- પાકિસ્તાનમાં કાળઝાળ ગરમી, આતંકવાદી હુમલા, માર્ગ અકસ્માતોની સીલસીલો યથાવત્
- સૌથી અશાંત એવા બલૂચિસ્તાનમાં પોલીસની ગાડી અકસ્માતનો ભોગ બની
- કરાચીમાં પોલીસ વાહન પર ગ્રેનેડથી હુમલામાં ત્રણ પોલીસકર્મી ઈજાગ્રસ્ત
પાડોશી દેશ પાકિસ્તાનમાં આતંકવાદી હુમલા, કમરતોડ મોંઘવારી, કાળઝાળ ગરમી, વીજકાપના સમાચાર સતત આવતા હોય છે. આ ઉપરાંત બિસ્માર માર્ગ પર અકસ્માતોની વણઝાર થતી હોય આ ઘટનાઓ પણ આવે છે. આ દરમિયાન પાકિસ્તાનના સૌથી અશાંત એવા બલૂચિસ્તાનમાં પોલીસ ગાડી પલટી જતા પાંચ પોલીસકર્મીઓના મોત થયા છે. આ દુર્ઘટનામાં અન્ય ત્રણ પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા છે. આ સિવાય અન્ય એક ઘટનામાં કરાચીના સચલ વિસ્તારમાં એક પોલીસ વાહન પર ગ્રેનેડ હુમલો કરાયો જેમાં ત્રણ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.
ટાયર ફાટવાથી અકસ્માત સર્જાયો હતો
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટાયર ફાટ્યા બાદ ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના પગલે આ ભયાનક અકસ્માત થયો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે આ અકસ્માતમાં ઘાયલ થયેલા તમામને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
પોલીસ વાહન પર ગ્રેનેડ હુમલો
બીજી ઘટનામાં કરાચીના સચલ વિસ્તારમાં પોલીસના વાહન પર ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ત્રણ પોલીસકર્મી ઘાયલ થયા હતા. તે જ સમયે, આ ઘટના પહેલા પણ અજાણ્યા લોકોએ નસીરાબાદના ડેરા મુરાદ જમાલીમાં એસએસપીની ટુકડી પર ગ્રેનેડ ફેંક્યો હતો. આ ઘટના બાદ પોલીસ, સીટીડી અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડે વિસ્ફોટના સ્થળે પહોંચીને વિસ્તારને કોર્ડન કરી લીધો હતો.


