છેલ્લા ત્રણ દિવસથી તાવ અને માથાનાં દુખાવાથી પીડાઈ રહ્યો હતો. છેલ્લા બે સપ્તાહમાં કરાચીનાં સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટમાં નેગલેરિયાથી આ ત્રીજું મોત નોંધાયું છે.
તાજા પાણીમાં ઉદ્ભવતું દુર્લભ અમીબા
સિંધના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં સમગ્ર પ્રાંતમાં નેગલેરિયા ફાઉલેરી ચેપને કારણે 11 લોકોએ જીવ ગુમાવ્યા છે. સિંધના આરોગ્ય મંત્રી ડૉ. સાદ ખાલિદે કરાચીના લોકોને નેગલેરિયા ફાઉલેરીનો શિકાર ન બનવા માટે નિવારક પગલાં લેવા જણાવ્યું છે. આ એક દુર્લભ પરંતુ જીવલેણ પાણીજન્ય અમીબા છે જે તાજા પાણીના સ્ત્રોતોમાં ઉદ્ભવે છે.
જાહેર જનતાને સૂચનો
ખાલિદ નિયાઝે જાહેર જનતાને યોગ્ય રીતે ક્લોરિનેટેડ ન હોય તેવા પૂલમાં તરવાથી દૂર રહેવા વિનંતી કરી હતી. આરોગ્ય મંત્રીએ જાહેર જનતાને પાણી નાકમાં પ્રવેશી શકે એવી પ્રવૃત્તિઓ ટાળવાની સલાહ આપી હતી. 23 ઓક્ટોબરના રોજ બ્રેઈન ઈટિંગ અમીબાનાં કારણે ન્યૂ કરાચીના રહેવાસી 45 વર્ષીય અદનાનનું મોત થયું હતું.
શું છે રોગનાં લક્ષણો?
આ રોગનાં લક્ષણોમાં માથાનો દુખાવો, તાવ, ઉબકા અને ઉલટીનો સમાવેશ થાય છે અને સામાન્ય રીતે સંપર્કમાં આવ્યાના પાંચ દિવસ પછી શરૂ થાય છે. આ રોગ ઝડપથી આગળ વધે છે અને પછીના લક્ષણોમાં ગરદન અકડવી, મૂંઝવણ, બેદરકારી, હુમલા, આભાસ અને કોમાનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે આ રોગનાં લક્ષણો શરૂ થયાના પાંચ દિવસની અંદર દર્દીનું મૃત્યુ થાય છે. જો વ્યક્તિ આ અમીબાને ગળી જાય તો નેગલેરિયા ફાઉલેરી ચેપનું કારણ બની શકતું નથી કારણ કે પેટમાં એસિડ અમીબાને મારી નાખે છે. આ રોગ એક વ્યક્તિથી અન્ય વ્યક્તિમાં ફેલાતો નથી.