- અયોધ્યા રામમંદિરમાં આજે થઈ રામલલ્લાની મૂર્તિની સ્થાપના
- પ્રાણપ્રતિષ્ઠા પર પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આપી પ્રતિક્રિયા
- ભારતના મુસલમાનોને હાંસિયામાં ધકેલી દેવાનો પ્રયાસો: પાકિસ્તાન
આજે અયોધ્યામાં રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી. જેને જોઈને પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. રામલલ્લા પ્રાણપ્રતિષ્ઠાને લઈને પાકિસ્તાન સરકાર તરફથી પ્રતિક્રિયા આપવામાં આવી છે. પાકિસ્તાનની સરકારે રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાને ભારતમાં વધી રહેલા બહુમતીવાદનો સંકેત ગણાવ્યો છે.
રામમંદિરમાં રામલલ્લાની મૂર્તિની સ્થાપના બાદ સોમવારે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે અયોધ્યામાં આયોજિત પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ ભારતમાં 31 વર્ષના ઘટનાક્રમનું પરિણામ છે. આ ભારતમાં વધી રહેલા બહુમતિવાદના સંકેત છે. આ ભારતીય મુસલમાનોને સામાજિક, આર્થિક અને રાજકીય હાંસિયામાં ધકેલી દેવાના પ્રયાસોનો એક પગલું માત્ર છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 2019માં સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપીને રામ મંદિરનો રસ્તો સ્પષ્ટ કર્યો હતો. કોર્ટની પાંચ જજની ખંડપીઠે કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યો હતો કે તે અયોધ્યામાં મસ્જિદ બનાવવા માટે સુન્ની વકફ બોર્ડને પાંચ એકરની જમીન આપે. ભારતમાં વધી રહેલા હિન્દુત્વની વિચારધારાથી દેશના ધાર્મિક સૌહાર્દ અને ક્ષેત્રીય શાંતિને જોખમ છે.


