- આતંકવાદ, મોંઘવારી, વીજકાપમાં પિસાતી પ્રજાને વીજબિલમાં વધારાનો ડામ દેવાયો
- પાકિસ્તાનમાં વધતા વીજળીના દરમાં વધારાથી જનતા ત્રસ્ત
- માત્ર એક વર્ષમાં પાકિસ્તાનમાં વીજળીના બિલમાં 15 ટકાનો મસમોટો વધારો
પાડોશી દેશ પાકિસ્તાનમાં આતંકવાદ, વીજકાપ અને મોંઘવારીથી સતત પિસાઈ રહેલી જનતાને ત્યાંની સરકારે વધુ એક સળગતો ડામ આપી દીધો છે. પાકિસ્તાનમાં વીજળીના ભાવ ગત એક વર્ષમાં 14મી વાર વધ્યા છે. આ વધતા વીજળીના ભાવને લીધે પાકિસ્તાની નાગરિકો પર બોજો વધી ગયો છે. મળતી માહિતી અનુસાર, જુલાઈ-2023થી ઓગસ્ટ-2024 સુધી 14 વખત વીજળીની કિંમતોમાં સંશોધન કરવામાં આવ્યું છે.
આમ વધતી વીજળીના દરોને લીધે ગ્રાહકો પર 455 અબજ રૂપિયો કરતાં વધારાનો ખર્ચ આવે છે. આ બધાથી વીજળીની કિંમતોમાં ઉલ્લેખનીય વધારો ઝીંકાયો છે. જેમાં માર્ચ-2024માં 7.6 રૂપિયા પ્રતિ યુનિટની સૌથી વધુ હતો.
પાકિસ્તાની લોકોને ઓગસ્ટમાં વધારાયેલું બિલ મળશે
ચાલુ મહિનો એટલે કે, ઓગસ્ટમાં પાકિસ્તાનની જનતાને વધારો થયેલું બિલ મળશે. આ મહિનાની શરૂઆતમાં ઈલેકટ્રિક વિભાગે જાહેર કરેલું કે પાકિસ્તાનના કરાચીમાં વીજળી ગ્રાહકોને ઓગસ્ટમાં વધેલું બિલ મળી જશે. પાકિસ્તાનના સરકારી નોટિફિકેશનમાં પણ આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્રણ મહિનાનો આ બિલમાં સમાવેશ કરાયો છે. જેના લીધે ગ્રાહકોને પ્રતિ યુનિટ 3.22 પાકિસ્તાની રૂપિયામાં ચૂકવણી કરવી પડશે.
વીજળીના સતત વધતા ભાવથી જનતાને હાલાકી
મળતી માહિતી પ્રમાણે પાકિસ્તાનમાં સતત વધતા જતા વીજળીના બિલને લીધે નાગરિકો માટે ખર્ચાઓ પર કાપ મૂકવાની નોબત આવી છે. વીજળીનું બિલ ચુકવવા માટે પડકાર થઈ પડયો છે. લોકોએ પાકિસ્તાન સરકારને જનતાને રાહત આપવા ફ્યુઅલ એડજસ્ટમેન્ટ મિકેનિઝમની સમીક્ષા કરવા વિનંતી કરી છે.


