- પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસીફે લઘુમતીઓના રોજ મોત થતા હોવાની કબૂલાત કરી
- હું લઘુમતીઓની ચિંતા દૂર કરવા માગું છું પરંતુ વિપક્ષ વિઘ્ન નાખે છે: ખ્વાજા આસીફ
- ખ્રિસ્તી સમુદાયના લોકોને રોજગાર, શિક્ષણ અને અપશબ્દોના નામે હેરાનગતિ થતી હોવાનો સ્વીકાર
પાકિસ્તાનમાં લાંબા સમયથી લઘુમતીઓની ઉત્પીડન, હુમલો અને યૌન શોષણની ઘટનાઓ સતત પ્રકાશમાં આવી રહી છે. અત્યાચારના કારણે મોટી સંખ્યામાં લઘુમતીઓને પોતાનો દેશ છોડવાની ફરજ પડી છે. હમણાં જ પાકિસ્તાને સ્વીકાર્યું છે કે તેના દેશમાં લઘુમતીઓ સાથે સારો વ્યવહાર કરવામાં આવતો નથી. દરરોજ તેમની હત્યા થઈ રહી છે. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે સ્વીકાર્યું કે તેમના દેશમાં લઘુમતી સમુદાયના લોકો સુરક્ષિત નથી. તેમણે એ પણ સ્વીકાર્યું કે લઘુમતીઓને ધર્મના નામે સતત હેરાન કરવામાં આવી રહ્યા છે.
પાડોશી દેશમાં, નિંદાના નામે હિંદુ, અહમદિયા અથવા ખ્રિસ્તી સમુદાયના લોકોની મોબ લિંચિંગના દૈનિક અહેવાલો આવતા રહે છે. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે નેશનલ એસેમ્બલીમાં પોતાના સંબોધન દરમિયાન સ્વીકાર્યું હતું કે ધર્મના નામે લઘુમતીઓ પર સતત અત્યાચાર થઈ રહ્યો છે. આ ચિંતાનો વિષય છે. જો કે સંરક્ષણ મંત્રીએ તેમના ભાષણમાં હિન્દુ ધર્મનો ઉલ્લેખ કર્યો ન હતો.
રોજ હત્યા થઈ રહી છેઃ સંરક્ષણ મંત્રી
આસિફે કહ્યું, “લઘુમતીઓની દરરોજ હત્યા થઈ રહી છે. તેઓ ઈસ્લામના પડછાયા હેઠળ સુરક્ષિત અનુભવતા નથી. હું તેમની ચિંતાઓ દૂર કરવા માંગુ છું, પરંતુ વિપક્ષ અવરોધો ઉભા કરે છે. “આ ઘટનાઓ સમગ્ર વિશ્વમાં પાકિસ્તાનનું નામ ખરાબ કરી રહી છે.”
પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાને કહ્યું કે બંધારણ દ્વારા આપવામાં આવેલી સુરક્ષા છતાં, ઇસ્લામ સાથે સંબંધિત નાના સંપ્રદાયો સિવાય, અન્ય ધર્મના લોકો પણ અહીં સુરક્ષિત અનુભવી રહ્યા નથી. તેમણે એમ પણ કહ્યું કે નેશનલ એસેમ્બલીએ લઘુમતીઓના સંરક્ષણ અંગે ઠરાવ પસાર કરવો જોઈએ. ઘણા લોકો અત્યાચારનો ભોગ બન્યા છે જેમનો નિંદા સાથે કોઈ સંબંધ ન હતો, પરંતુ અંગત અદાવતના કારણે તેમની હત્યા કરવામાં આવી હતી.
નાના મુસ્લિમ સમુદાયનું પણ અપમાન થાય છેઃ સંરક્ષણ પ્રધાન
ઈસ્લામ સાથે સંબંધિત અન્ય નાના સંપ્રદાયોના લોકોનો ઉલ્લેખ કરતા ખ્વાજા આસિફે કહ્યું, “નાના મુસ્લિમ સમુદાયોને પણ અપમાનનો સામનો કરવો પડે છે. અમે તેમની સુરક્ષા માટે આતુર છીએ.” પાકિસ્તાનના માનવાધિકાર આયોગના અહેવાલ મુજબ, હિન્દુઓ, શીખો અને અન્ય લઘુમતીઓ બળજબરીથી ધર્મ પરિવર્તન, અપહરણ તેમજ હત્યા અને ધાર્મિક સ્થળો પર હુમલાનો સામનો કરી રહ્યા છે.


