- ઈમરાન ખાન ક્રિકેટર અને ઓક્સફર્ડ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી રહી ચૂક્યા છે
- ઈમરાન ખાનને પાકિસ્તાનના PM પદ પરથી હટાવ્યા બાદ જેલમાં બંધ છે
- ઈમરાન ખાન 2005થી 2014 સુધી બ્રેડફોર્ડ યુનિવર્સિટીના ચાન્સેલર રહી ચૂક્યા છે
જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીના આગામી ચાન્સેલર બનવા માટે અરજી કરી છે. તેમની પાર્ટીએ સોમવારે આ જાણકારી આપી. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)એ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, ઓક્સફર્ડના ભૂતપૂર્વ વિદ્યાર્થી ઈમરાને પાર્ટીના લંડન સ્થિત પ્રવક્તા સૈયદ ઝુલ્ફીકાર બુખારી દ્વારા ‘ઔપચારિક રીતે’ વિનંતી કરી હતી.
PTIએ સોશિયલ મીડિયા પર માહિતી આપી
PTIએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે, પાકિસ્તાનના રાષ્ટ્રીય નાયક અને ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન એક મહાન ક્રિકેટર, માનવપ્રેમી અને ઓક્સફર્ડ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી જેલમાં રહેતા હોવા છતાં પણ ઓક્સફર્ડ યુનિવર્સિટીના ચાન્સેલર પદ માટે ચૂંટણી લડી રહ્યા છે. પોસ્ટમાં વધુમાં જણાવ્યું કે, એક વર્ષથી પણ વધારે સમયથી ગેરકાયદેસર રીતે જેલમાં બંધ હોવા છતાં ઇમરાન ખાન તેના સિદ્ધાંતો અને તેના ઉદ્દેશ્યો માટે પ્રતિબદ્ધ છે. ઝુલ્ફી બુખારીએ પુષ્ટિ કરી છે કે અરજી ઔપચારિક રીતે સબમિટ કરવામાં આવી છે.
હોંગકોંગના છેલ્લા બ્રિટિશ ગવર્નરે ચાન્સેલર પદ પરથી રાજીનામું આપ્યું
મીડિયા અહેવાલો અનુસાર ઈમરાન ખાનની પાર્ટી દ્વારા આ જાહેરાત હોંગકોંગના છેલ્લા બ્રિટિશ ગવર્નર ક્રિસ પેટેન દ્વારા ફેબ્રુઆરીમાં કરવામાં આવેલી જાહેરાત બાદ કરવામાં આવી છે. જેમાં તેમણે કહ્યું હતું કે, તેઓ ઓક્સફોર્ડના ચાન્સેલર પદ પરથી રાજીનામું આપી રહ્યા છે.
યુનિવર્સિટી ઓક્ટોબર સુધીમાં ઉમેદવારોની યાદી જાહેર કરશે
જોકે, યુનિવર્સિટીની વેબસાઈટ અનુસાર ઉમેદવારોની યાદી ઓક્ટોબર સુધી જાહેર કરવામાં આવશે નહીં અને ઓક્ટોબરના અંતમાં મતદાન થશે. તમને જણાવી દઈએ કે ઈમરાન ખાને વર્ષ 1975માં ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. તેમણે ફિલૉસફી, રાજનીતિ અને અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે.
બ્રેડફોર્ડ યુનિવર્સિટીના રહી ચૂક્યા છે ચાન્સેલર
મીડિયા અહેવાલો અનુસાર પાકિસ્તાનના મહાન ક્રિકેટ ખેલાડીઓમાંના એક તરીકેની તેમની કારકિર્દી દરમિયાન ઈમરાન ખાને કથિત રીતે પ્લેબોય જીવનશૈલીનું નેતૃત્વ કર્યું હતું અને નિયમિતપણે બ્રિટિશ ગપસપ સામયિકોના પૃષ્ઠો પર ધ્યાન આપ્યું હતું. પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાને ત્રણ વખત લગ્ન કર્યા છે. જેમાં બ્રિટિશ સોશ્યલાઈટ અને ફિલ્મ નિર્માતા જેમિમા ગોલ્ડસ્મિથ પણ સામેલ છે. તેમણે 2005થી 2014 સુધી બ્રેડફોર્ડ યુનિવર્સિટીના ચાન્સેલર તરીકે પણ કામ કર્યું હતું. આ પછી ઇમરાન ખાન રાજકારણ તરફ વળ્યા અને 2018થી 2022 સુધી પાકિસ્તાનના વડાપ્રધાન રહ્યા હતા.
2022માં સત્તા પરથી હટાવવામાં આવ્યા
ઈમરાન ખાનને 2022માં વડાપ્રધાન પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. જ્યારે તેઓ વિશ્વાસ મત હારી ગયા હતા. ત્યારબાદ તેમણે પાકિસ્તાનની આર્મી પર આરોપ લગાવતા એક મજબૂત કમબેક કેમ્પેન શરૂ કર્યુ, જેના પ્રમુખ જનરલોએ એક સમયે તેમને ટેકો આપ્યો હતો. આ દરમિયાન પાકિસ્તાનની સડકો પર જોરદાર વિરોધ જોવા મળ્યો હતો.
ઈમરાન ખાન છેલ્લા એક વર્ષથી જેલમાં છે
ઈમરાન ખાનને ગયા વર્ષે ઓગસ્ટમાં ભ્રષ્ટાચારથી લઈને હિંસા ભડકાવવા સુધીના વિવિધ આરોપોમાં જેલમાં મોકલવામાં આવ્યો હતો. તાજેતરમાં તેમને જેલમાં બંઘ હોવાનું એક વર્ષ પૂર્ણ થયું છે. મીડિયા અહેવાલ અનુસાર ઈમરાને આ આરોપોને ‘રાજનીતિ રીતે પ્રેરિત’ ગણાવ્યા છે અને કહ્યું છે કે, આ આરોપો તેમને સત્તાથી દૂર રાખવા માટે લગાવવામાં આવ્યા છે.


