22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ બંધ કરી દીધી હતી. ત્યારથી, પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મંચો પર આ અંગે સતત રડી રહ્યું છે. હવે પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રમાં કહ્યું છે કે ભારતનો આ નિર્ણય ખૂબ જ ખતરનાક છે.આ આંતરરાષ્ટ્રીય નિયમોની વિરુદ્ધ છે અને પાકિસ્તાનના 24 કરોડ લોકોના જીવનને જોખમમાં મૂકી શકે છે.
સંયુક્ત રાષ્ટ્રની એક બેઠકમાં પાકિસ્તાનના પ્રતિનિધિ ઉસ્માન જાદૂને કહ્યું કે ભારતનો આ નિર્ણય આંતરરાષ્ટ્રીય નિયમો અને માનવાધિકારોનું ઉલ્લંઘન છે. અમે આની સખત નિંદા કરીએ છીએ. પાકિસ્તાની રાજદૂતે ભારતને નદીના પાણીને રોકવા કે વાળવા જેવા કાર્યો ન કરવા અપીલ કરી. આ નદીઓ લાખો પાકિસ્તાની લોકો માટે જીવનરેખા છે. પાકિસ્તાને વિશ્વને પાણીનો હથિયાર તરીકે ઉપયોગ કરવાના પ્રયાસો બંધ કરવા વિનંતી કરી. પાકિસ્તાની પ્રતિનિધિએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને પણ અપીલ કરી કે તેઓ આ બાબત પર નજર રાખે અને સમયસર પગલાં લે જેથી કોઈ મોટી કટોકટી ઊભી ન થાય.
પાકિસ્તાનનો બફાટ
સિંધુ નદીનું પાણી બંધ થયા પછી, પાકિસ્તાન સતત ધમકીઓ આપી રહ્યું છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ તેમના એક નિવેદનમાં કહ્યું હતું કે, “સિંધુ આપણું છે. કાં તો આપણું પાણી અથવા તેમનું લોહી સિંધુમાં વહેશે.” પહેલગામ હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરી દીધી હતી.
પીએમ મોદીએ કહ્યું- ‘ભારતનું પાણી ફક્ત ભારતમાં જ વહેશે’
પીએમ મોદીએ કહ્યું હતું કે ભારતનું પાણી ભારતના લોકો માટે અને ફક્ત ભારતમાં જ વહેશે. આ પછી, ભારતે વળતો જવાબ આપ્યો અને ઓપરેશન સિંદૂર હાથ ધર્યું અને પીઓકેમાં 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. 7 થી 10 મે દરમિયાન, પાકિસ્તાને ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ કરીને હુમલો કર્યો, પરંતુ ભારતે યોગ્ય જવાબ આપ્યો.