પાડોશી દેશ એવા પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટીએ દાવો કર્યો છે કે, પંજાબ પોલીસે તેના સંગઠનના નેતાઓ પર કાર્યવાહી શરૂ કરી દીધી છે. પીટીઆઈ તરફથી કહેવામાં આવ્યું છે કે, શનિવારે લાહોરના યોજાનાર તેના પ્રસ્તાવિત શક્તિ પ્રદર્શન પહેલા જ પાર્ટીના ઘણા નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરી લેવામાં આવી છે. પોલીસ તરફથી કરાયેલી આ કાર્યવાહી ઈમરાન ખાન માટે મોટો આંચકો મનાઈ રહ્યો છે.
પાકિસ્તાનની લાહોર હાઈકોર્ટમાં અરજી દાખલ
ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈએ લાહોર હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને કોર્ટને વિનંતી કરી કે રાજ્ય સરકારને શનિવારની રેલી પહેલા તેના નેતાઓ અને કાર્યકરોને હેરાન ન કરવા અથવા ધરપકડ ન કરવા આદેશ આપે. અરજદારની દલીલ છે કે રેલી યોજવી એ કોઈપણ રાજકીય પક્ષનો બંધારણીય અને કાનૂની અધિકાર છે અને પીટીઆઈને આ અધિકારથી વંચિત ન રાખવું જોઈએ. બીજી તરફ પીએમએલ-એનના એક કાર્યકર્તાએ પણ લાહોર હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને વિનંતી કરી છે કે પીટીઆઈને પંજાબમાં રેલી યોજવા દેવી ન જોઈએ.
ઈમરાન ખાનની પ્રતિક્રિયા
ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન-એ-તહેરિક-એ-ઈન્સાફના નેતા અલી એઝાઝ બુટ્ટુરે જણાવ્યું કે, પોલીસે પીટીઆઈના ઘણા નેતાઓ તેમજ કાર્યકરોની શનિવારે લાહોરમાં મેદાનમાં યોજાનારા શક્તિ પ્રદર્સન પહેલા અટકાયત કરી લેવામાં આવી છે. વધુમાં નેતાએ જણાવ્યું કે, મુસ્લિમ લીગ નવાઝ સરકારની ફાસીવાદી નીતિ છતા પીટીઆઈ લાહોરમાં એક ઐતિહાસિક રેલી આયોજિત કરશે. પીટીઆઈ સંસ્થાપક અને પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને જનતાને પોતાના ઘરમાંથી બહાર નીકળી 21 સપ્ટેમ્બરની રેલીમાં ભાગ લેવા અપીલ કરી છે.


